News of Friday, 2nd January 2026
સદરમાં બાઇક સ્લીપ થતાં ઘવાયેલા નેપાળી યુવાન બીનય થાપાનું મોતઃ આ યુવાનને લોહી આપવા મામલે તબિબ પર થયો હતો હુમલો
આરોપી જયદિપ ચાવડાને તત્કાળ પકડી લેવાની માંગણી સાથે જુનિયર તબિબોએ હડતાલ પાડી હતીઃ પોલીસે ગુરૂવારે સાંજે આરોપીને પકડી લેતાં હડતાલ પુરી થઇ હતી

રાજકોટ તા. ૨: શહેરના સદર વિસ્તારમાં પોલીસ ચોકી નજીક ગત ૨૫મીએ સાંજે બાઇક સ્લીપ થઇ જતાં બાઇકચાલક સદર બજારમાં આવેલી હોટેલમાં રહેતાં અને નોકરી કરતાં મુળ નેપાળના બીનય ગોપાલભાઇ થાપા (ઉ.વ.૩૫)ને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. માથામાં ગંભીર ઇજા પહોંચી હોઇ તેને ન્યુરો વિભાગમાં દાખલ કરી ઓપરેશન કરી સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન ગત સાંજે આ યુવાનનું મોત થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. ઉલ્લેખનિય છે કે આ યુવાનને લોહી ચડાવવા મામલે જ તેના પરિચીત જયદિપ ચાવડાને આ વોર્ડના ડોક્ટર પાર્થ પંડયા સાથે માથાકુટ થઇ હતી. મારામારી થતાં ડોક્ટરોએ હડતાલ પણ પાડી હતી. ગત સાંજે પોલીસે આરોપી જયદિપને પકડી લેતાં હડતાલ પુરી કરવામાં આવી હતી.
મૃત્યુ પામનાર બીનય થાપા નેપાળથી આઠેક મહિના પહેલા જ રાજકોટ નોકરી કરવા આવ્યો હતો. તે હાલમાં હોટેલમાં કામ કરતો હતો. બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. ૨૫મીએ સાંજે બાઇક હંકારીને જતો હતો ત્યારે સદર ચોકી પાસે બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેને સિવિલના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરાવતાં ઓપરેશન કરાયું હતું. જે તે વખતે લોહી ચડાવવામાં આવ્યું હોઇ તે સિવિલની બ્લડબેંકમાંથી લેવાયું હતું. બાદમાં ડોક્ટરે નિયમ મુજબ આ દર્દીના કોઇ સગા સાથે ન હોઇ તેના સમાજના નેપાળી લોકોને બીજા દર્દીઓના લાભાર્થે એક બોટલ લોહી જમા કરાવવા કહ્યું હતું.
આ પછી આ નેપાળી યુવાન બીનય થાપા વતી અયોધ્યા ચોક રાધા રેસીડેન્સીમાં રહેતો જયદીપ પિયુષભાઇ ચાવડા ૨૯મીએ રાતે ન્યુરો વોર્ડમાં આવ્યો હતો અને ડોક્ટર પાર્થ પંડયા સાથે લોહીની ચીઠ્ઠી બાબતે બોલાચાલી થતાં ડોક્ટર પર હુમલો કર્યો હતો. આ મામલે ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો નોંધાયો હતો. આરોપી નહિ પકડાતાં બુધવારથી જુનિયર ડોકટર હડતાલ પર ઉતરી ગયા હતાં. દરમિયાન ગઇકાલે ગુરૂવારે જ પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવા અને ટીમે આરોપી જયદિપને સકંજામાં લઇ લીધો હતો. બીજી તરફ તબિબોએ હડતાલ પુરી જાહેર કરી હતી. બીજી તરફ સારવાર દરમિયાન બીનય થાપાનું થતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(2:47 PM IST)










