News of Friday, 2nd January 2026
પંચાયત ચોકમાં ભજીયાના વેપારી સાથે પુર્વ ભત્રીજા જમાઇની ધમાલ
તારા કારણે જ મારા છુટાછેડા થયા છે, આજે તારા હાથ-પગ ભાંગી નાંખવા છે... રમેશભાઇ સોરઠીયાની ફરિયાદ પરથી મોરબી રોડ પર રહેતાં શૈલેષ લુણાગરીયા અને અજાણ્યા વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો વચ્ચે પડેલા મિત્રને કહ્યું-તું આઘો રહેજે નહિતર તારા ટાંટીયા પણ ભાંગી જશે

રાજકોટ તા. ૨: શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત નગર ચોક પાસે આવેલી ભજીયાની દુકાન ચલાવતાં વેપારી પર તેના જ પુર્વ ભત્રીજા જમાઇ સહિત બે જણે ફિલ્મી ઢબે ધસી આવી માથાકૂટ કરી ગાળો દઇ મારી નાખવાની, ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી દઇ કારમાં પરાણે બેસડાવનો પ્રયાસ કરતાં દેકારો મચી ગયો હતો.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ પટેલ કન્યા છાત્રાલય સામેના રોડ પર કૈલાસ પાર્ક-૫માં રહેતાં અને પંચાયત ચોક ઉમિયા ગાર્ડન પાસે શ્રીરામ ભજીયા સેન્ટર નામે દુકાન ચલાવતાં રમેશભાઇ નરસીભાઇ સોરઠીયા (ઉ.વ.૫૯)ની ફરિયાદ પરથી મોરબી રોડ પર રહેતાં તેમના પુર્વ ભત્રીજા જમાઇ શૈલેષ અમરશી ભાઇ લુણાગરીયા અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.
ફરિયાદી રમેશભાઈના સગા ભાઈની દીકરી જ્યોતિબેનના લગ્ન ૨૫ વર્ષ પહેલા મોરબી રોડ પર રહેતા શૈલેષ લુણાગરીયા સાથે થયા હતા. છેલ્લા ઘણા સમયથી પતિ-પત્નિ વચ્ચે વિખવાદ ચાલતો હોવાથી રમેશભાઈ આ મામલે સમાધાન કરાવવા માટે વચ્ચે પડતા હતા. અંદાજે એક માસ પૂર્વે જ્યોતિબેન અને શૈલેષના છૂટાછેડા થયા હતા. આરોપી શૈલેષ એવું માનતો હતો કે રમેશભાઈના કારણે જ તેના ઘરભંગ થયા છે, જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.
બનાવની રાત્રે રમેશભાઈ પોતાની શ્રી રામ ભજીયાની દુકાને હતા ત્યારે આરોપી શૈલેષ એક અજાણ્યા શખ્સ સાથે નંબર પ્લેટ વગરની કાળી કારમાં ત્યાં પહોંચ્યો હતો. દુકાન પર આવી બિભત્સ ગાળો આપી હતી અને કહ્યું હતું કે તારા લીધે જ મારા છૂટાછેડા થયા છે, આજે તો તારા હાથ-પગ ભાંગી નાખવા છે. આટલું કહી આરોપીએ રમેશભાઈને પરાણે કારમાં બેસાડી અપહરણ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
આ વખતે રમેશભાઈના મિત્ર પ્રભુભાઈએ તેમને બચાવવા માટે વચ્ચે પડ્યા અને શૈલેષને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને પણ ધમકાવ્યા હતાં. શૈલેષે પ્રભુભાઈને કહ્યું હતું કે- તું આઘો રહેજે, નહીંતર તારા ટાંટિયા પણ ભાંગી નાખીશું. આ પછી રમેશભાઈએ તાત્કાલિક શૈલેષના મામા રમેશભાઈ વૈષ્ણવને ફોન કરીને બોલાવ્યા હતા. તેઓએ આવીને શૈલેષને ઠપકો આપ્યો હતો. જતાં જતાંપણ શૈલેષે-તને તો અમે જાનથી મારી જ નાખશું તેવી ધમકી આપી કાર ભગાવી મૂકી હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જે.એલ. બાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:48 PM IST)










