<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

લક્ષ્મીનગરમાં છુટાછેડા બાદ પુર્વ પત્‍નિ ફરીથી સાથે રહેવા આવી જતાં યુવાન પર સશષા હુમલો

હર્ષિત ચોૈહાણને છુટાછેડા લઇ ચુકેલી પુર્વ પત્‍નિ વિરાલીએ ફોન કરતાં તે તેણીને હાથીખાનામાંથી પોતાના ઘરે તેડી આવ્‍યો હતોઃ આ કારણે રોષે ભરાયેલા વિરાલીના પિતા હરેશભાઇ હેરભા, કાકા, : ભાઇ સહિતના છરી-ધોકા-તલવારથી તૂટી પડયાઃ સામા પક્ષે ધ્રુવપાલને પણ ઇજા

રાજકોટ તા. ૨: શહેરના લક્ષ્મીનગર મેઈન રોડ પર ફિલ્‍ડ માર્શલ વાડીની બાજુમાં મોડર્ન સ્‍ટેશનરી સામે આવેલ ‘હરસિધ્‍ધી કુંજ'ખાતે રહેતાં યુવાન પર મોડી રાત્રે  પ્રેમલગ્નની અદાવતમાં હીચકારો હુમલો થતાં ઇજા થઇ હતી. છૂટાછેડા લીધા બાદ યુવતિ ફરી આ યુવાન  પાસે રહેવા આવતા ઉશ્‍કેરાયેલા તેણીના પિતા, ભાઈ અને કાકા સહિતના શખ્‍સોએ હુમલો કર્યો હતો. સામા પક્ષે પણ એકને ઇજા થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ લક્ષ્મીનગરમાં રહેતો હર્ષિત ધર્મેન્‍દ્રસિંહ ચોૈહાણ (ઉ.વ.૨૫) રાતે લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં અને પોતાના પર હુમલો થયાનું કહેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. પોલીસે હર્ષિતની ફરિયાદ પરથી હાથીખાનામાં રહેતાં હરેશભાઇ હેરભા, યુવરાજ હેરભા, સમીર હેરભા અને ધ્રુવપાલ હેરભા સામે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસ ફરિયાદમાં  જણાવાયા મુજબ હર્ષિત રિલાયન્‍સ માર્ટમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે હર્ષિતે આશરે ૧૦ મહિના પહેલા હાથીખાના વિસ્‍તારની વિરાલી હરેશભાઈ હેરભા સાથે પ્રમ લગ્ન કર્યા હતા. પણ મનમેળ ન થતા બંનેએ  છ મહિના બાદ પરસ્‍પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. દરમિયાન સાંજે વિરાલીએ હર્ષિતને ફોન કરી ‘મારે તારી સાથે જ રહેવુ છે, મને લઈ જા' તેમ કહેતા હર્ષિત તેને હાથીખાનાથી પોતાના ઘરે લઈ આવ્‍યો હતો. આ વાતની જાણ વિરાલીના પરિવારને થતા તેઓ રોષે ભરાયા હતા.

ત્‍યારબાદ રાત્રે આશરે અગીયાર વાગ્‍યા આસપાસ  વિરાલીના પિતા હરેશભાઈ હેરભા, ભાઈ યુવરાજ, કાકા સમીરભાઈ અને ધ્રુવપાલ હેરભા તલવાર, ધોકા અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો સાથે હર્ષિતના ઘરે પહોંચ્‍યા હતા. આ બધાએ ‘બહાર નીકળો, આજે તો તમને મારી જ નાખવા છે' તેવી બૂમો પાડી ગાળાગાળી કરી હતી. આથી હર્ષિત અને પરિવારજનો ડરી ગયા હતાં. તેના માતાએ ૧૧૨માં ફોન કરી દીધો હતો. એ દરમિયાન હર્ષિતનો નાનો ભાઇ જૈમીન બહારથી આવતાં આ લોકોએ તેને બહાજ પડકી લઇ મારામારી કરી હતી. આથી હર્ષિત, તેના માતા રીટાબા બહાર નીકળી જૈમીનને બચાવવા વચ્‍ચે પડયા હતાં.

આ વખતે તલવાર, ધોકા, છરીથી હુમલો કરાતાં હર્ષિતને હાથમાં ઇજા થઇ હતી. દેકારો થતાં અને ૧૧૨ને જાણ કરાઇ હોઇ પોલીસ આવી જતાં આ બધા ભાગી ગયા હતાં. હર્ષિતને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં  ખસેડાયો હતો.

સામા પક્ષે ધ્રુવપાલ ધીરૂભાઇ હેરભા (ઉ.વ.૨૨-રહે. હાથીખાના, આનંદ ભુવન કેનાલ રોડ) પણ પોતાના પર લક્ષ્મીનગરમાં હર્ષિત ચોૈહાણ સહિતે છરીથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. માલવીયાનગરના હેડકોન્‍સ. અસ. સી. ઓગાણીયાએ ગુનો દાખલ કર્યો હતો.

(2:51 PM IST)