News of Friday, 2nd January 2026
સોની બજારમાં બંગાળી મહમદ નજીમુદ્દીન પર એસિડ એટેકઃ મિત્ર અબ્બાસ ઝડપાયો
બંગાળી કારીગર યુવાનોએ બનાવેલી વી.સી.યુનિટમાં બધાએ દર મહિને થોડુ થોડુ સોનુ જમા કરાવવાનું: જરૂર પડે તેમાંથી વાપરવાનો તેવો નિયમ હતોઃ મહમદ નજીમુદ્દીને ૨૦ ગ્રામ સોનુ લઇ તેમાંથી ૧૪ ગ્રામ જમા કરાવી દીધું હતું: ૬ ગ્રામની ઉઘરાણી કરી હુમલોઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી

રાજકોટ તા. ૨: શહેરના સોની બજાર વિસ્તારમાં વર્ષોથી સાથે કામ કરતા અને એક જ વતનના મિત્રો વચ્ચે સોનાની લેતી-દેતીમાં માથાકુટ થતા એસિડ એટેક થયો છે. બંગાળી કારીગર મિત્રોએ બનાવેલી વી.સી.માંથી બંગાળી યુવાને જરૂર પડતાં સોનુ લીધુ હતું અને તે જમા કરાવી દીધું હતું. જો કે ૬ ગ્રામ ફાઈન સોનુ જમા કરાવવાનું બાકી હોઇ તેની વસુલાત મામલે સોનું ગાળવા માટે વપરાતું ઘાતક એસિડ ફેંકી તેને શરીરના વિવિધ ભાગોએ ગંભીર રીતે દઝાડી દેવામાં આવતાં પોલીસે કાર્યવાહી કરી છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે મુળ બંગાળના બર્ધનામ જિલ્લાના જમાલપુરના વતની અને હાલ રાજકોટ સોની બજારની જૂની ગધીવાડમાં રહેતા મહમદ નજીમુદ્દીન અબ્દુલમનન હલદર (ઉ.વ. ૨૬)ની ફરિયાદ પરથી તેના જ મિત્ર ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં રહેતાં અબ્બાસ અખ્તારભાઇ શેખ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. મહમદ નજમુદ્દીને નોંધાવેલી ફરિયાદ મુજબ તે છેલ્લા ૧૪ વર્ષથી રાજકોટમાં રહી સોની કામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
તે અને તેના અન્ય પાંચ બંગાળી મિત્રો પુલ્લકભાઈ ઘરાઈ, અબ્બાસ અખ્તારભાઈ શેખ, સફીક ઉલ રહેમાન, શેખ મૌદુલ અને અને શેખ સલીમ આ તમામ મિત્રોએ મળીને સોનાની એક વી.સી. (વેન્ચર કેપિટલ) યુનિટી બનાવી હતી. આ વી.સી.નો નિયમ એવો હતો કે દર મહિને દરેક સભ્યએ થોડું થોડું સોનું જમા કરાવવાનું અને જરૂર પડે ત્યારે તેમાંથી ઉપાડ લેવાનો. આ વી.સી.નું સંચાલન અબ્બાસ અખ્તારભાઈ શેખ (રહે. ભગવતી પરા) કરતો હતો.
દરમિયાન મહમદ નજીમુદ્દીને આશરે ત્રણ મહિના પહેલા આ વી.સી.માંથી ૨૦ ગ્રામ ફાઈન સોનું ઉપાડ તરીકે લીધું હતું. જેમાંથી તેણે કટકે-કટકે ૧૪ ગ્રામ સોનું પરત જમા કરાવી દીધું હતું, પરંતુ ૬ ગ્રામ સોનું જમા કરાવવાનું બાકી હતું. હાલ કામધંધો બરાબર ન હોવાથી મહમદ નજીમુદ્દીન આ સોનું ચૂકવી શકતો ન હતો. આ બાબતે અબ્બાસ અવારનવાર તેની સાથે ઝઘડો કરતો હતો. આ વચ્ચે ગત તા. ૨૯/૧૨/૨૦૨૫ના રોજ બપોરે એકાદ વાગ્યાની આસપાસ જ્યારે મહમદ, પુલ્લક અને અબ્બાસનો ભાણેજ શાહરૂખ એમ બધા લોકો માંડવી ચોકમાં આવેલ હિરેન ચેમ્બરના બીજા માળે અબ્બાસની દુકાને સોની કામની મજૂરી કરતા હતા, ત્યારે ફરીથી સોનાની ઉઘરાણી શરૂ થઈ હતી. મહમદ નજીમુદ્દીને નમ્રતાથી કહ્યું કે ૅઅત્યારે કામ નથી એટલે સગવડ નથી, સગવડ થશે એટલે જમા કરાવી દઈશ.
આ સાંભળતા જ અબ્બાસ ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. મહમદે ગાળો દેવાની ના પાડતા અબ્બાસે તેને ઢીકાપાટુનો માર માર્યો હતો અને આવેશમાં આવી જઈ દુકાનમાં સોનું ગાળવાની ભઠ્ઠી પાસે પડેલો એસિડનો ડબો મહમદના શરીર પર ફેંકયો હતો. આ હુમલામાં મહમદને પીઠ, ડાબા હાથની કોણી, ગળાનો ભાગ, હોઠ અને બંને હાથના પંજા પર ગંભીર રીતે એસિડ પડતા તે દાઝી ગયો હતો.
ઘટના બાદ મહમદ આખા શરીરે બળતરાથી ચીસો પાડવા લાગતા, હુમલાખોર અબ્બાસ પોતે જ તેને પદપકુવરબા હોસ્પિટલ અને ત્યારબાદ ત્રંબા ગામ પાસે આવેલીાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. પ્રાથમિક સારવાર બાદ અબ્બાસ તેને પોતાના ઘરે લઈ ગયો હતો. બાદમાં મહમદ પોતાના ઘરે જતો રહ્યો હતો. હવે દાઝવાને કારણે અસહ્ય દુખાવો થતા તેણે તેના મિત્ર બિલાલને વાત કરી હતી અને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં હેડકોન્સ. કે. આર. જોળીયાએ ગુનો નોંધી આરોપીને ઝડપી લઇ કાર્યવાહી કરી છે.
(2:52 PM IST)










