News of Friday, 2nd January 2026
૧૫૧ કિલોની કેક અને આતશબાજી સાથે હનુમાન મહોત્સવની ભવ્ય ઉજવણી
૬૦ હજારથી વધુ ભક્તોની મેદની વચ્ચે જય બજરંગબલી અને જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું મેદાનઃ બાળકો હનુમાનજીના રૂપમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાઃ આજે હનુમાનદાદાનો અન્નકૂટ ઉત્સવઃ શ્રધ્ધાળુઓને પોતાના ઘરેથી વાનગી બનાવી દાદા માટે લઇ આવવા અપીલ

રાજકોટઃ શહેરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ શ્રી હનુમાન ચાલીસા યુવા કથા અંતર્ગત એક અભૂતપૂર્વ હનુમાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે સ્ટેજ પર ૧૫૧ કિલોની વિશાળ કેક કાપીને હનુમાનજીના પ્રાગટ્યના વધામણા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્ટેજ પર નાના-મોટા અનેક બાળકો હનુમાનજીના વેશ ધારણ કરીને ઉપસ્થિત રહ્યા હતા. જય બજરંગબલીૅ અને ૅજય શ્રી રામના નાદ સાથે આ બાળકો સ્ટેજ પર ઝૂમી ઉઠતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
હનુમાનજીના જન્મોત્સવને વધાવવા માટે ભવ્ય આતશબાજી અને આધુનિક ફાયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આકાશ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આ દ્રશ્યો નિહાળવા માટે રાજકોટ અને આસપાસના વિસ્તારોમાંથી અંદાજે ૬૦ હજારથી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા. લોકોની ભારે ભીડને જોતા રેસકોર્સ ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું હોય તેવું લાગતું હતું.
આજે હનુમાનદાદાનો ભવ્ય અન્નકૂટ/ઉત્સવ રાખવામાં આવ્યો છે, આ અવસરે રાજકોટના કોઈ પણ લોકો પોતાના ઘરેથી શ્રદ્ધાપૂર્વક દાદા માટે કંઈક વાનગી કે પ્રસાદ બનાવીને કથા સ્થળે લાવવા અપીલ કરવામાં આવી છે. જે કોઈ લોકો અન્નકૂટ ઉત્સવ મીઠાઈ અથવા ફ્રુટ કથા સ્થળે સાંજે સાત વાગ્યા સુધીમાં પહોંચાડવા અપીલ યુવા હનુમાન ચાલીસા સમિતિ દ્વારા કરવામાં આવી છે.
સારંગપુર ધામને ‘ગ્રીન' બનાવવાનો સદભાવના વૃદ્ધાશ્રમનો સંકલ્પ
રાજકોટઃ રેસકોર્સ મેદાનમાં હાલ ભક્તિ અને પર્યાવરણના જતનનો ત્રિવેણી સંગમ રચાયો છે. સાળંગપુર ધામના હરિપ્રકાશદાસજી સ્વામીના મુખે વહેતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. આ કથા દરમિયાન સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. સંસ્થાએ સારંગપુર ધામને ગ્રીન (વૃક્ષારોપણ) બનાવવાનો સંકલ્પ કર્યો છે. કોઈપણ વ્યક્તિ માત્ર રૂા.૧૫૦૦ ના સહયોગ આપી આ સેવામાં ભાગીદાર બની શકે છે. આ માટે કથા સ્થળ પર ખાસ સ્ટોલ રાખવામાં આવ્યો છે અથવા ૮૦૦૦૨૮૮૮૮૮ નંબર પર સંપર્ક કરી શકાય છે. (૩૮.૩૪)
કથામાં નથવાણી પરિવારનો અવિરત સેવાયજ્ઞઃ ૧ હજાર કિલો પ્રસાદનું વિતરણ
રાજકોટઃ સેવાની સુવાસ જ્યારે ભક્તિ સાથે ભળે છે ત્યારે તે એક અનેરું ઉદાહરણ પૂરું પાડે છે. હાલમાં ચાલી રહેલી હનુમાન યુવા કથામાં બિપિનભાઈ નથવાણી અને તેમનો પરિવાર આવી જ નિઃસ્વાર્થ સેવા કરી રહ્યો છે.
દરરોજ અંદાજે ૧૦૦૦ કિલો પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. આ સેવાની વિશેષતા એ છે કે દરરોજ મેનુમાં વિવિધતા રાખવામાં આવે છે. શ્રદ્ધાળુઓને ભાવપૂર્વક ચણા, ગુંદી, ઉપમા જેવી વાનગીઓ પીરસવામાં આવે છે.
આ સેવા કાર્યની સૌથી પ્રેરણાદાયી બાબત એ છે કે આખું પરિવાર આમાં જોડાયેલું છે. નથવાણી પરિવારના નાના બાળકો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રસાદ વિતરણમાં સહભાગી બને છે. બપોરના સમયથી જ પ્રસાદ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે, જેથી સાંજે કથા વિરામ બાદ હજારો ભક્તોને તાજો પ્રસાદ મળી રહે. ગયા વર્ષની કથાની સરખામણીએ આ વર્ષે ભક્તોનો પ્રવાહ વધતા, પ્રસાદનું પ્રમાણ પણ ત્રણ ગણું વધારી દેવામાં આવ્યું છે. આટલી વિશાળ માત્રામાં વ્યવસ્થા હોવા છતાં, પરિવારના દરેક સભ્યના ચહેરા પર થાકને બદલે સેવાનો આનંદ જોવા મળે છે.(૩૮.૩૪)
(2:56 PM IST)










