તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd January 2026
રણછોડનગર શેરી નં. ૧૦ માર્ગનું નામકરણ ‘સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠ્ઠલાણી' જાહેર કરો
સ્વ.મનુભાઇ વિઠ્ઠલાણીએ આજીવન ખાદી ધારણ કરેલ દેશ સેવા કાર્યો અને આઝાદી પછી દેશના સમાજ માટે તથા સ્વચ્છ ભારત અભિયાન, રક્તદાન જેવી અનેક બાબતો પર પ્રકાશ પાડયો હતો

રાજકોટ : શહેરના ઉપલાકાંઠે રણછોડનગર શેરી નં -૧૦ જાહેરમાર્ગનું નામકરણ ‘‘સ્વાતંત્ર્ય સોનાનીશ્રી મનુભાઇ વિઠ્ઠલાણી''કરવા સ્વાતંત્રતા સેનાની શુભેચ્છક પરિવાર દ્વારા મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયાને રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છેકે દેશના અગ્રીમ સ્વાતંત્ર્ય સેનાની એવા દેશના આઝાદીના લડવૈયા અને રાજકોટમાં નિવાસ સ્થાન ધરાવતા હતા. તેઓ સામાકાંઠા વિસ્તારમાં રણછોડ નગર-૧૦માં પોતાની ઓફિસ ધરાવતા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અનેકવાર સન્માન કરી ચૂકયા છે તેમજ પૂર્વ રાષ્ટ્રપતિશ્રી અને મિસાઇલમેનથી જાણીતા એવા સ્વ.એ.પી.જે.અબ્દુલ કલામ રાજકોટ આવેલા અને સ્વ.મનુભાઇ વિઠ્ઠલાણી પાસેથી દેશની આઝાદી વિશેની રૂબરૂ વિગતો/માહિતી મેળવી હતી. જે-તે સમયે વર્તમાન પત્રો અને ટીવીમાં નોંધ લેવાઇ ચૂકી છે. આ સિવાય આપણાં પૂર્વ રાષ્ટ્રપતિશ્રી પ્રતિભાદેવી પાટિલ તથા હાલના રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિન્દજી દ્વારા પણ સન્માનીત થઇ ચૂક્યા છે. રાજ્યપાલશ્રી વજુભાઇ વાળા તથા બીજા અનેક મહાનુભાવો દ્વારા સન્માનીત થયેલા છે અને શુભેચ્છા મુલાકાત પણ કરી ચૂક્યા છે.
દેશની અગ્રીમ સ્વાતંત્ર્ય સેનાની તથા દેશની આઝાદીના લડવૈયા એવા સ્વાતંત્ર્ય સેનાની સ્વ.મનુભાઇ વિઠ્ઠલાણીના આઝાદી ચળવળના સમય દરમિયાન તેઓએ કરેલા દેશ સેવાકાર્યો અને આજાદી પછી દેશના સમાજ માટે તથા ખાસ દેશની નવી પેઢીના યુવાનોને દેશ પ્રત્યેની એમની દેશભાવના જાગૃત કરાવી, સ્વચ્છ ભારત અભિયાન, રક્તદાન, વ્યસન મુક્તિ અભિયાન જેવી અનેક બાબતો ઉપર પ્રકાશ પાડતા હતા. સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇએ આજીવન ખાદી ધારણ કરેલ.
તારીખ ૧૮/૦૫/૨૦૨૧ના રોજ સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠ્ઠલાણીનું દેહાવશાન થયેલ છે. દેશમાં જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ ગયો છે ત્યારે હવેની પેઢી યાદ કરે તે માટે દેશદાઝથી પ્રબળ રહેલા અને સમગ્ર ભારતીયો તથા યુવાઓના પ્રેરણાસ્ત્રોત, સામાજિક કાર્યકર તરીકે જીવનના છેલ્લા દિવસો સુધી કાર્યરત રહેલા એવા સ્વ.સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠ્ઠલાણીની યાદગીરી રૂપે રાજકોટના રણછોડ નગર શેરી ૧૦ (કુવાડવારોડથી પાણીના ઘોડા સુધી) જાહેર માર્ગનું નામકરણ ‘‘સ્વાતંત્ર્ય સેનાની સ્વ.મનુભાઇ વિઠ્ઠલાણી જાહેર માર્ગ'' કરવા અનુરોધ કરવામાં આવેલ. સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠ્ઠલાણી નામકરણ કરવાથી હવેની નવી પેઢી/યુવા પેઢી દેશના લોકો સ્વાતંત્ર્યતા તેમજ ભારતના આઝાદીના અમૃત મહોત્સવને સદા યાદ કરતી રહેશે આ વિસ્તારમાં ૫ સ્કૂલો પણ આવેલી છે અને તેમાં વર્ષો વરસ અભ્યાસ ક્રમમાં આવનાર હજારો વિદ્યાર્થીઓ પણ સ્વાતંત્ર્ય સેનાની અને ભારતની સ્વાતંત્ર્યતા વિશે જાણવા સદા ઉત્સુક રહેશે તેમ રજુઆતના અંતમાં જણાવાયું છે.
(3:15 PM IST)










