<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત વખતે આગેવાન ડી. ડી. સોલંકીને છરીના ઘા મારી દેવાની ધમકી

બધાને શાંતિ રાખવા અને પુરૂષ હોય તે પુરૂષની લાઇનમાં, મહિલા હોય તે મહિલાની લાઇનમાં ઉભા રહેવા દિનેશભાઇએ મજાકમાં કહેતાં વિક્રમે ઉશ્‍કેરાઇ જઇ ડખ્‍ખો કર્યો : સરધારમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ગૂમ થવાના કિસ્‍સામાં આરોપીને પકડવાની રજૂઆત માટે સીપી કચેરીએ બધા આવ્‍યા ત્‍યારે બનાવઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્‍યોઃ બે વર્ષ પહેલાનો ડખ્‍ખો પણ કારણભુત

 

 

રાજકોટ તા. ૩: શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર શહિદ સુખદેવ ટાઉનશીપ જી-૨૩૦૫ શિતલ પાર્ક સર્કલ પાસે રહેતા અને એજ્‍યુકેશન એડવાઈઝર તેમજ સામાજિક આગેવાન તરીકે કામ કરતાં દિલીપભાઈ ઉર્ફે ડી.ડી. ધીરૂભાઇ સોલંકી (ઉ.વ.૩૭)ને પોલીસ કમિશનર કચેરી ખાતે જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી અપાતાં આ મામલે પ્રયુમનનગર પોલીસ સ્‍ટેશનમાં ચામુંડાનગરના વિક્રમ પી. વોરા નામના શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

જાણવા મળ્‍યા મુજબ સરધાર ગામમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ગુમ થવાના મામલે આરોપીઓની ધરપકડ ન થતાં શુક્રવારે બપોરે સમસ્‍ત અનુસુચિત જાતિ સમાજ દ્વારા કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. આ દરમિયાન ડી.ડી. સોલંકીએ હાજર લોકોને શાંતિ જાળવવા અને શિસ્‍તબદ્ધ રીતે લાઈનમાં ઊભા રહેવા સુચના આપી હતી.

આ વખતે જ્‍યારે વિક્રમ નામનો શખ્‍સ મહિલાઓની લાઈનમાં ઊભો હતો, ત્‍યારે ડી.ડી. સોલંકીએ તેને પુરૂષોની લાઈનમાં જવા કહ્યું હતું અને મજાકમાં જણાવ્‍યું હતું કે ‘જે મહિલા હોય તે મહિલા તરફ અને પુરૂષ હોય તે પુરૂષ તરફ ઊભા રહે'. આ વાતથી ઉશ્‍કેરાઈ જઈ વિક્રમે જાહેરમાં ઝઘડો કરી ‘તું બોલવામાં ધ્‍યાન રાખજે, તને છરીના ઘોદા મારીને જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી હતી.

ડી.ડી. સોલંકીએ ફરિયાદમાં વધુમાં જણાવ્‍યું હતું કે આ વિવાદ પાછળ જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે. બે વર્ષ અગાઉ તેણે અશોક સિંધવ નામના શખ્‍સ સામે બે એફઆઇઆર નોંધાવી હતી. આરોપી વિક્રમ આ અશોક સિંધવનો માણસ હોવાથી તેણે માથાકુટ કરી હતી. આ બનાવ વખતે રમેશભાઈ મુછડીયા, જયસુખભાઈ સોલંકી સહિતના આગેવાનોની હાજરીમાં આ ઘટના બની હતી. પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ કે.કે. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:47 PM IST)