News of Saturday, 3rd January 2026
એસ.ટી. ભાડા વધારાના વિરોધમાં મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા પોસ્ટકાર્ડ ઝુંબેશ

રાજકોટ તા. ૩ : ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા નવા વર્ષના પ્રારંભે એસ.ટી. ભાડામાં ૩%નો વધારો લાગુ કરી દેવાતા મુસાફરોમાં ભારે નારાજગી જન્મી છે. આ રોષને વાચા આપવા ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા પોષ્ટકાર્ડ ઝુંબેશનો આરંભ કરાયો છે. રાજકોટ એસ.ટી. બસપોર્ટ ખાતે પ્લેટફોર્મ પાસે અને અન્ય બસ સ્ટેશનોમાં જનજાગૃતિ અભિયાન ચલાવી અસહ્ય ભાડા વધારો પાછો ખેંચવાની માંગણી સાથે મુખ્યમંત્રીને રાજયભરમાંથી પોસ્ટકાર્ડ લખાશે. રાજકોટ ખાતે યોજવામાં આવેલ પોસ્ટકાર્ડ ઝુંબેશનમાં એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિઓ ગજેન્દ્રસિંહ ઝાલા, પ્રતાપભાઇ વાળા, દીપ્તિબેન સોલંકી, દીપકભાઇ ગોઠી, ગીરીશભાઇ પટેલ, સરલાબેન પાટડીયા, કમલેશભાઇ પારેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમ મુસાફર હિતરક્ષક સમિતિ (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬)ની યાદીમાં જણાવાયુ છે.
(2:54 PM IST)










