News of Saturday, 3rd January 2026
શહેરીજનો પાણીની ચિંતા છોડે... ભર શિયાળે આજી ડેમમાં પાણીની આવક
સૌની યોજના અંતર્ગત મુખ્ય જળાશયમાં નર્મદા નીર ઠાલવવાનું શરૂ : ન્યારી ડેમમાં ૩૧પ૦ એમસીએફટી પાણીની માંગ

રાજકોટ, તા. ૩ : શહેરની જીવાદારી એવા આજી અને ન્યારી ડેમ ડેડ લેવલ નજીક હોવાથી મનપા દ્વારા પાણી પુરવઠા બોર્ડ પાસે બન્ને ડેમમાં સૌથી યોજના અંતર્ગત નર્મદા નીરની માંગણી કરવામાં આવેલ જેમાં આજ સવારથી આજી -૧ ડેમમાં નર્મદા નીર ઠલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. મચ્છુ ડેમ ખાતેથી પમ્પીંગ કરી બે દિવસ પહેલા પાણી છોડવામાં આવેલ જે આજે વહેલી સવારે આજીડેમનાસ્ત્રાવ વિસ્તારમાં પહોંચ્યા હતા.
આ અંગે મનપાના વોટર વકૅસ શાખાના સુત્રો જણાવ્યા પ્રમાણે ચોમાસાની સિઝનમાં આજી અને ન્યારી ડેમ ઓવરફ્લો થાય તો પણ ચોમાસા સુધી પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા માટે બંને જળાશયોમાં દર વર્ષે ૨૬૦૦ એમસીએફટી નર્મદાના નીર ઠલવવા પડે છે.આ વર્ષે સૌરાષ્ટ્ર બ્રાન્ચ નર્મદા કેનાલની મરામત કામગીરી હાથ પર લેવાની હોવાના કારણે આગામી એપ્રિલ અને મે માસ દરમિયાન રાજકોટને નર્મદાના નીર મળે તેમ ન હોવાના કારણે કોર્પોરેશન દ્વારા ૨૬૦૦ એમસીએફટીના બદલે રાજ્ય સરકાર પાસે ૩૧૫૦ એમસીએફટી નર્મદાના નીરની માગણી કરવામાં આવી છે.નવા વર્ષના આરંભ એટલે કે ૧જાન્યુઆરીથી તબક્કાવાર નર્મદાના પાણી શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જેનો સરકાર દ્વારા સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. દરમિયાન આજી ડેમમાં ગઈકાલથી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. સાત એમસીએફટી સુધી પાણી ઠાલવી દેવામાં આવ્યું છે.
આજી -૧ માં પ્રથમ તબક્કે કેટલું પાણી લેવું તે અંગે આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવશે.બીજી તરફ ન્યારી ડેમમાં કયારથી નર્મદાનું પાણી લેવું તે અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. સંભવતઃ એપ્રિલ માસમાં કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની હોય ચૂંટણી પરિણામ આવ્યા બાદ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલની મરામત કામગીરી હાથ પર લેવામાં આવશે. બે મહિના સુધી રાજકોટને નર્મદાના નીર મળશે નહીં આવવામાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય ન જાય તે માટે બંને ડેમમાં પૂરતા પ્રમાણમાં સૌની અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવી દેવામાં આવશે.(
(3:10 PM IST)










