News of Saturday, 3rd January 2026
દેશમાં પ્રથમ વખત રાજકોટના આંગણે પં. રાજેન્દ્ર પ્રસન્નાજી એ એકસાથે બાંસુરીવાદન અને શરણાઈવાદન રજુ કરી શ્રોતાગણને પુલકિત કર્યા
વાદ્ય જગતમાં લુપ્ત થતી સંસ્કૃતિ સમાન પં. મંગલપ્રસાદજીનું દુક્કડ વાદ્ય માણવાનો લાહવો પ્રાપ્ત થયો

રાજકોટઃ નિઓરાજકોટ ફાઉન્ડેશન આયોજીત સાત દિવસીય શાષીય સંગીત અને કલા આધારીત કલાપર્વ સપ્ત સંગીતિ-૨૦૨૬ ના પ્રથમ દિવસે પંડિત રાજેન્દ્ર પ્રસન્નાનાજીની બાંસુરી વાદનની પ્રસ્તુતી સંગીતરસિકોના આત્માને સ્પર્શતી એક આધ્યાત્મિક યાત્રા સમાન અનુભવ કરાવ્યો હતો. તેમની બાંસુરીમાંથી વહેતા સ્વરો એ જાણે પ્રાણવાયુ બનીને શ્રોતાઓના હૃદયમાં પ્રવેશ કર્યો હતો. શ્વાસના નિયંત્રિત પ્રવાહ સાથે વહેતા બાંસુરીના સૂરોમાં શાષીય પરંપરાનું ગૌરવ ઝલકતું હતું. કાર્યક્રમની શરુઆત પ્રથમ દિવસના પેટ્રન ઓમનીટેક એન્જાિનિયરિગ પરિવારના ઉદયભાઈ પારેખના હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો.
બનારસ ઘરાનાની સમૃદ્ધ પરંપરા અને સંગીતમય વારસાને ઉજાગર કરતી એક અલૌકિક ક્ષણ તરીકે પંડિત રાજેન્દ્ર પ્રસન્નાજીના બાંસુરી અને શહેનાઈના સુરો સાથે સંગીતપર્વની શુભ શરૂઆત થવી એ પોતે જ એક શુભ સંકેત સમાન છે. કાર્યક્રમના પ્રથમ ચરણમાં પંડિત રાજેન્દ્ર પ્રસન્નાનાજીના બાંસુરીવાદનથી થઈ હતી. જેમા તેમણે પ્રથમ ખમાજ થાટનો રાગ ગોરખ કલ્યાણ વિલંબીત એકતાલમાં પ્રસ્તુત કર્યો હતો. આ રજૂઆતથી તેમણે સાંજના અંધકારભર્યા શાંત આકાશમાં દીપ્તિમાન દીવો પ્રગટાવ્યો હોય તેવી અનુભુતી થઈ હતી. મંદ સપ્તકથી તાર સપ્તક સુધીના સ્વરોની સૌમ્ય યાત્રા, વિસ્તૃત આલાપમાં અને વિલંબિત લયમાં બાંસુરીવાદન અદભુત લાગતું હતું. ત્યારબાદ રાગ પહાડી અને 'હરી ગુન ગાકે'' ભજન તેમણે પોતાના કંઠે બાંસુરીના સુરમાં પરોવી પેશ કર્યું હતું.
પંડિત રાજેન્દ્ર પ્રસન્નાજીની બાંસુરી પ્રસ્તુતી સાથે જ્યારે તેમના સુપુત્ર પં. રાજેશ પ્રસન્નાજી બાંસુરીમાં જોડાય છે, ત્યારે મંચ પર ગુરુશિષ્ય પરંપરાની જીવંત સાધના સાકાર થાય છે. જાણે એક જ શ્વાસમાંથી બે સ્વરો જન્મે છે જેમાં એકમાં અનુભવની ગાંભીર્યતા, તો બીજામાં યુવાનીની ચેતન તાજગીનો અનુભવ થાય છે. બંને બાંસુરીઓના સંવાદમાં સ્વરો એકબીજાને પ્રતિબિબિત કરતા નથી, પરંતુ પરસ્પર પૂરક બનીને સંગીતને પૂર્ણતા આપતા હતા. પંડિત રાજેન્દ્ર પ્રસન્નાજીની પરિપક્વ મીંડ અને સૂક્ષ્મ અલંકારોમાં શાષીયસંગીતનું શિખર અને પં. રાજેશ પ્રસન્નાજીના સ્વરોમાં લયબદ્ધતા અને નિર્ભય પ્રયોગોની સુગંધ અનુભુતિનો અહેસાસ થતો હતો.
આ સ્વરયાત્રાને અભિષેક શર્માના તબલાવાદનનો મજબૂત આધાર મળ્યો. તેમના હાથોમાંથી વહેતા બોલો માત્ર તાલ પૂરતા સીમિત ન રહ્યા, પરંતુ બાંસુરીના સ્વરો સાથે સંવાદ કરતા સંવેદનશીલ સહયાત્રી બની ગયા હતા. વિલંબિત લયમાં તેમની નાજુક થાપ અને મધ્યલયમાં સંતુલિત લયકારી અને દ્રુત લયમાં ઉદભવતી ચપળ બોલબાંધણી સમગ્ર પ્રસ્તુતીને ઉર્જાથી ભરી દીધી હતી. બાંસુરીના સ્વરો અને તબલાના તાલ વચ્ચે સર્જાતી આ ત્રિવેણી સંગમ જેવી પ્રસ્તુતીમાં ભાવ, બંધારણ અને અભિવ્યક્તિનો અનોખો મેળ જોવા મળ્યો. મંચ પરથી વહેતી સંગીતધારા શ્રોતાઓને માત્ર સાંભળવાનો અનુભવ નથી આપતી, પરંતુ તેમને શાષીય સંગીતની આધ્યાત્મિક ઊંચાઈ સુધી લઈ જાય છે, જ્યાં સ્વર, લય અને મૌન ત્રણે એકરૂપ બની જાય છે.
કાર્યક્રમના બીજા ચરણમાં પંડિત રાજેન્દ્રપ્રસન્નાજીનું શરણાઈવાદન ભારતીય શાસ્ત્રીય સંગીતની સમૃદ્ધ પરંપરા, અખંડ સાધના અને ઊંડા ભાવોની અનોખી અભિવ્યક્તિરૂપે પ્રગટ થયું હતું. તાલ રુપકમાં રાગ મારુ બિહાગની પેશકશ શરણાઈના સુરોમાં ભાવ સાથે સહજતાથી લાગણીઓ વહેતી હતી, જેના કારણે શ્રોતાઓ સંગીતની આત્મિક અનુભૂતિમાં લીન થઈ ગયા. શરણાઈના દરેક સ્વરમાં પંડિતજીની સાધના બોલતી હતી, જેમાં રાગની શિસ્ત અને ભાવના સ્વચ્છંદ પ્રવાહરૂપે વહેતી હતી. સભાના અંતભાગમાં પં. રાજેન્દ્ર પ્રસન્નાજીની બનારસી શૈલીમાં દાદરા કજરીની પ્રસ્તુતી ઉપર શ્રોતાગણ આફરીન થઈ ગયા હતા. તેમા પંડીતજીએ મહેંદી તે વાવી ની પંકતીને વણીને પ્રેક્ષકોની વાહવાહી મેળવી હતી. રાજકોટની સાંજ શરણાઈના સુરો સાથે કોઈ પ્રાચીન ઉત્સવમાં પરિવર્તિત થઈ ગઈ હોય તેવી અનુભૂતી કરાવતી હતી. નમ્ર પણ ગુંજતા નાદોએ હૃદયને સ્પર્શી, મનને શાંતિ અને આનંદથી ભરી દીધું. શાષીય બંધારણમાં વહેતી ભાવનાઓએ શાષીય સંગીત ન જાણતા સામાન્ય શ્રોતાઓને પણ સંગીત સાથે જોડાઈ જવા મજબૂર કર્યા હતા. શરણાઈની આ પ્રસ્તુતીએ શહેરની સાંજને સ્મરણિય અને સુગંધિત બનાવી દીધી હતી. શરણાઈ મંડળીમાં પંડિત રાજેન્દ્રપ્રસન્નાજી સાથે તેમના સાથીઓ પં. રુદ્ર કુમાર અને પં. વિકાસબાબુ દયાલની શરણાઈએ મુખ્ય સ્વરો સાથે સુમેળભર્યો સંવાદ રચી પ્રસ્તુતિને વધુ સમૃદ્ધ બનાવી હતી. તેમાં પણ પંડિત મંગલપ્રસાદજીના દુક્કડવાદનથી શરણાઈવાદનની પ્રસ્તુતિને લયનો મજબૂત આધાર મળ્યો, જ્યારે અભિષેક મિશ્રાના તબલાવાદનએ તાલમાં ગતિ, ઊર્જા અને સૌંદર્ય ઉમેર્યું હતું. શરણાઈ, દુક્કડ અને તબલાના સુસંગત સમન્વયથી સમગ્ર કાર્યક્રમ સંગીતની આરાધના બની ઊભો રહ્યો અને શ્રોતાઓ માટે સ્મરણિય સંધ્યા સાબિત થયો હતો.
સપ્તસંગીતિ, શાળા અને બાળાઓ માટે પ્રથમ અને અનેરો અવસર પ્રથમવાર મ્યુનિસિપલ સ્કૂલની આઠ બાળાઓએ સપ્ત સંગીતિના મંચ પર પ્રાર્થના ગીત પ્રસ્તુત કર્યુ.
સપ્તસંગીતિના ઈતિહાસમાં પ્રથમવાર મ્યુનિસિપલ સ્કૂલની આઠ બાળાઓએ નિઓરાજકોટના સંગીત શિક્ષકોના માર્ગદર્શનમાં શીખેલ સમૂહ પ્રાર્થનાગીતથી ઉત્સવની શરૂઆત કરી, જેમાં સરોજીની નાયડુ ગલ્સ હાઇસ્કૂલની બાળાઓને સપ્ત સંગીતિના શિક્ષકોએ વાદ્યો પર સાથ આપી વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું અને વિદ્યાર્થીઓએ પોતાની કલા પ્રસ્તુતિ થકી દિગ્ગજ ક્લાકારોના આશિર્વાદ મેળવ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે નિઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ મહાનગરપાલીકાની સ્કૂલોના ૫૦૦ થી વધુ બાળકોને શાષીય સંગીત, નૃત્ય અને વાદ્યોની તાલીમ નિઃશુલ્ક સંસ્થાના નિષ્ણાત શિક્ષકો દ્વારા તેમની શાળામાં જઈને આપવામાં આવી રહી છે. આ બાળાઓ જેમણે પ્રાર્થના ગીત રજૂ કર્યું હતુ, તેઓ પણ તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ પૈકીના હતા. તેમની પ્રસ્તુતિ બાદ બાળાઓને પ્રોત્સાહિત કરવા સપ્ત સંગીતિ દ્વારા પ્રમાણપત્ર તથા ગીફટ હેમ્પર રાજકોટ મહાનગરપાલીકાના નગર પ્રાથમિક શિક્ષણ સમીતીના ચેરમેન વિક્રમભાઇ પૂજારાના હસ્તે એનાયત કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ યોજાયેલ સ્ટુડન્ટ મીટ અપમાં પં. રાજેન્દ્ર પ્રસન્નાજી એ રાજકોટના ઉભરતા બાંસુરીવાદકોને અમૂલ્ય સુચનો આપ્યા. પંડિત રાજેન્દ્ર પ્રસન્નનાજી કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ સ્ટુડન્ટ મીટ અપ માં રાજકોટના ૩૦ થી વધુ બાંસુરી વાદન શીખતા વિદ્યાર્થીઓને પોતાનું માર્ગદર્શન અને અમૂલ્ય સૂચનો આપ્યા હતા. તેમણે કહ્યું કે દરેક બાંસુરી વાદકોએ બાંસુરી સાથે ગાયનની પણ તાલીમ લેવી જરૂરી છે, કારણ કે ગાયનની શૈલીને જાણી પોતાના બાંસુરીવાદનમાં ગાયન શૈલીનું અંગ કેવી રીતે પ્રસ્તુત કરી શકે તેની સમજ પ્રાપ્ત થાય છે. તેના થકી વાદકોના બાંસુરીવાદનમાં ચમત્કૃતિ અને પોતાની આગવી શૈલી આકાર લેશે તે બાબત પંડિતજી એ પોતે ગાયન સાથે બાંસુરીવાદન પ્રસ્તુત કરીને સમજાવ્યું હતું. તેમણે દરેક વિદ્યાર્થીઓને રિયાઝ માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને ગરેકને પોતાના સ્ટુડિયોમાં રેકોર્ડ કરેલ તબલા, બાંસુરી અને તાનપુરાનો ટ્રેક આપી વાદન ની ટીપ્સ આપી હતી. પંડિત રાજેન્દ્ર પ્રસાદજીને રાજકોટ જેવા શહેરમાં નિઓરાજકોટ ફાઉન્ડેશનના પ્રયત્નોથી આયોજિત આ સ્ટુડન્ટ મીટ અપમાં બાંસુરીવાદન શીખતા આટલા વિદ્યાર્થીઓની સંખ્યા જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને આશિષ પાઠવ્યા હતા.
સપ્ત સંગીતિ દિવસ ૦૨- તા. ૦૩ જાન્યુઆરીના કલાકારોનો સંક્ષિપ્ત પરિચય
સેશન ૦૧: ચૈતન્ય મહેતા અને વનશ્રી રાવલ (હાર્મોનિયમ) : ચૈતન્ય મહેતા અને વનશ્રી રાવલ બન્ને ગુજરાતના યુવા હાર્મોનિયમ વાદક છે. તેઓએ હાર્મોનિયમ વાદનની પ્રારંભિક તાલીમ તેમના ગુરુ પં. સુધીર નાયક પાસે પ્રાપ્ત કરી છે. તેઓએ હાર્મોનિયમ સ્વતંત્રવાદન અને સંગતમાં અનેક કાર્યક્રમો રજુ કર્યા છે. સપ્તસંગીતિના મંચ ઉપર પ્રથમ વખત મુખ્ય વાદન તરીકે સ્વતંત્ર હાર્મોનિયમ વાદન રજુ થવા જઈ રહ્યું છે. ધૈવત મહેતા (તબલા) ધૈવત મહેતા ખુબ યુવા વયના તબલા વાદક છે, તેઓ પં. અનિશ પ્રધાનજી ના શિષ્ય અને ચૈતન્ય મહેતાના બંધુ છે. તેમણે અનેક કલાકારો સાથે તબલા સંગત કરી છે.
સેશન ૦૨: માલિની અવસ્થી (ગાયન) : પદ્મશ્રી થી સન્માનિત માલિની અવસ્થી ભારતના જાણીતા શાષીય અને લોકગાયિકા અને સેનિયા અને બનારસ ઘરાનાના ભારતીય શાષીય ગાયિકા પદ્મવિભુષણ સુશ્રી ગિરીજાદેવીના વરિષ્ઠ શિષ્યા છે. તેમણે ઉત્તર ભારતના પરંપરાગત લોકસંગીતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો સુધી પહોંચાડવામાં અગત્યનું યોગદાન આપ્યું છે. હિદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો મજબૂત પાયો ધરાવતા માલિનીજી ઠુમરી, દાદરા, કજરી, ચૈતી, ઝૂલા, હોરી જેવી ઉપશાસ્ત્રીય શૈલીઓની ભાવસભર રજૂઆત માટે પ્રસિદ્ધ છે. સપ્તસંગીતિના મંચ ઉપર પ્રથમ વખત માલિની અવસ્થી દ્વારા ગઝલ અને ઉપશાષાીય સંગીતને સમર્પિત કાર્યક્રમ રજુ થવા જઈ રહ્યો છે. ધર્મનાથ મિશ્રા (હાર્મોનિયમ) વરિષ્ઠ હાર્મોનિયમ વાદકોમાં નામના ધરાવતા પં. ધર્મનાથ મિશ્રા એ રાજન-સાજન મિશ્રા જેવા નામી કાલાકારો સહિત દેશના અનેક ખ્યાલ, ઠુમરી, દાદરા, ટપ્પા, ચૈતી પ્રસ્તુત કરનાર કલાકારો સાથે હાર્મોનિયમ સંગત નિભાવી છે. શુભ મહારજ (તબલા) પં. કિશન મહારાજજીના દોહિત્ર યુવા કલાકાર શુભ મહારાજ માલિની અવસ્થીના કંઠ સાથે તબલા વાદન રજુ કરશે. તેમણે અનેક ગાયક કલાકારો અને નૃત્ય કલાકારો સાથે તબલાવાદન રજુ કર્યું છે.
(3:39 PM IST)










