News of Saturday, 3rd January 2026
ગુજરાત બાર કાઉન્સીલની ૬ માર્ચે ચુંટણીઃ જાહેરનામું પ્રસિધ્ધ થયું
ર૩ જગ્યા માટે ગુજરાતભરના મતદાન મથકોએ વકીલો મતદાન કરશે ૯ મી માર્ચે મતગણતરી : મહિલા અનામત માટે પાંચ જગ્યાની ફાળવણીઃ સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન્સ મુજબ ચુંટણી યોજાશેઃ સવારના ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે

રાજકોટઃ તા.૩,રાજયભરના વકીલો ની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ૨૩ બેઠકોની ચૂંટણી આગામી તા. ૬ માર્ચે અને મત ગણતરી ૯ માર્ચે યોજવા માટેનો વિગતવાર કાર્યક્રમ આજે બીસીજીના રિટર્નિંગ ઓફિસર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
દેશભરની તમામ બાર કાઉન્સિલે આગામી તા.૧૫- ૩- ૨૦૨૬ સુધીમાં ચૂંટણી યોજવી, તેવા સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પાંચ બેઠકો મહિલા અનામત સહિત કુલ ૨૩ બેઠકોની ચૂંટણી તા. ૬/ ૩/ ૨૦૨૬ના રોજ યોજાશે. આ કાર્યક્રમ મુજબ, ચૂંટણી પૂર્વે રાજયભરના વકીલોની કાચી મતદાર યાદી તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અમદાવાદ કચેરી ખાતે જાહેરમાં મુકવામાં આવશે, આ કાચી મતદાર યાદી માટેના વાંધા સૂચનો તા. ૧૮થી ૨૪ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન લેવાશે અને તા. ૩૧મી જાન્યુઆરીએ ફાઇનલ મતદાર યાદી જાહેર થશે. ત્યારબાદ ફાઇનલ મતદાર યાદીને ધ્યાનમાં રાખીને યોજાનારી આ ચૂંટણી માટે તા. ૧થી ૭ ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રકો ભરવા માટેનો સમય નક્કી કરાયો છે. તેમાં ૯મીએ ફેબ્રુઆરીએ નામપત્રોની ચકાસણી બાદ તારીખ ૧૦મી ફેબ્રુઆરીએ બપોરે ૩:૦૦ વાગે ઉમેદવારોની પ્રથમ યાદી પ્રસિદ્ધ થશે. આ યાદીમાંથી ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની મુદત ૧૨ મી ફેબ્રુઆરીએ સાંજ સુધી રખાઇ છે. અનેઉમેદવારોની ફાઇનલ યાદી તારીખ ૧૩મી ફેબ્રુઆરીએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કાર્યાલય ખાતે જાહેર કરવામાં આવશે. આ પછી તારીખ છઠ્ઠી માર્ચ ૨૦૨૬ના રોજ સમગ્ર ગુજરાતમાં કુલ ૨૩ બેઠકો માટે જિલ્લા અને તાલુકા મથકની અદાલતો ખાતે મતદાન પ્રક્રિયા સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે. જેમાં વેરિફિકેશન ફોર્મ રજુ કરેલ હોય તેવા વકીલો મતદાન માટે યોગ્ય ગણાશે.
(4:09 PM IST)










