News of Sunday, 4th January 2026
રાજકોટના પંચનાથ પ્લોટમાં ગૌરક્ષકો પર હુમલો, પાડા ભરેલી રિક્ષા છોડાવવા જતાં છરી વડે હુમલો: છ શખ્સો સામે પ્ર. નગર પોલીસે ગુનો દાખલ કર્યો
ક્રિપા ફાઉન્ડેશનના સભ્યોએ કતલખાને જતી રિક્ષા અટકાવતા વસીમ બેલીમ સહિતના શખ્સોએ મચાવી ધમાલ: એક ગૌરક્ષક લોહીલુહાણ

રાજકોટ:શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ગૌરક્ષા અને જીવદયાનું કામ કરતા સેવાભાવી યુવાનો પર અસામાજિક તત્વોએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. કતલખાને લઈ જવાતા પશુઓને બચાવવા ગયેલા ગૌરક્ષકો પર છરી અને ઢીકાપાટુ વડે હુમલો કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ મામલે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, રાજકોટના આજીડેમ પાસે રહેતા અને 'કૃપા ફાઉન્ડેશન' (NGO) ના પ્રમુખ તરીકે જીવદયાનું કાર્ય કરતા જયેન્દ્રભાઈ ઉર્ફે જેકી અનિલભાઈ ચંદવાણીયાને બાતમી મળી હતી કે વસીમ ઉર્ફે વાસલો બેલીમ નામનો શખ્સ પોતાની સીએનજી પેસેન્જર રિક્ષા નં. GJ03CT 6458માં પાડા ભરીને કતલ કરવા માટે સદરબજાર તરફ લઈ જવાનો છે.
બાતમીના આધારે જયેન્દ્રભાઈ અને તેમના સાથી મિત્રો કિશન શર્મા, મીતભાઈ ગોસ્વામી અને લાલાભાઈ રામાવત પંચનાથ મેઈન રોડ પર વોચમાં હતા. રાત્રે આઠેક વાગ્યે બાતમીવાળી રિક્ષા નીકળતા ગૌરક્ષકોએ પંચનાથ પ્લોટ શેરી નં. ૧૬માં તેને આંતરી હતી.
જયેન્દ્રભાઈએ રિક્ષા રોકવાનો પ્રયાસ કરતા ચાલક વસીમે રિક્ષા ભગાવી હતી, પરંતુ ગૌરક્ષકોએ પીછો કરી રિક્ષા આડે પોતાની રિક્ષા ઉભી રાખી તેને રોકી લીધી હતી. રિક્ષાની પાછળ તપાસ કરતા ગોદડા નીચે પાડા છુપાવેલા જોવા મળ્યા હતા. જ્યારે ગૌરક્ષક કિશન શર્મા આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કરી રહ્યો હતો, ત્યારે આરોપી વસીમે ફોન કરી પોતાના સાગરીતોને બોલાવી લીધા હતા.
થોડી જ વારમાં બે મોટરસાયકલ પર શાબાજ બેલીમ, અબુ ઉર્ફે આફતાબ બેલીમ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા. આ ટોળકીએ ગૌરક્ષકો પર તૂટી પડી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન શાબાજ બેલીમે કિશનભાઈને જમણી બાજુ કુલાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. હુમલા બાદ આરોપીઓ પાડા ભરેલી રિક્ષા અને બાઈક લઈને ફરાર થઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત કિશન શર્માને તાત્કાલિક ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે જયેન્દ્રભાઈની ફરિયાદ પરથી પોલીસે વસીમ બેલીમ, શાબાજ બેલીમ, અબુ ઉર્ફે આફતાબ અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ કે. કે. ચાવડાએ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(3:35 PM IST)










