<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

બિમારીથી મૃત્‍યુ પામનાર પતિની મિલ્‍કત હડપવા મધુ ઉર્ફ નિકીતા ઉર્ફ અરૂણાએ ઉભું કર્યુ નકલી વસીયતનામુ!

મવડી પુનમ સોસાયટીના ખેડુત મનસુખભાઇ પટેલના બહેનનું અવસાન થયા બાદ બનેવી વિનોદભાઇ ભંડેરીએ મધુ ઉર્ફ નિકીતા ઉર્ફ અરૂણા સાથે ઘરઘરણું કર્યુ હતું: આ મહિલાએ પોતાના આગલા સંતાનના નામે મિલ્‍કતો થઇ ગયાના બોગસ દસ્‍તાવેજો ઉભા કર્યાઃ તેમાં સાક્ષી તરીકે મનસુખભાઇના આધારકાર્ડ અને ખોટી સહિનો ઉપયોગ પણ કર્યો જે નોટરીના નામે નકલી વસીયતનામુ હતું તે અમદાવાદના અબુજર ઉજ્જૈની પણ હયાત ન હોવાનું ખુલ્‍યું: યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૫: શહેરના નાના મવા રોડ પર ગોવિંદ રત્‍ન બંગ્‍લોઝમાં રહેતી મહિલાએ બિમારીથી પતિના અવસાન બાદ  પતિની મિલ્‍કતો હડપ કરી જવા ખોટુ વસીયતનામુ ઉભુ કરી મૃતક પતિના સાળા મવડીમાં રહેતાં મનસુખભાઇ ખાત્રાણી-પટેલને નોટીસ મોકલતાં તે ચોંકી ગયા હતાં. કેમ કે નકલી વસીયતનામામાં સહીઓ પણ મનસુખભાઇની હતી.  મિલકત પચાવી પાડવા માટે આચરેલા આ  કૌભાંડમાં મળતક નોટરીના સિક્કા અને ફરિયાદી મનસુખભાઇની ખોટી સહીઓનો ઉપયોગ કરવામાં આવ્‍યો હોવાનો આરોપ મુકાયો છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે આ બનાવમાં મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ સરદારનગર મેઇન રોડ પુનમ સોસાયટી-૨માં રહેતાં પટેલ મનસુખભાઇ માધાભાઇ ખાત્રાણી (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી મધુબેન ઉર્ફ નિકીતાબેન ઉર્ફ અરૂણાબેન (રહે. યોગી, બ્‍લોક નં. ૧૧, ગોવિંદ રત્‍ન બંગ્‍લોઝ, નાના મવા રોડ) તથા તપાસમાં ખુલે તેના વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

મનસુખભાઇએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહું છું અને લતીપર ગામે ખેતીની જમીન હોઇ ખેતી કરી ગુજરાન ચલાવુ છું. અમે બે ભાઇઓ છીએ જેમાં મોટો હું છું, મારાથી નાના કિશોરભાઇ છે. અમારે કોઇ બહેન ન હોઇ જેથી અમે મારા સગા કાકા ગણેશભાઇ હરજીભાઇ ખાત્રાણીના દિકરી મધુબેનને બહેન બનાવ્‍યા હતાં. આ મધુબેનનું વર્ષ ૨૦૦૮માં મૃત્‍યુ થઇ ચુક્‍યું છે. મારા પિતા પણ હયાત નથી. અમે બંને ભાઇઓ સંયુક્‍ત કુટુંબમાં રહીએ છીએ. કાકાના દિકરી મધુબેનન લગ્ન ૧૯૯૮માં થયા હતાં. તેમને સંતાનમાં એક દિકરી દર્શીતાનો જન્‍મ થયો હતો. એ પછી ૧૩/૫/૨૦૦૮માં મારા બહેન મધુબેનનું અવસાન થયું હતું.

બાદમાં મારા બનેવી વિનોદભાઇ ગાંડુભાઇ ભંડેરીએ અન્‍ય એક મહિલા કે જેનું નામ પણ મધુબેન છે તેમજ તેણી ઉર્ફ નિકીતાબેન ઉર્ફ અરૂણાબેન તરીકે પણ ઓળખાય છે તેની સાથે રાજીખુશીથી ઘરઘરણું કર્યુ હતું. આ મહિલા તેના પહેલા લગ્ન જીવનનો એક દિકરો તિલક સાથે લાવ્‍યા હતાં. આ પછી મારા બહેન મધુબેનની દિકરી દર્શીતાને આ નિકીતાબેન ઉર્ફ મધુબેન ઉર્ફ અરૂણાબેન સારી રીતે સાચવતા નહોતાં. જેથી મારા કકાના દિકરા સંજયભાઇ ગણેશભાઇ ખાત્રાણીએ દર્શીતાને પાલનપોષણ માટે સાથે રાખી હતી. દર્શીતાબેન ઉમરલાયક થતાં તેના લગ્ન કરાવ્‍યા હતાં. જે હાલ જામનગર સાસરે છે. આ પછી મારા બનેવી વિનોદભાઇ તા. ૧૭/૪/૨૨ના રોજ બિમારીથી અવસાન પામ્‍યા હતાં.

બનેવી વિનોદભાઈના અવસાન બાદ મધુબેન ઉર્ફ નિકીતાબેન ઉર્ફ અરૂણાબેને મિલકત પર હકક જમાવવા માટે એક કાવતરૂં રચ્‍યું હતું. ૨૦મી એપ્રિલ ૨૦૨૪ના રોજ મારા ઘરે એક નોટિસ આવી હતી. આ નોટિસમાં વર્ષ ૨૦૧૭ના એક વસીયતનામાનો ઉલ્લેખ હતો, જેમાં મારા બનેવી વિનોદભાઈએ પોતાની તમામ મિલકત તેણે જેની સાથે ઘરઘરણું કર્યુ હતું તે મધુબેન ઉર્ફ નિકીતાબેન ઉર્ફ અરૂણાબેનના દિકરા તિલકના નામે કરી દીધી હોવાનું દર્શાવ્‍યું હતું. મેેં જ્‍યારે આ વસીયતનામું તપાસ્‍યું ત્‍યારે તેમાં સાક્ષી તરીકે મારા આધારકાર્ડની ઝેરોક્ષ હતી અને તેના પર મારી ખોટી સહીઓ પણ જોવા મળી હતી. મેં  કયારેય આવા કોઈ દસ્‍તાવેજમાં સહી કરી નહોતી કે કોઈને સાક્ષી તરીકે સંમતિ આપી નહોતી.

કંઇક ખોટુ થયાનું જણાતાં મેં તુરત જ  માલવીયા નગર પોલીસ સ્‍ટેશનમાં અરજી આપી હતી. જેથી તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી કે વસીયતનામા પર અમદાવાદના નોટરી અબુજરભાઈ મોઇઝભાઈ ઉજજૈનીનો સિક્કો હતો. જોકે, તપાસ દરમિયાન નોટરીના પત્‍નિ મહેરાજબેને જણાવ્‍યું હતું કે તેમના પતિનું અવસાન ૨૦૨૨માં થઈ ગયું છે અને વર્ષ ૨૦૧૭ના નોટરી રજિસ્‍ટરમાં આ વસીયતનામાની કોઈ એન્‍ટ્રી નથી. આમ, કોઈએ મળત નોટરીના નામનો ખોટો ઉપયોગ કરી, સહી-સિક્કા કરી બનાવટી દસ્‍તાવેજ ઉભો કર્યો હોવાનું સ્‍પષ્ટ થયું હતું.

આ બનાવટી વસીયતનામાને મધુબેન ઉર્ફ નિકીતાબેન ઉર્ફ અરૂણાબેને રાજકોટ સેશન્‍સ કોર્ટમાં પણ સાચા પુરાવા તરીકે રજૂ કર્યું હતું. પોલીસ કમિશનર કચેરીમાં કરવામાં આવેલી અરજી અને પ્રાથમિક તપાસમાં ગુનાહિત કળત્‍ય જણાતાં  આખરે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં મનસુખભાઇ પટેલે જણાવતાં  પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ એમ. પી. ચરમટાએ મધુબેન ઉર્ફે નીકીતાબેન ઉર્ફ અરૂણાબેન તેમજ આ ગુનામાં સંડોવાયેલા અન્‍ય તમામ શખ્‍સો સામે દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ કેસમાં ખેતીની જમીન અને અન્‍ય મિલકતોના દસ્‍તાવેજોમાં કેવી રીતે છેડછાડ થઈ તે દિશામાં પણ હવે પોલીસ તપાસ કરી રહી છે

(3:08 PM IST)