તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
ઇન્દિરા સર્કલ પાસે બાંધકામની સાઇટ પર સાતમા માળેથી પડી જતાં હસમુખભાઇ ભરડવાનું મોત
પ્રીયદર્શની સોસાયટીના આધેડ સેન્ટીંગ કામ કરતાં હતાં ત્યારે બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૫: ઇન્દિરા સર્કલ નજીક બાંધકામની સાઇટ પર સેન્ટીંગ કામ કરતી વખતે સાતમા માળેથી પડી જતાં ગંભીર ઇજા થવાથી મવડી વિસ્તારના આધેડનું મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ મવડીના ૮૦ ફુટ રોડ આવેલી પ્રીયદર્શની સોસાયટીમાં રહેતાં હસમુખભાઇ શામજીભાઇ ભરડવા (ઉ.વ.૪૬) સવારે પોણા દસેક વાગ્યે ઇન્દિરા સર્કલ રોયલ પાર્ક નજીક પરમભાઇની સાઇટ પર હતાં ત્યારે સાતમા માળે સેન્ટીંગ કામ કરતી વખતે પડી જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને લોહીલુહાણ અને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ જે. એલ. બાળાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર હસમુખભાઇ ભરડવા ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ દિકરા છે. સેન્ટીંગ કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. ઘટનાને પગલે બાંધકામ સાઇટ પરના અન્ય મજૂરોમાં પણ શોક છવાઇ ગયો હતો.
(4:36 PM IST)










