<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

ભોમેશ્વરપ્‍લોટ ફાટક પાસે બાબજી એપાર્ટમેન્‍ટની છત પરથી વ્‍હોરા યુવાનની લોહીભીની લાશ મળીઃ ખળભળાટ

માતાના અવસાન પછી ૪૦ વર્ષનો અપરિણીત યુવાન અબ્‍બાસ મર્ચન્‍ટ એકલો રહેતો હતો : વ્‍હોરા સોસાયટીમાં રહેતાં બહેન શમીનાબેન ત્રણેક દિવસથી ફોન જોડતાં હતાં: સતત નો-રીપ્‍લાય થતાં આજે રૂબરૂ આવ્‍યા ત્‍યારે ચોથા માળે ફલેટ નં. ૪૦૨ ખુલ્લો જોવા મળ્‍યાઃ અગાસીએથી ડી-કમ્‍પોઝ હાલતમાં મૃતદેહ મળ્‍યોઃ ત્રણેક દિવસ પહેલા શું બન્‍યું? તે અંગે ક્રાઇમ બ્રાંચ-ગાંધીગ્રામ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઃ મૃતદેહ નજીકથી શાક સુધારવાની છરી મળીઃ આપઘાત કે હત્‍યા? : ડાયરી મળી તેમાં લખ્યું છે-મારે જીવવું નથી, મા-બાપ ગુજરી ગયા છે, ખાવા-પીવામાં તકલીફ પડે છેઃ આપઘાત કર્યાની શક્યતાઃ ડીસીપી બાંગરવા ઘટના સ્થળે પહોચ્યા

મૃતક અબ્‍બાસ મર્ચન્‍ટ : જ્યાં રહસ્યમય ઘટના બની તે ભામેશ્વર પ્લોટ-૮માં આવેલુ બાબજી ઍવન્યુ ઍપાર્ટમેન્ટ, અગાસી પર પડેલી અબ્બાસ મર્ચન્ટની કોહવાયેલી-લોહીલુહાણ લાશ, બાજુમાં છરી તથા ઘટના સ્થળે પોલીસ કાફલો અને ડોગ સ્ક્વોડની ટીમ જાઇ શકાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૫:  ભોમેશ્વર પ્‍લોટમાં ચકચાર મચાવતી ઘટના ઘટી છે. ભોમેશ્વર પલોટ રેલ્‍વે ફાટક નજીક આવેલા બાબજી એવન્‍યુ નામના એપાર્ટમેન્‍ટની અગાસી પરથી આ જ એપાર્ટમેન્‍ટમાં ચોથા માળે ૪૦૨માં રહેતાં અબ્‍બાસ યુસુફભાઇ મર્ચન્‍ટ (ઉ.વ.૪૦) નામના દાઉદી વ્‍હોરા યુવાનની લોહીથી લથબથ કોહવાઇ ગયેલી લાશ મળી આવતાંં સનસનાટી મચી ગઇ છે. બનાવ હત્‍યાનો હોવાની શંકાએ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જો કે યુવાન એકલો રહેતો હતો અને કેટલાક સમયથી માનસિક અસ્‍વસ્‍થતા અનુભવતો હોઇ આપઘાત તો નથી કર્યો ને? તે અંગે પણ તપાસ થઇ રહી છે.

જાણવા મળ્‍યા મુજબ ભોમેશ્વર પ્‍લોટ શેરી નં. ૮માં આવેલા બાબજી એવન્‍યુ નામના પાંચ માળના એપાર્ટમેન્‍ટની છત પર આ એપાર્ટમેન્‍ટમાં જ રહેતાં અબ્‍બાસ મર્ચન્‍ટની લાશ પડી હોવાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબીનો કાફલો પહોંચ્‍યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

જાણવા મળ્‍યા મુજબ જેની લાશ મળી છે તે અબ્‍બાસ મર્ચન્‍ટ આ એપાર્ટમેન્‍ટમાં એકલો રહેતો હતો. કોરોના કાળ દરમિયાન આ યુવાનના માતાનું મૃત્‍યુ થયું હતું. તેણે લગ્ન કર્યા નહોતાં. અગાઉ તે ઢેબર રોડ વન-વેમાં દરજી કામની દુકાન ચલાવતો હતો. હાલ કામે જતો નહિ અને દુકાન ભાડે આપી દીધા બાદ નિવૃત જીવન જીવતો હતો.

મૃત્‍યુ પામનાર અબ્‍બાસ મર્ચન્‍ટના બહેન શમીનાબેન તાહેરભાઇ ભગત જામનગર રોડ માધાપર ચોકડી પાસે વ્‍હોરા સોસાયટીમાં રહે છે. શમીનાબેન ત્રણેક દિવસથી પોતાના ભાઇ અબ્‍બાસને ફોન જોડતાં હતાં પરંતુ ફોન સતત નો-રીપ્‍લાય થતો હોઇ તે આજે રૂબરૂ ભાઇના ઘરે પહોંચ્‍યા હતાં. તેમણે ફલેટનો દરવાજાને ધક્કો મારતાં તે ઠાલો દીધેલો હોઇ ખુલી ગયો હતો. અંદર ભાઇ અબ્‍બાસ જોવા ન મળતાં તપાસ કરતાં કરતાં તે અગાસી પર જતાં ભાઇ અબ્‍બાસની લાશ જોઇ હેબતાઇ ગયા હતાં અને બુમાબુમ કરી મુકતાં બીજા લોકો ભેગા થઇ ગયા હતાં.

અબ્‍બાસ મર્ચન્‍ટની લાશ લોહીલુહાણ હાલતમાં હતાં, બાજુમાં શાક સુધારવાની છરી મળી હતી. તેના ડાબા હાથમાં ઇજા છે અને છાતીના ભાગે પણ ઇજાઓ છે. અબ્‍બાસ મર્ચન્‍ટ એકલવાયુ જીવન જીવતો હતો. કેટલાક સમયથી અસ્‍વસ્‍થ હોવાનું ચર્ચાય છે. આ સંજોગોમાં તેણે આપઘાત કર્યો કે તેની હત્‍યા થઇ? તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે ખસેડાયો છે.

ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણી, ડી. સ્‍ટાફ ટીમ, ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ. એમ. ડામોર, પીએસઆઇ આર. કે. ગોહિલ, પીએસઆઇ ડી. પી. ઝાલા, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ સહિતના પહોંચ્‍યા હતાં અને તપાસ કરી હતી.

(3:05 PM IST)