તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th January 2026
રાજકોટઃ રઘુવંશી યુવક કરણ ગણાત્રાએ સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની પરીક્ષા ક્રેક કરી
જીપીએસસી દ્વારા લેવાયેલી સુપર ક્લાસ-૩ની સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની પરીક્ષા રાજ્યભરમાં ૨૨માં ક્રમે પાસ કરીને રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું: કરણ ગણાત્રાનું ધ્યેય જીપીએસસીની પરીક્ષા પાસ કરીને ડીવાયએસપી બનીને સમાજ સુરક્ષા માટે સેવા આપવાનું

રાજકોટઃ તાજેતરમાં જીપીએસસી દ્વારા જાહેર કરાયેલા સુપર ક્લાસ-૩૩ના સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની પરીક્ષાના પરિણામમાં રાજકોટના રઘુવંશી યુવાન કરણ ગણાત્રા રાજ્યભરમાં ૨૨મા ક્રમે સફળતા મેળવી છે.
રાજકોટના રીઅલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા જીતેન્દ્રભાઈ ગણાત્રાના પુત્ર કરણે જીપીએસસીની પરીક્ષા પાસ કરીને સમાજ સેવા કરવાનું લાંબા સમયથી ફોકસ રાખ્યું હતું. બે વખત નિષ્ફ્ળતા મળવા છતાં નિરાશ થયા વગર પરીક્ષા માટે સતત મહેનત ચાલુ રાખી હતી જેમાં આખરે સફળતા મળી હતી. જોકે, કરણનું ફોકસ હજુ પણ જીપીએસસી કલાસ ૧-૨ની પરીક્ષા પાસ કરીને ડીવાયએસપી બનીને સમાજ સુરક્ષા માટે સેવા આપવાનું છે.
રઘુવંશી એટલે વેપારી સમાજ એવી માન્યતા સામાન્ય રીતે બધાના મનમાં ફેલાયેલી છે. આવા વેપારી રઘુવંશી સમાજમાંથી આવતા યુવાન કરણ ગણાત્રાએ ધો.૧૦માં ૯૫ પર્સન્ટલ જયારે ધો.૧૨માં ૯૩ પર્સન્ટલ માર્ક્સ મેળવ્યા હતાં. કરણે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જીનીયરીંગમાં બી ટેકની ડીગ્રી ડીસ્ટીક્શન માર્ક્સ સાથે મેળવીને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કારકિર્દી બનાવી હતી.ગ્રેજ્યુએટ થયા બાદ ઉચ્ચ સરકારી નોકરી મેળવવાનો લક્ષ્ય રાખીને વર્ષો સુધી કરણે ગાંધીનગરમાં પીજીમાં રહીને આકરી મહેનત કરી હતી.
જીપીએસસી દ્વારા લેવાયેલી કલાસ ૧-૨ની પરીક્ષામાં બે વખત થોડા માર્ક્સથી રહી ગયેલા કરણ ‘‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન''એ સુવિચારને જીવન મંત્ર બનાવ્યો હતો. બે વખત નિરાશા છતાં હાર ન માનીને કરણે વિવિધ ક્લાસીસોમાં માર્ગદર્શન મેળવીને સતત અભ્યાસ કરીને પરીક્ષા પાસ કરવા કમર કસી હતી. જીપીએસસી દ્વારા થોડા સમય પહેલા લેવાયેલી સુપર ક્લાસ-૩ની પરીક્ષા કરણે આપી હતી. જેમાં રાજ્યભરમાંથી એક લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જેમાં કરણ સહીત ૬૫૦૦ જેટલા ઉમેદવારો મેઇન્સ માટે ક્વોલિફાય થયા હતાં.
અતિ અઘરી ગણાતી મેઇન્સ પરીક્ષા માટે રાત દિવસ એક કરીને કરણે મહેનતની પરાકાષ્ઠા સર્જી હતી. જેનું તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં આ મહેનતનું શ્રેષ્ઠ ફળ રૂપે કરણ રાજ્યભરમાં ૨૨માં ક્રમે પાસ કરીને રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું હતું.પાસ થયેલા કરણને ત્રણ માસની ટ્રેનિંગ બાદ રાજ્ય સરકાર દ્વારા પોસ્ટિંગ ટેક્સ ઈન્સ્પેક્ટર તરીકે પોસ્ટિંગ આપવામાં આવશે. જો કે આ પરીક્ષા ક્રેક કરનારા કરણ ગણાત્રાનું ધ્યેય જીપીએસસી કલાસ ૧-૨ની પરીક્ષા પાસ કરીને ડીવાયએસપી બનીને સમાજ સુરક્ષા માટે સેવા આપવાનું હોય તેને નોકરી કરવાની સાથે પરીક્ષાની તૈયારી કરવા કમર કસી છે. (૩પ-ર૧ )
સતત લેખન પ્રેક્ટિસ અને તેના મૂલ્યાંકનથી સફળતા મળીઃ કરણ ગણાત્રા
જીપીએસસી દ્વારા લેવાયેલી સુપર ક્લાસ-૩ની સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની પરીક્ષા રાજ્યભરમાં ૨૨માં ક્રમે પાસ કરનારા કરણ ગણાત્રાએ પોતાની સફળતાનું રહસ્ય ખોલતા કહ્યું હતું કે વિવિધ વિષયોમાં સતત લેખન પ્રેક્ટિસ અને તેના મૂલ્યાંકનથી ભૂલો સુધારવાની તકો મળી હતી. જીપીએસસીની બે પરીક્ષામાં નિષ્ફ્ળતા છતાં નિરાશ થયા વગર સતત પ્રયત્નોએ સફળતા અપાવીછે.ગાંધીનગરની એનઆઇસીઈ ઇન્સ્ટિટયૂટના ટયુટરો નીપાબેન હિંડોચા અને વિરલ પટેલનું માર્ગદર્શન પણ અતિ ઉપયોગી બન્યું હતું.
શિક્ષણ બાદ સરકારી નોકરી મેળવીને રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યુ
રીઅલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા જીતેન્દ્રભાઈ ગણાત્રા અને હાઉસ વાઈફ નીતાબેનના પુત્ર કરણે શિક્ષણ બાદ સરકારી નોકરી મેળવીને રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે. તેમના મોટા ભાઈ દેવાંગભાઈ (કિશન ભાઈ) પણ પિતા સાથે રીઅલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દાદા પોલીસમાં સેવા આપતા હોય નાનપણથી પોલીસમાં સેવા આપવાનું સ્વપ્ન જોતા કરણનું ધ્યેય ડીવાયએસપી બનીને સમાજ સુરક્ષા માટે સેવા આપવાનું છે.
(3:44 PM IST)










