<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

મનપાના ડે.ઇજનેરને માર માર્યાના ઘેરા પડઘાઃ એજન્‍સીને બ્‍લેક લીસ્‍ટ કરોઃ સ્‍ટે.ચેરમેન લાલઘુમ

ઘટનાના પગલે ઇજનેર વિભાગનો સ્‍ટાફ આજે કાળી પટ્ટી પહેરી કચેરીએ આવ્‍યોઃ મ્‍યુનિ. કમિશનરને રજુઆત

રાજકોટ તા.૬: મનપાની પૂર્વ ઝોન કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરની ચેમ્‍બરમાં વોર્ડ નં.૧૮ના મદદનીશ ઇજનેરને એજન્‍સી વતી કામ કરતા વ્‍યકિતએ માર મારવાના ઘેરા પડઘા પડયા છે. મનપાના એન્‍જીનીયર્સ એસોસીએશન દ્વારા આ મામલે મ્‍યુ.કમીશનરે રૂબરૂ આવેદન આપી એજન્‍સી ઉપર કડક પગલા લેવાની માંગ કરી છે.

કોર્પોરેશનના એન્‍જીનીયર્સ એસોસીએશન દ્વારા પાઠવાયેલ આવેદન પત્ર મુજબ વોર્ડ નં.૧૮ના મદદનીશ ઇજનેર ધવલભાઇ ભરતભાઇ ગોલાણીયાને ગત સાંજે પૂર્વ ઝોન કચેરી સ્‍થિત નાયબ કાર્યપાલક ઇજનેર એન.એ. મકવાણાની ચેમ્‍બરમાં તેઓની હાજરીમાં એજન્‍સી પટેલ કન્‍ટ્રકશન કંપની વતી કામ કરતા મનીષભાઇ વેકરીયા દ્વારા આવેશમાં આવી માર મારવામાં આવ્‍યો હતો.

આવેદનમાં વધુમાં જણાવ્‍યા મુજબ ચાલુ ફરજ દરમ્‍યાનની આ ઘટના ગેરબંધારણીય તથા ગેરવ્‍યાજબી હોય એજન્‍સી પટેલ કન્‍ટ્રકશન કંપનીને મનપાના તમામ કામોમાંથી બ્‍લેક લીસ્‍ટ કરી અને હાલ તેમના બાકી ચૂકવણા પણ તાત્‍કાલીક અસરથી અટકાવવાની સાથે ડીપાર્ટમેન્‍ટ દ્વારા ફરિયાદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

સમગ્ર ઘટના અંગે સ્‍ટે.ચેરમેન જયમીન ઠાકરે વિગતો મેળવી એન્‍જીનીયર્સ એસોસીએશનની રજુઆતને પગલે પટેલ કન્‍ટ્રકશન કંપનીને મનપામાંથી બ્‍લેક લીસ્‍ટ કરવા સુચના આપી છે.

ગઇકાલે થયેલ ઘટનાને પગલે મનપાના ઇજનેર વિભાગનો સ્‍ટાફ આજે કાળી પટ્ટી પહેરી કચેરીએ આવ્‍યો હતો અને વિરોધ નોંધાવ્‍યો હતો. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

(3:45 PM IST)