<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

મહાપાલિકાના ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા સ્‍થાનિક ડ્રાઇવરો-મજુરોને ભારોભાર અન્‍યાય

કોન્‍ટ્રાકટરો બહારથી માણસો લઇ આવે છે : પોતાના કૌભાંડો ઢાંકવા નાના માણસોને હેરાન કરવામાં આવે છે : રાજકોટ કામદાર યુનિયને અવાજ ઉઠાવ્‍યો : જો ન્‍યાય ન મળે તો ગાંધી ચિંધ્‍યા માર્ગે આંદોલનની ચીમકી

રાજકોટ તા. ૬ : રાજકોટ મહાનગરપાલીકામાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની કામગીરી કરતા કોન્‍ટ્રાકટ આધારિત ડ્રાઇવરો, હેલ્‍પરો અને મજુરોને થતો અન્‍યાય દુર કરવા રાજકોટ કામદાર યુનિયને માંગણી ઉઠાવી છે.

યુનિયન પ્રમુખ પારસ બેડીયા અને આગેવાનોએ વિગતો વર્ણવતા જણાવ્‍યુ હતુ કે હાલ આ કામદારોને લઘુતમ વેતન, સમયસર પગાર ન મળવો, કાયદેસરના લાભોથી વંચિત રાખવા જેવો અન્‍યાય થઇ રહ્યો છે.

ઉપરાંત સ્‍થાનિક કામદારોને દુર કરી ગોધરા જેવા વિસ્‍તારોમાંથી કામદારો લઇ આવે છે. કોન્‍ટ્રાકટરો દ્વારા ડ્રાઇવરો, હેલ્‍પરો અને મજુરોને ધમકાવી દબાવી પોતાના કૌભાંડો ચલાવવામાં આવે છે. ડ્રાઇવરો મજુરોને રોકડમાં નાણા આપી મોટાપાયે બીલોનું કૌભાંડ ચલાવવામાં આવે છે.

કૌભાંડી કોન્‍ટ્રાકટ અંગે અગાઉ સ્‍ટેન્‍ડીંગ કમીટીમાં પણ ગંભીર ચર્ચા થઇ ચુકી છે. હપ્‍તાખોરી અને સેટીંગ પધ્‍ધતીનો સડો ઘર કરી ગયો છે.

ત્‍યારે સ્‍થાનિક કામદારોને નોકરી પર પરત લેવા અને કૌભાંડી કોન્‍ટ્રાકટરોને દુર કરવા રાજકોટ કામદાર યુનિયને માંગણી ઉઠાવી છે. સમયસર ન્‍યાય ન મળે તો ગાંધી ચિંધ્‍યા માર્ગે શાંત આંદોલનની ચિમકી પણ ઉચ્‍ચારી છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયા (મો.૯૪૦૮૧ ૮૬૦૧૮) અને યુનિયનના કામદાર આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:53 PM IST)