તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th January 2026
ફ્રુટનો ધંધાર્થી રેલનગરનો અમીનશા અને બે મિત્રો અરમાન અને મોહસીન રિક્ષામાં ગાંજા સાથે ઝડપાયા
માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે કાર્યવાહીઃ ચોટીલા ગ્રાહકને કેળા આપવા ગયો ત્યાંથી ગાંજો લાવ્યાનું રટણ ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, જે.વી.ગોહિલ, હરપાલસિંહ ઝાલા, સલીમભાઇ મકરાણી અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૬: માદક પદાર્થની હેરાફેરીનો વધુ એક વખત પર્દાફાશ થયો છે. એલસીબી ઝોન-૨ની ટીમે બાતમીને આધારે માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતાં હાઇવે પર પૂલ ઉતરતા મનહરપુરના મંદિરની સામે બાણધારી હોટલ નજીકથી રિક્ષામાં રૂા. ૩૭,૭૫૦ના ગાંજા સાથે નીકળેલા ત્રણ શખ્સને પકડી લીધા છે. જેમાં રેલનગર ક્વાર્ટરમાં રહેતો રિક્ષાચાલક શખ્સ કે જે ફ્રુટનો ધંધાર્થી છે તે ચોટીલા તરફથી ગાંજો લાવ્યા બાદ બે મિત્રો સાથે મળી વેંચવા નીકળતાં પકડાઇ ગયો હતો.
શહેરનું યુવાધન માદક પદાર્થના નશાના રવાડે ન ચડે એ માટે સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ હેઠળ એલસીબી ઝોન-૨ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી તેના આધારે માોધાપર ચોકડીથી બેડી ચોકીના રસ્તે જીજે૦૩એએકસ-૮૬૯૬ નંબરની રિક્ષા આંતરી લેવાઇ હતી. રિક્ષામાં તપાસ કરતાં માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. એફએસએલ અધિકારી એસ. જે. જોષી પાસે ખરાઇ કરાવી વજન કરતાં રૂા. ૩૭૭૫૦નો ૭૫૫ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
ત્રણ શખ્સો અમીનશા યાસીનશા શાહમદાર (ઉ.વ.૨૫-રહે. રેલનગર મહારાણા પ્રતાપ ટાઉનશીપ આઇ વીંગ ફલેટ નં. ૧૧, મયુરભાઇના મકાનમાં ભાડેથી, મુળ સરસઇ તા. વિસાવદર), અરમાન રાજુભાઇ ખોખર (ઉ.વ.૨૮-રહે. ભગવતીપરા ભારત પાન સામે, સદામભાઇ દલવાડીયાના મકાનમાં ભાડેથી, મુળ બગસરા, પોલીસ સ્ટેશન પાસે) તથા મોહસીન અલ્લારખભાઇ શાહમદાર (ઉ.વ.૨૬-રહે. ભગવતીપરા બોરીચા સોસાયટી-૩, ઇલાબેનના મકાનમાં ભાડેથી) સામે એનડીપીએસનો ગુનો યુનિવર્સિટી પોલીસમાં દાખલ કરાવી ધરપકડ કરી હતી. પીઆઇ એચ. એન. પટેલે ફરિયાદી બની ત્રણેય વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આ ત્રણમાંથી અમીનશા રિક્ષા હંકારી રહ્યો હતો અને બાકીના બે પાછળ બેઠા હતાં.
પોલીસના જણાવ્યા મુજબ અમીનશા ફ્રુટનો ધંધો કરે છે. અરમાન રિક્ષા ડ્રાઇવીંગ કરે છે અને મોહસીન પણ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. અમીનશા અગાઉ અમરેલીમાં જૂગારમાં, અરમાન થોરાળા, મોરબી સીટી, રાજકોટ એ-ડિવીઝનમાં દારૂ સહિતના ત્રણ ગુનામાં અને મોહસીન એ-ડિવીઝનમાં એક ગુનામાં પકડાઇ ચુક્યો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા તથા ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હરપાલસિંહ જાડેજા, સલિમભાઇ મકરાણી, હેડકોન્સ. શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, રાહુલભાઇ ગોહેલ, કોન્સ. કુલદીપસિંહ રાણા, પ્રકાશભાઇ સોલંકી, શીવભદ્રસિંહ ગોહિલ, ગાંધીગ્રામના કોન્સ. રઘુવીરસિંહ, ભરતભાઇ, ડ્રા. શક્તિસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.
(4:09 PM IST)










