News of Tuesday, 6th January 2026
સપ્તસંગીતિના મંચ ઉપર શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓએ કથ્થક નૃત્ય પ્રસ્તુત કર્યુ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નિઓરાજકોટ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત નિઃ શુલ્ક સંગીત વર્ગો હેઠળ કથ્થકની તાલીમ લઈ રહેલ વિદ્યાર્થીનીઓ દ્વારા સપ્ત સંગીતિ ૨૦૨૬ માં જય જય જગ જનની દેવી સ્તુતિ પર કથ્થક નૃત્ય ની રજૂઆત કરવામાં આવી હતી. આ તમામ બાળાઓને સપ્ત સંગીતિ પરિવાર દ્વારા શુભેચ્છા પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે નિઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ મહાનગરપાલીકાની સ્કૂલોના ૫૦૦ થી વધુ બાળકોને શાસ્ત્રીય સંગીત, નૃત્ય અને વાદ્યોની તાલીમ નિઃશુલ્ક સંસ્થાના નિષ્ણાત શિક્ષકો દ્વારા તેમની શાળામાં જઈને આપવામાં આવી રહી છે.
પં. રિતેશ અને પં. રજનીશ મિશ્રા સાથે રાજકોટના સંગીતના વિદ્યાર્થીઓની મુલાકાત
અત્રે ઉલેખનિય છે કે નિઓરાજકોટ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે રાજકોટના આંગણે પધારેલા કલા ગુરુઓ સમક્ષ યુવા સાધકો માટે સ્ટુડન્ટ મીટ અપ સેશન ગોઠવવામાં આવે છે. તેના ભાગરુપે કાર્યક્રમની પૂર્વ સંધ્યા એ પંડિત રિતેશ અને પંડિત રજનીશ મિશ્રા સાથે રાજકોટના સંગીતના વિદ્યાર્થીઓ સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે ૪૦૦ વર્ષ જૂની ધરોહરના કેટલાક રસપ્રદ અને પ્રેરણાત્મક કિસ્સાઓ વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરી તેમને પ્રેરિત કર્યા હતા. તેમજ રિયાઝ અને સંગિત પ્રત્યેનો કયો અભિગમ સાચો છે? તેનું માર્ગદર્શન આપ્યું હતું.
સંગીત જેવી કરતબ વિદ્યા કે જે પુસ્તકમાંથી નહીં પણ ગાયન દ્વારા અભિવ્યક્ત કરી શકાય છે તેની સમજણ આપી હતી. આ સ્ટુડન્ટ મીટ અપમાં ૩૦ જેટલા વિદ્યાર્થીઓ અને સંગિત શિક્ષકો હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સેશનના અંતે પૂછવામાં આવેલા પ્રશ્નોનોના પંડિતજીએ સંતોષકારક ઉત્તર આપ્યા હતા.
(4:11 PM IST)










