<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

બનારસ ઘરાનાની અમૂલ્‍ય વિરાસતને જીવંત રાખતી પંડીત રિતેશ અને પંડીત રજનીશ મિશ્રાની જોડીએ તેમના પિતા પંડીત રાજન મિશ્રાજીને સ્‍વરાંજલિ અર્પણ કરી

તાલ ત્રિવેણી પર્ક્‍યુશન ગ્રુપની પ્રસ્‍તુતીથી સંગીતસભામાં રીધમ, લય અને ઉર્જાનો અદ્વિતીય સંગમ

રાજકોટઃ સપ્તસંગીતિ ના આઠ વર્ષના સંગીતમય ઇતિહાસમાં દેશના અનેક ખ્‍યાતનામ અને ગુણવાન કલાકારોએ પોતાની કલાથી મંચને ગૌરવભર્યો બનાવ્‍યો છે. વર્ષ ૨૦૧૯માં બનારસ ઘરાનાના મહાન ગાયક સ્‍વ. પંડિત રાજન મિશ્રાજીની ઉપસ્‍થિતિએ સપ્તસંગીતિના મંચને વિશેષ આદર અને સ્‍મરણિયતા આપી હતી. તેમના અવસાન બાદ રાજકોટના આંગણે તેમના પુત્રો પં. રિતેશ મિશ્રા અને પં. રજનીશ મિશ્રાએ સપ્તસંગીતિ ૨૦૨૬ના ચોથા દિવસે મંચ પર તેમના પિતાશ્રીના કલાવારસાને આગળ વધારતી ભવ્‍ય પ્રસ્‍તુતિ કરી હતી. પરંપરાથી પ્રાપ્ત થયેલી શાષીય સમજ, સ્‍વરશુદ્ધિ અને ભાવસભર અભિવ્‍યક્‍તિ તેમના ગાયનમાં સહજ રીતે ઝળહળી ઉઠી હતી. કાર્યક્રમની શરુઆત ચોથા દિવસના પેટ્રન પેલિકન રોટોફલેક્‍સ પ્રા. લિ. પરિવાર, કો-પેટ્રન જી. એન. અલટેક પ્રા. લિ. ના ગૌરાંગભાઈ છત્રાલા અને શુભેચ્‍છકો જાણીતા ગાયક વિનોદભાઈ પટેલ, શેઠ બિલ્‍ડર્સના ચંદ્રકાંતભાઈ શેઠ, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પૂજારાના હસ્‍તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.

સભાના પ્રથમ સત્રમાં તાલ ત્રિવેણી પર્ક્‍યુશન ગ્રુપની પ્રસ્‍તુતીથી સંગીતસભા રીધમ, લય અને ઉર્જાની અદ્વિતીય સંગમરૂપ બની ઊભરી આવી.તેઓએ ભારતીય ત્રણ તાલવાદ્ય ના સુભગ સમન્‍વય કરી તીનતાલમાં વિવિધ બંદિશો રજૂ કરી. તેમના ગુરુ પં. બાલકૃષ્‍ણ મહંતજી કે જેમણે આ ગ્રુપને ત્રિવેણી નામ આપ્‍યું હતું, જેનું એક દિવસ પહેલાં જ નિધન થયું હતું તેમને આજની પ્રસ્‍તુતિ સમર્પિત કરી હતી. મુખ્‍ય કલાકાર માધવ પુરોહિતના તબલાવાદને સમગ્ર પ્રસ્‍તુતીને શાષીય મર્યાદા અને સૌંદર્યની મજબૂત ધરા પૂરી પાડી. તેમના બોલોની સ્‍પષ્ટતા અને લયકારીની ચપળતાએ શ્રોતાઓને તાલના સૂક્ષ્મ ભાવમાં લીન કરી દીધા હતા. વિલંબિતથી દ્રુત લય સુધીની તેમની સફર તબલાના આત્‍મિક સ્‍પંદનને ઉજાગર કરતી હતી. અંકુર મદનીના જેમ્‍બે વાદનમાં લોકલય અને વૈશ્વિક રીધમનો અદભુત સંવાદ સર્જાયો.  જેમ્‍બેની ધ્‍વનિ તબલાના શાષીય બંધારણ સાથે સંવાદ રચતી હતી અને શ્રોતાઓને નવીન સંગીત અનુભૂતિ તરફ દોરી ગઈ હતી. ધવલ મિષીના પખાવજવાદને સમગ્ર કાર્યક્રમને ગાઢતા અને ગૌરવની છાપ આપી. તબલા અને જેમ્‍બે સાથે તેમનો સંવાદ તાલની ત્રિવેણી સમાન વહેતો રહ્યો. આ લયાત્‍મક સંવાદને જયેશ મકવાણાના હાર્મોનિયમ સંગતે સુમેળ અને સંગીતાત્‍મક દિશા આપી. તાલ ત્રિવેણી પર્ક્‍યુશન ગ્રુપની આ પ્રસ્‍તુતી લય, નાદ અને સર્જનાત્‍મક સંવાદનું સુંદર ઉદાહરણ બની હતી.

 કાર્યક્રમના બીજા પડાવની શરુઆત પં. રિતેશ અને પં. રજનીશ મિશ્રાની જોડીએ રાગ નાયકી કાનડામાં વિલંબત એક તાલમાં લયબધ્‍ધ કરેલી બંદીશ બનરા મોરા પ્‍યારા રજૂ કરી. દ્રુતલય તીનતાલ અધ્‍ધા ઠેકા માં પ્રાચીન ઘરાનાની બનારસની રચના પખેરુવા રે એ માઈ જંગલ અને ત્‍યારબાદ દ્રુત લય તીન તાલ માં સજન બિન ભઈ નિરાશ હું બંદિશ રજૂ કરી હતી.  શાંત અને ગૌરવપૂર્ણ આલાપથી કરી, જેમાં રાગની આત્‍મા ધીમે ધીમે પ્રગટ થતી હતી.  પં. રિતેશ મિશ્રા અને પં. રજનીશ મિશ્રાના ગાયનમાં ગંભીરતા અને સ્‍થિરતાનો અદભુત સમન્‍વય જોવા મળ્‍યો, બંને ભાઈઓના સ્‍વરો એકબીજામાં એવા ઓગળી જતા કે જાણે બે સ્‍વર નહીં, પરં તુ એક જ સંવેદનશીલ આત્‍મા સંગીતરૂપે વહેતો હોય તેવી લાગણીનો અનુભવ થતો હતો. વિવિધ રાગોની પ્રસ્‍તુતિ દરમિયાન તેમની બંદિશોની પસંદગી અત્‍યંત સૂક્ષ્મ અને રસપ્રદ રહી હતી. વિલંબિત ખ્‍યાલમાં સ્‍વરવિસ્‍તારની સંયમિત ભવ્‍યતા, મધ્‍યલયમાં લયકારીની શિસ્‍ત અને દ્રુત ખ્‍યાલમાં તાનોની પ્રસ્‍તુતી, આ બધું જ બનારસ ઘરાનાની વૈભવી પરંપરાનું જીવંત દર્શન કરાવતું હતું.  બીજી પ્રસ્‍તુતિમાં શ્રી કૃષ્‍ણનું ભજન અબ તો શ્‍યામ નામ લો  લાગી ખુબ સુંદર રીતે પ્રસ્‍તુત કર્યું. ત્‍યારબાદ ખૂબ જાણીતું અને સુર સંગમ ફિલ્‍મ પંડિત રાજન મિશ્રાજીએ જે ગીત અને કંઠ આપ્‍યો તે સાધ રે મને સુરકો સાધ રે રાગ કીરવાની માં પેશ કર્યું. સભા ના અંત કવિ તુલસીદાસ રચિત ભગવાન શ્રીરામ જી નું ભજન જનની મેં ન જાઉં બિન રામ  પ્રસ્‍તુત કરી સભા પૂર્ણ કરી હતી.

 નિરજ ધોળકિયાનું તબલાવાદન ગાયન માટે મજબૂત આધારસ્‍તંભ સાબિત થયું. તેમની લયકારી, બોલોની સ્‍પષ્ટતા પં. રિતેશ મિશ્રા અને પં. રજનીશ મિશ્રાના ગાયનની દરેક બારીકીને સાથ આપતી હતી.  ખાસ કરીને લયમાં થતી નાની-નાની હરકતોથી તેઓની પ્રસ્‍તુતિને વધુ ઊંડાણ આપતું હતું. હાર્મોનિયમ પર પલાશ ધોળકિયાની સંગતે સ્‍વરોને સ્‍નિગ્‍ધ આધાર આપ્‍યો હતો. જ્‍યારે હર્ષ સંઘાણી અને પ્રિતેશ પરમાર એ તાનપુરા સંગત કરી હતી.

દિવસ ૦૫ તા. ૦૬  જાન્‍યુઆરી મંગળવાર ના કલાકારોનો સંક્ષિપ્ત પરિચય

 સેશન ૦૧  અભિષેક વ્‍યાસ (મકરંદિકા વીણા):  મકરંદિકા વીણા જે ભારતીય ગિટારનું એક પરિસ્‍કૃત સ્‍વરૂપ છે. તેની અભિષેક વ્‍યાસ દ્વારા સંશોધન અને રચના કરવામાં આવી છે. અભિષેક વ્‍યાસે આ ગિટારના સ્‍વરૂપને મકરંદિકા વીણા નામ આપ્‍યું છે. ગિટારના આ સ્‍વરૂપને તમણે અનેક સંગીત સંમેલનમાં પ્રસ્‍તુત કર્યું છે. નિશાંત શર્મા (તબલા) : નિશાંત શર્મા એ દેશના સિતાર, સંતુર, સરોદ ના અનેક યુવા કલાકારો સાથે તબલા સંગત કરી છે.

સેશન ૦૨: રસિયા ટ્રીઓ (પિયાનો, વાયોલિન, તબલા): ઈશાન રાવ (પિયાનો): ઈશાન રાવ તે શુભેન્‍દુ રાવ અને સાસકિયા રાવના પુત્ર છે. પિયાનો, વાયોલિન અને તબલાનું સંમિશ્રણ કરી અને બનેલ ગ્રુપ ‘‘રસિયા'' ના કલાકારો દેશમાં પ્રથમ વખત રાજકોટના સતસંગીતના મંચ પર પોતાની કલા પ્રસ્‍તુત કરશે. આ ટ્રાયો ગ્રુપમાં ત્રણેય કલાકારો દેશના મુર્ધન્‍ય ગુરુઓ અને સાધકોના સંતાનો છે.  યજ્ઞેશ રાયકર (વાયોલિન): યજ્ઞેશ રાયકર ખૂબ વરિષ્ઠ વાયોલીન વાદક મિલિદ રાયકરજીના સુપુત્ર છે. તેમણે અનેક સંગીત સંમેલનોમાં વાયોલિન વાદન પ્રસ્‍તુત કર્યું છે. ઈશાન ઘોષ (તબલા) ઈશાન ઘોશ તેઓ તબલા ના દિગજ કલાકાર પંડિત નયન ઘોષના સુપુત્ર છે

(4:12 PM IST)