News of Wednesday, 7th January 2026
પાળતુ કુતરો અજાણ્યા શખ્સની પાછળ દોડતાં ટોળકી રચી સફાઇ કામદાર મહિલાના ઘર પર હુમલોઃ પથ્થરમારો
કટારીયા ચોકડી મોદીનગર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બનાવઃ મોઢે રૂમાલ બાંધી આવેલા શખ્સોની બઘડાટી : પાણી લેવા માટે ફળીયામાં આવી ગયેલા બાજુના વંડામાં કામ કરતાં શખ્સને કુતરાએ ઉજરડો પાડી દેતાં તેણે તેના માલિકોને જાણ કરીઃ કાવત્રુ ઘડી બીજા શખ્સોને બોલાવી હુમલો કરાવાયોઃ રામભાઇ, તુફાન, લાલુ અને છ અજાણ્યા વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો : કુતરાને રસી મુકાવેલી હોઇ ઇન્જેકશન નહિ લેવું પડે તેમ સમજાવવા છતાં શખ્સ ઉશ્કેરાઇ ગયો

રાજકોટ તા. ૭: શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ઘરના પાળેલા કૂતરાએ પડોશમાં રહેતા શખ્સોના માણસને સામાન્ય ઉજરડો કર્યો હોવાની બાબતે મામલો બીચકતા ત્રણ શખ્સોએ કાવત્રુ ઘડી બીજા છ જણાને ફોન કરી બોલાવતાં અલગ અલગ કારમાં ધોકા સાથે આવેલા મોઢે રૂમાલ બાંધેલા શખ્સોએ સફાઇ કામદાર મહિલાના ઘર પર હુમલો કરી પથ્થરમારો કરી ગાળો દઇ મારી નાખવાની ધમકી આપતાં ગુનો દાખલ થયો છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે પંચાયત ચોકી હેઠળના મોદીનગર લક્ષ્મી નારાયણ સોસાયટી પાણીના ટાંકા સામે કાળ ભૈરવના મંદિર નજીક ઉરી એરીયામાં રહેતાં અને સાત વર્ષથી મનપામાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં જોસનાબેન દીપકભાઇ પરમાર (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી રામભાઇ સોલંકી, તુફાન બાબરીયા, લાલુ ચંદુભાઇ મહીડા અને છ અજાણ્યા સામે ગેરકાયદે મંડળી રચી હુમલો કરવા અંગે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
જોસનાબેન પરમારે જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. રવિવારે સાંજે સાડા સાતેક વાગ્યે હું, મારા પતિ અને બાળકો ઘરમાં હતાં. અમારા ઘરની બાજુમાં ૪૦૦ વારનો વંડો છે. જ્યાં અમારી જ્ઞાતિના રામભાઇ સોલંકી, તુફાનભાઇ, લાલુભા સહિતના અવાર-નવાર આવતા રહે છે. તેમજ તેના માણસો પણ ત્યાં બહાર બેઠા હોય છે. આ માણસો ઘણીવાર અમારા ઘરે પાણી પીવા આવતા હોય છે. રવિવારે આ વંડાનો એક માણસ અમારા ઘરમાં પાણી લેવા આવ્યો હતો. આ વખતે અમારા પાળતુ કુતરાએ એ શખ્સ તરફ દોટ મુકતાં તે દોડીને બહાર નીકળી ગયો હતો. જો કે કુતરાએ તેને સ્હેજ ઉજરડો કરી દીધો હતો. આ વખતે હું અને મારા પતિ બહાર નીકળ્યા ત્યારે આ શખ્સે તમારા કુતરાએ મને બટકુ ભરી લીધું છે તેમ કહેતાં અમે કહેલું કે સ્હેજ ઉજરોડો છે, તારે ઇન્જેક્શન લેવું નહિ પડે કેમ કે અમે કુતરાને રસી મુકાવેલી છે.
આ સાંભળી એ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને તેના માલિકો રામભાઇ, તુફાનભાઇ, લાલુભાઇ સહિતને જાણ કરતાં આ લોકોએ તેના બીજા છ જેટલા માણસોને ફોન કરી અમારી સાથે ઝઘડો કરવા બોલાવ્યા હતાં. આ શખ્સો મોઢે રૂમાલ બાંધીને બે કાર લઇને આવ્યા હતાં. જેમાં એક કાળા કલરની વર્ના અને બીજી આઇ-૨૦ કાર હતી. આ કારમાંથી શખ્સો ધોકા સાથે ઉતર્યા હતાં. હું અને મારા પતિ ઘરની બહાર હોઇ બીક લાગતાં ઘરમાં જતાં રહ્યાહ તાં. જેથી આ શખ્સોએ અમારા ઘર ઉપર પથ્થરોના ઘા કરતાં અમને ઇજા થઇ હતી. આ બધા જેમ ફાવે તેમ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતાં હતાં.
દકોરો બોલી જતાં આસપાસના લોકો ભેગા થઇ જતાં આ બધા કારમાં બેસી ભાગી ગયા હતાં. પાણી પીવા આ લોકોના વંડાએથી આવેલા શખ્સ પાછળ અમારો કુતરો દોડયો હોઇ તેના કારણે આ શખ્સે રામભાઇ સહિતને જાણ કરતાં એ લોકોએ પુર્વ યોજીત કાવતરૂ ઘડી છ શખ્સોને બોલાવ્યા હતાં. મોઢે રૂમાલ બાંધીને આવેલા આ શખ્સોએ અમારા ઘર પર ટોળકી રચી હુમલો કર્યો હતો અને ખૂનની ધમકી આપી હતી. અમે ડરી ગયા હોઇ શરૂઆતમાં ફરિયાદ કરી નહોતી. બાદમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ મુકેશભાઇ પી. ચરમટાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:14 PM IST)










