<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

બેડી ગામે દુકાનમાં તોડફોડ કરી ધમાલ મચાવનાર દેવશી, શ્‍યામ અને કિશનની સરાજાહેર શાન ઠેકાણે લાવતી ક્રાઇમબ્રાંચ

૧૬મી તારીખે નામચીન બાબુતર ભાઇઓની ટોળકીએ કાળા કલરની સ્‍કોર્પીયોમાં ધસી આવી પાઇપથી હુમલો કરી વિપુલ વડેચાનો હાથ ભાંગી નાખ્‍યો'તોઃ ખુનની કોશીષ અને રાયોટીંગનો ગુનો નોંધાયેલઃ રીમાન્‍ડ માંગણી સાથે કોર્ટમાં રજ

રાજકોટઃ બેડી ગામે તા.૧૬મી ની રાત્રે નાસ્‍તાના લારી ઉપર પાઇપ-ધોકા સાથે તુટી પડેલા બાબુતર ભાઇઓની ટોળકીએ નાસ્‍તાના ધંધાર્થી વિપુલ વડેચા પર પાઇપ વડે હુમલો કરી હાથ ભાંગી નાખ્‍યો હતો અને વચ્‍ચે પડેલા સુનીલ નામના યુવાનને પણ મારમાર્યો હતો. ક્રાઇમબ્રાંચ દ્વારા આ ઘટનાનું આજે ઘટનાસ્‍થળે રિહર્સલ કરાવી માથાભારે તત્‍વોની શાન ઠેકાણે લાવવામાં આવી હતી. (ફોટોઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા.૭: ગઇ ૧૬મી તારીખે રાત્રે બેડી ગામે દાળ પકવાનના ધંધાર્થી ઉપર કાળી સ્‍કોર્પીયોમાં ધસી આવી થયેલા સામુહીક હુમલા અંગે નોંધાયેલા હત્‍યાની કોશીષ અને રાયોટીંગના ગુનાની તપાસ કરી રહેલી ક્રાઇમબ્રાંચની ટુકડીએ નામચીન ભુપત બાબુતરના બે ભત્રીજા સહિત ત્રણની ધરપકડ કરી હતી. આ ત્રણેય પાસે ઘટના સ્‍થળે આજે રીહર્સલ કરાયુ હતું. ક્રાઇમબ્રાંચે સરાજાહેર કડકરાહે પૂછતાછ શરૂ કરતા માથાભારે તત્‍વોના મોઢા ગરીબ ગાય જેવા થઇ ગયા હતા.

બેડીપરામાં રહેતા નામચીન બાબુતર બંધુઓ સહિતની  ટોળકી બેડી ગામ પાસે દાળ પકવાનના ધંધાર્થી અને તેના કર્મચારી ઉપર સરાજાહેર મારામારી કરી લારીમાં તોડફોડ કરી ધમાલ મચાવી નાસી ગયા હતા. બનાવને પગલે વિડીયો વાયરલ થતા કુવાડવા પોલીસે યુવકની ફરીયાદ પરથી છ શખસો સામે ગુનો નોધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી તે દરમ્‍યાન તપાસ ક્રાઈમ બ્રાંચને સોપાતા પોલીસે નામચીન ભુપત ભરવાડના ભત્રીજા સહીત ત્રણ શખસોને ઝડપી લઈ વિશેષ પુછતાછ હાથધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ બેડી ગામે કાળા કાચ વાળી સ્‍કોર્પીયોમાં ધોકા,લોખંડના પાઈપ વડે ધસી આવેલા શખસોએ દાળ પકવાનના ધંધાર્થી ઉપર હુમલો કર્યા હતો. જેનો વિડીયો વાયરલ થયો હતો. બનાવને પગલે કુવાડવા પોલીસ મથકના પીઆઈ રઝીયા સહીતની ટીમે તપાસ કરતા બેડી ગામે રહેતા અને ગામમાં દાળ પકવાનની લારીમાં નાસ્‍તાનો ધંધો કરતો વિપુલ રાણાભાઈ વડેચા (ઉ.૩૨) તેની લારીએ સુનીલ નામનો માણસ સાથે હતો ત્‍યારે બે અજાણ્‍યા શખસો નાસ્‍તો કરવા આવ્‍યા હતા. તે દરમ્‍યાન ગ્રાહકો વધુ હોય થોડી વારમાં આપી દેવાનુ કહેતા બન્ને શખસો ઉશ્‍કેરાયા હતા અને ઝઘડો કરવા લાગ્‍યા હતો. બાદમાં તેને ફોન કરી કોઈને બોલાવ્‍યા હતા.

દરમ્‍યાન કાળા કાચ વાળી સ્‍કોર્પીયોમાં ધસી આવેલા ભુપત બાબુતરના ભત્રીજો દેવશી બાબુતરને તે ઓળખતો હોય કોઈ વાત કરે તે પહેલા લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો તેમજ તેની સાથેના શખસોએ ધોકા વડે તુટી પડયા હતા. તેને સમજાવવા વચ્‍ચે પડેલા સુનીલને પણ મારકુટ કરી લારીમાં તોડફોડ કરી હતી. બનાવને પગલે કુવાડવા પોલીસે વિપુલ વડેચાની ફરીયાદ પરથી છ શખસો સામે ગુનો નોધી કાર્યવાહી કરી હતી. દરમ્‍યાન આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમીશનર સમક્ષ રજુઆત કરતા તપાસ ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી હતી.પીઆઈ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ ડી.પી. ઝાલા, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, ધમભા ઝાલા, જીલુભાઇ ગરચર, દિપક ડાંગર, રાઇટર ગીરૂભા, અશ્વીનભાઇ અને અનુજભાઇ સહીતના સ્‍ટાફે બેડીપરામાં રહેતો દેવશી કાબાભાઈ બાબુતર,શ્‍યામ સંજયભાઈ બાબુતર અને મોરબી રોડ પર રધુવીર પાર્કમાં રહેતો કિશન કાશભાઈ સરસીયાની ધરપકડ કરી વધુ ત્રણ આરોપીઓને પકડી લેવા રીમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથધરી છે.

 

(3:16 PM IST)