<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

ઇ-મેઇલમાં લખ્‍યું હતું- જો રીમોટ કામ નહિ કરે તો આત્‍મઘાતી હુમલાખોરોને કોર્ટમાં મોકલાશે!

રાજકોટ ડિસ્‍ટ્રિકટ કોર્ટને ઉડાવી દેવાની ધમકી અંગે ગુનો દાખલ ભુતપુર્વ એલટીટઇ સભ્‍યો અને કાશ્‍મીરના આઇએસકેપી સભ્‍યોએ કોર્ટને ટારગેટ કરી છે, ત્રણ જેટલા આરડીએક્‍સ ગોઠવી દેવાયા છે તેવો પણ ઉલ્લેખ હતોઃ યુનિવર્સિટી પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૭: રાજકોટની નવી ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટ બિલ્‍ડિંગને બોમ્‍બથી ઉડાવી દેવાની ગઇકાલે ઇ-મેઇલથી ગંભીર ધમકી મળતા સમગ્ર પોલીસ તંત્ર અને ન્‍યાયિક જગતમાં દોડધામ મચી ગઈ હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. તામિલનાડુના એક સંગઠન અને આતંકી સંગઠનોના નામે મોકલવામાં આવેલા આ ઈ-મેલમાં કોર્ટ પરિસરમાં હ્યુમન સુસાઈડ બોમ્‍બર મોકલવાની ધમકી આપવામાં આવી હતી.  યુનિવર્સિટી પોલીસે ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટમાં રજીસ્‍ટ્રાર તરીકે ફરજ બજાવતાં અર્ચનાબેન રોબીનભાઇ ઠક્કરની ફરિયાદ પરથી ઇ-મેલ આઇડી પરથી મેલ મોકલનારા સામે ગુનો નોંધ્‍યો છે. ગઇકાલે રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર [email protected] નામના એડ્રેસ પરથી એક મેલ આવ્‍યો હતો. આ મેલનું હેડિંગ JACTO-GEO વિરોધ, તમારા કોર્ટ પરિસરમાં 3RDX નો ઉપયોગ કરીને માનવ આત્‍મઘાતી વિસ્‍ફોટ મુકવામાં આવ્‍યો છે તેવું રાખવામાં આવ્‍યું હતું.

આ મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો કેતામિલનાડુમાં ચાલી રહેલા JACTO-GEO વિરોધ પ્રદર્શન પરથી ધ્‍યાન હટાવવા માટે આ કળત્‍ય કરવામાં આવ્‍યું છે. ભુતપુર્વ LTTE સભ્‍યો અને કાશ્‍મીરના ISKP સભ્‍યોએ કોર્ટને ટાર્ગેટ કરી છે. કોર્ટ બિલ્‍ડિંગમાં અલગ-અલગ જગ્‍યાએ ૩ જેટલા RDX IED ગોઠવી દેવામાં આવ્‍યા છે. જો રીમોટ કંટ્રોલથી બ્‍લાસ્‍ટ નહીં થાય, તો શ્રીલંકાના ઈસ્‍ટર ઓપરેશનની જેમ આત્‍મઘાતી હુમલાખોરો અંદર આવીને વિસ્‍ફોટ કરશે. તેમજ ઇ-મેલમાં ન્‍યાયાધીશો અને સ્‍ટાફને બપોરે ૧:૫૫ વાગ્‍યા સુધીમાં બિલ્‍ડિંગ ખાલી કરી દેવાની ચેતવણી અપાઈ હતી. આ ધમકીને પગલે કોર્ટના રજિસ્‍ટ્રાર અર્ચનાબેન ઠક્કર દ્વારા આ બાબતે મુખ્‍ય જિલ્લા ન્‍યાયાધીશને જાણ કરવામાં આવી હતી. ત્‍યારબાદ તાત્‍કાલિક પોલીસ અને  એસઓજી શાખાને એલર્ટ કરવામાં આવી હતી. ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્‍ટેશનના કાફલા સહિત બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍કવોડ અને ડોગ સ્‍કવોડ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. વકીલો અને અરજદારોની પણ તપાસ કરવામાં આવી હતી, જોકે સદનસીબે કોઈ શંકાસ્‍પદ વસ્‍તુ કે વિસ્‍ફોટક મળી આવ્‍યા નહોતા. તપાસના અંતે આ મેલ માત્ર ભય ફેલાવવા અને કોર્ટની કામગીરીમાં ખલેલ પહોંચાડવાના હેતુથી કરવામાં આવ્‍યો હોવાનું જણાતા, અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધવામાં આવ્‍યો છે. અર્ચનાબેન રોબીન ઠક્કર રજિસ્‍ટ્રાર, ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટ, રાજકોટની ફરિયાદને આધારે યુનિવર્સિટી પોલીસે ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૩૫૧(૪) અને ૩૫૩(૧)(બી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એન. કે. પંડયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાયબર સેલ દ્વારા મેલ મોકલનાર શખ્‍સના લોકેશનને ટ્રેસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(3:47 PM IST)