તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
આત્મહત્યા હોય તો પણ હત્યા લાગે તેવા વિડીયો અબ્બાસ જોતો હતો!
ભોમેશ્વર પ્લોટમાં અગાસીએથી મળેલી વ્હોરા યુવાનની લોહીભીની લાશની ઘટના : પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અને યુવાને લખેલી ડાયરીની નોંધો પરથી ઘટના આત્મહત્યાની હોવાનું તારણ નીકળ્યું: છતાં વિશેષ તપાસ યથાવત

રાજકોટ તા. ૭: શહેરના ભોમેશ્વર પ્લોટ વિસ્તારમાં બાબજી એવન્યુ બિલ્ડીંગમાં ચોથા માળે આવેલા ફ્લેટમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા દાઉદી વ્હોરા યુવાન અબ્બાસ યુસુફભાઈ મર્ચન્ટ (ઉ.વ. ૪૦) નામના યુવાનની ગઈકાલે એપાર્ટમેન્ટની અગાસી પરથી કોહવાયેલી લોહી નીતરતી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટના હત્યા કે આત્મહત્યા? તે શોધવા ક્રાઇમ બ્રાંચ, ગાંધીગ્રામ પોલીસની ટીમો કામે લાગી હતી. દરમિયાન મૃતકે લખેલી ડાયરીના લખાણ પરથી આ ઘટના આત્મહત્યાનું તારણ હાલ નીકળ્યું છે. વળી પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં પણ ઘટના હત્યાની નહિ હોવાનું જણાયુ છે. જો કે આમ છતાં પોલીસે ઝીણવટભરી તપાસ યથાવત રાખી છે.
બાબજી એપાર્ટમેન્ટની અગાસી પરથી અબ્બાસની લાશ મળ્યા બાદ પોલીસે તપાસ આદરી હતી. એ વખતે ફ્લેટમાંથી નોટબૂકના પાના પર અબાસ લખેલી સ્યુસાઇડ નોટ જેવી કેટલીક માહિતી મળી આવી હતી. ઉપરાંત પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટ પરથી બનાવ આપઘાતનું હોવાનું તારણ નીકળ્યું છે. મળતકની મોબાઇલની હિસ્ટ્રીમાં આપઘાત એ આપઘાત ન લાગે પણ મર્ડર જેવું ન લાગે તે માટેની તરકીબો અંગે તેણે સર્ચ કર્યું હોવાનું પણ સામે આવ્યું હતું. અબ્બાસના માતા-પિતા હયાત ન હોઇ અને તે અપરિણીત હોઇ એકલો રહેતો હતો. તેના એક બહેન શમીનાબેન તાહેરભાઇ ભગત વ્હોરા સોસાયટીમાં રહે છે અને બીજા બહેન મારીયાબેન પુનામાં રહે છે. છેલ્લા ત્રણેક દિવસથી શમીનાબેન અબ્બાસને કોલ કરતા હતા પરંતુ તેનો સંપર્ક થતો ન હતો જેથી ગઈકાલે બપોરે ફ્લેટ પહોંચતા બનાવ સામે આવ્યો હતો. લાશ પાસેથી રસોડામાં વપરાતી છરી મળી હતી અને અબ્બાસના શરીર પર છરીના ઘાના દસેક નિશાન જોવા મળ્યા હતા. તપાસ આગળ વધતા બનાવ આત્મહત્યાનો હોવાનું તારણ નીકળ્યું હતું. ફ્લેટમાં નોટબુકમાં અબ્બાસે ૧૦ થી ૧૨ પેજની સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં હું હવે ફરી બેઠો નહીં થઈ શકું, તેમજ જીવનથી નાસીપાસ થઈ ગયો હોય તેવી વાત જણાવી હતી અને તેણે મિલકત બંને બહેનોને આપી દેવાનું લખ્યું હતું.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. મેઘાણીએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં પણ એક જ ડાયરેક્શનમાં છરીના ઘા જે રીતે ઝીંકાયા છે તેના પરથી બનાવ આપઘાતનો જ હોવાનું જણાઇ રહ્યું છે. યુવાનના મોબાઇલની સર્ચ હિસ્ટ્રીમાં જોતા તેણે વીડિયો જોયા છે તે સ્યુસાઇડ કઈ રીતે સ્યુસાઇડ ન લાગે તે અંગેના વિડીયો હતા. આ પ્રકારના વિડીયો જોયા છે તેની પાછળનું કારણ એવું જણાય છે કે કદાચ ધાર્મિક દ્રષ્ટિએ સ્યુસાઇડ પાપ હોવાથી તેણે આ રીતે મૃત્યુ મેળવ્યું હશે. જો કે હજુ પોલીસે આ મામલે તપાસ યથાવત રાખી છે.
(3:47 PM IST)










