News of Wednesday, 7th January 2026
રીબડા ચોકડીએ ‘હિટ એન્ડ રન': મિત્રને મળવા જઇ રહેલા ધર્મેન્દ્રસિંહ ઝાલાનું મોત
૨૪મીએ અજાણ્યો કારચાલક બાઇક સહિત ઠોકરે લઇ ભાગી ગયો હતોઃ રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુઃ બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૭: ગોંડલના રીબડાના યુવાનનું રીબડા ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર ઇજા થયા બાદ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. બાઇક પર બેસી મિત્રને મળવા જતી વખતે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ રીબડામાં રહેતાં ધર્મેન્દ્રસિંહ હરપાલસિંહ ઝાલા (ઉ.વ.૪૨) નામના યુવાન ગત ૨૪/૧૨ના સવારે સાડા દસેક વાગ્યે બાઇક હંકારી શાપર રહેતાં મિત્રને મળવા જવા નીકળ્યા ત્યારે રીબડા ચોકડી જગતાત હોટલ નજીક પહોંચતા એક કારનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી ગયો હતો. આ અકસ્માતમાં ધર્મેન્દ્રસિંહને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા હતાં.
આજે સવારે ખાનગી હોસ્પિટલમાંથી બેભાન હાલતમાં ફરી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતાં અહિ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ધર્મેન્દ્રસિંહ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરી છે. પોતે શાપર કંપનીમાં નોકરી કરતાં હતાં. ૨૪મીએ કંપનીમાં રજા હોઇ તેઓ શાપર રહેતાં મિત્રને મળવા જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. સારવારમાં આજે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(3:47 PM IST)










