News of Wednesday, 7th January 2026
માલિયાસણ નજીક ઊભા થઈ રહેલા ટોલ પ્લાઝા કે શહેરી બોજ?: દૂર ખસેડવા માંગ
શહેરમાં જ ટોલ -રાજકોટવાસીઓ માટે નવો અન્યાયઃ જનજીવન પર સીધી અસરઃ ટ્રાફિક, રિંગ રોડ, એરપોર્ટ મુસાફરી અને રોજિંદી આવાગમન પર અસર કરતા ટોલ અંગે કોંગ્રેસની NHAI ને રજૂઆત

રાજકોટ,તા.૭: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર માલિયાસણ ગામ નજીક અને રાજકોટ શહેરની તદ્દન નજીક ઊભા થઈ રહેલા ટોલ પ્લાઝા અંગે શહેરી નાગરિકો, ગ્રામજનો, ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓમાં ભારે ચિતા ફેલાઈ છે. ટોલ પ્લાઝાનું સ્થાન અને આયોજન શહેરના હિતોને અવગણીને કરવામાં આવ્યું હોવાના આરોપો ઉઠી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂતે નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) ને લેખિતમા રજૂઆત કરીને આ ટોલપ્લાઝા અંગે પુનર્વિચાર કરીને અન્ય વૈકલ્પિક જગ્યા પર ખસેડવા માંગ કરી છે અને આગામી સમયમા તંત્ર દ્વારા કોઈ નિરાકરણ નહીં કરવામા આવે તો જન આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે અને કહ્યું કે જરૂર પડ્યે આગામી સમયમા આયોજનબદ્ધ રીતે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમા ચોરા મીટીંગો,પત્રિકા વિતરણ કરીને લોકોને જાગૃત કરીશું અને બાદ એક મોટું આંદોલન પણ કરીશુ.
આ ટોલ પ્લાઝાના કારણે ૫ ગંભીર અને દીર્ઘકાલીન સમસ્યાઓ ઊભી થવાની છે, જેનું વિગતવાર તર્કસંગત વિશ્લેષણ... ૧) શહેરની નજીક ટોલ પ્લાઝાઃ ટ્રાફિકજામ અને અકસ્માતોનું કેન્દ્ર શહેરની સીમાને અડોળ નજીક ટોલ પ્લાઝા ઉભો કરવાથી દૈનિક પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગવાની પૂર્ણ શક્યતા છે. રાજકોટ શહેર પહેલેથી જ ટ્રાફિક દબાણનો સામનો કરી રહ્યું છે, તેમાં ટોલ પ્લાઝા ઉમેરાતા ટ્રાફિકજામ નિયમિત સમસ્યા બની જશે. વાહનો અચાનક ધીમા પડવાથી તથા લેન બદલાવના કારણે મોટા અકસ્માતોની સંભાવના પણ વધી જશે, જે જાહેર સલામતી માટે ગંભીર ખતરો છે.
૨) એરપોર્ટ માર્ગ પર ટોલ : સમય વેડફાટ અને ફલાઇટ ચૂકી જવાની સમસ્યા રાજકોટ એરપોર્ટ તરફ જતા મુખ્ય માર્ગ પર જ આ ટોલ પ્લાઝા આવેલો હોવાથી એરપોર્ટ જતા મુસાફરો માટે આ માર્ગ સૌથી વધુ સંવેદનશીલ બની જશે. ટોલ પ્લાઝા પર સર્જાતો ટ્રાફિક જામ મુસાફરોના કિમતી સમયનો નાશ કરશે, જેના કારણે ઘણા મુસાફરો સમયસર એરપોર્ટ પહોંચી ન શકે અને ફલાઇટ ચૂકી જવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સ્થિતિ રાજકોટ જેવા વિકસતા શહેરની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડશે.
૩) એરપોર્ટ મુસાફરો પર વધારાનો આર્થિક બોજ અને ટેક્સી ભાડામાં વધારોઃ ટોલ પ્લાઝાના કારણે એરપોર્ટ પર આવતાજતા તમામ મુસાફરોને સીધો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડશે. ટોલ ખર્ચનો ભાર ટેક્સી અને કેબ સંચાલકો દ્વારા ભાડામાં ઉમેરવામાં આવશે, જેના પરિણામે એરપોર્ટ સુધીનું પરિવહન મોંઘું બનશે. સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વ્યવસાયિક મુસાફરો માટે આ સ્થિતિ અત્યંત અયોગ્ય છે.
૪) રિંગ રોડ૩ પર ટોલઃ શહેરી નાગરિકો પર અન્યાય રાજકોટની રિંગ રોડ૩ આ ટોલ પ્લાઝાની બહાર આવે છે અને રિંગ રોડ-૨ એ ટોલ પ્લાઝાની અંદર આવતા શહેરી નાગરિકોને શહેરની અંદર એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવા માટે પણ ટોલ ચૂકવવાની ફરજ પડશે. નેશનલ હાઇવેના નામે શહેરની આંતરિક અવરજવર પર ટોલ લાદવો શહેરી નાગરિકો સાથે સીધો અન્યાય છે..
૫) ઉદ્યોગ, વેરહાઉસ અને ટ્રાન્સપોર્ટ હબ પર અસરઃ ભાવવધારો અને જનજીવન પર અસર માલિયાસણ વિસ્તાર આસપાસ મોટા પ્રમાણમાં વેરહાઉસ, ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ ગોડાઉન અને લોજાિસ્ટિક હબ આવેલાં છે. ટોલ પ્લાઝા શરૂ થતાં ટ્રાન્સપોર્ટ ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે, જેનો સીધો બોજ માલસામાનના ભાવમાં ઉમેરાશે. પરિણામે આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી બનશે અને સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડશે.
આ તમામ મુદ્દાઓ અંગે ગ્રામજનો, ટ્રાન્સપોર્ટરો, વેપારીઓ તથા ટુર-ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે કે માલિયાસણ નજીકના ટોલ પ્લાઝાના સ્થાન અંગે તાત્કાલિક પુનર્વિચાર કરવામાં આવે, શહેરી વિસ્તારને અસર ન થાય તેવું વૈકલ્પિક સ્થાન નક્કી કરવામાં આવે, ત્યાં સુધી ટોલ પ્લાઝાનું તમામ કામ તાત્કાલિક સ્થગિત કરવામાં આવે.
જો ઉપરોક્ત મુદ્દે યોગ્ય અને સમયસર નિરાકરણ નહીં કરવામાં આવે તો વિશાળ જનઆંદોલન તથા વિવિધ રચનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે અને આ ટોલ પ્લાઝાને શહેરી વિસ્તારમાં કોઈ કાળે ઊભું થવા દેવામાં નહીં આવે તેવી રજૂઆતમા ચીમકી ઉચ્ચારવામા આવી છે.
(3:53 PM IST)










