તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
શહેરમાં આરોગ્ય શાખાના ધાડેધાડાઃ ઠેર-ઠેર પાણીનું ટેસ્ટીંગ
મનપાના તમામ ૧૮ વોર્ડમાં ૩૭ ટીમો ઉતારાઇ

રાજકોટ, તા., ૭ : ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસ તથા ઇન્દૌરમાં દુષીત પાણીથી થયેલ મોતના મામલે રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ વોર્ડના વિવિધ વિસ્તારોમાં વિતરીત થતા પાણીના ટેસ્ટીંગ માટે આરોગ્ય શાખાના ધાડેધાડા ઉતારી દઇ ઠેર-ઠેર ચકાસણી કરવામાં આવી હતી.
આ કાર્યવાહી હેઠળ શહેરના ૧૮ વોર્ડમાં કુલ ૩૭ ટીમો દ્વારા પાણીની ગુણવતા ચકાસવામાં આવી હતી. જેમાં ૩પ૮ RC ટેસ્ટ કરવામાં આવેલ. જેમાં તમામનું રિઝલ્ટ પોઝીટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ એક પણ જગ્યાએ દુષીત પાણી ન હોવાનું સામે આવ્યું છે.
મનપાની સતાવાર યાદી મુજબ શહેરની જાહેર જનતાના આરોગ્ય હિતાર્થે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીજન્ય રોગ અટકાયતી પગલાંઓ, સર્વેલન્સ અને રોગ નિયંત્રણ કામગીરી કરવામાં આવે છે. જાહેર જનતાને સલામત પાણી અને સ્વચ્છ વાતાવરણ પુરૂ પાડવા તથા રોગચાળા અટકાયતી કામગીરી કરવા સારૂ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ, તમામ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરો તથા વોટર મેનેજમેન્ટ યુનિટના એન્જીનીયર, કેમીસ્ટ તથા અન્ય સ્ટાફ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ.
જેમાં પીવાના પાણીને લગત રોગો, કલોરીનેશનની ગુણવત્તા, જાહેર જનતાને વધુ આરોગ્યસભર સુવિધાઓ કઈ રીતે પૂરી પાડવી તેમજ રોગચાળો ફેલાતો કઈ રીતે અટકાવવો વગેરે બાબતે ચર્ચા કરવામાં આવેલ તેમજ રાજકોટ શહેરના તમામ વોડમાં આવેલ જુદા જુદા વિસ્તારોમાં પાણી આવવાના સમયે ઘરની મુલાકાત લઈ પીવાના પાણીના રેસીડયુઅલ કલોરીન ટેસ્ટીંગ ડ્રાઈવનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ. જે અંતર્ગત તા.૦૬/૦૧/૨૦૨૬ના રોજ તમામ વોર્ડમાં પીવાના પાણીની ગુણવત્તા તથા કલોરીનેશનની ગુણવત્તા ચકાસણી અર્થે સેમ્પલીંગની કાર્યવાહી કરવામાં આવેલ છે જેની વિગત નીચે મુજબ છે.
(4:13 PM IST)










