<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

જે મતદારોએ મેપીંગ કરાવ્‍યું છે તેમને શું કામ નોટીસ અપાય છે : બીએલઓને હિયરીંગ પ્રક્રિયામાંથી બાકાત રાખો

શહેરની ૪ વિધાનસભાના ૬૦૦ બીએલઓ ઉકળી ઉઠયાઃ દરેક અધિકારી જુદી જુદી સુચના આપે છે !! મતદારોના રોષનો ભોગ બનવુ પડે છેઃ એક સમાન સુચનાઓ આપવા માંગણી

રાજકોટ, તા.,૭ :  મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટરને આવેદન પત્ર પાઠવીને BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી  મુશ્‍કેલીઓ અંગે ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.

શિક્ષક સંઘના જણાવ્‍યા અનુસાર, હાલમાં રાજકોટની ૬૮, ૬૯, ૭૦, અને ૭૧ વિધાનસભા બેઠકોમાં અંદાજે ૬૦૦ જેટલા શિક્ષકો BLO તરીકે શિક્ષણ કાર્ય ઉપરાંતની આ કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. જોકે, જુદી-જુદી વિધાનસભામાં અલગ-અલગ અને વિરોધાભાસી સૂચનાઓને કારણે શિક્ષકોમાં ભારે રોષ અને મુંઝવણ જોવા મળી રહી છે.

શિક્ષક મંડળની મુખ્‍ય રજૂઆત એ છે કે તમામ વિધાનસભા વિસ્‍તારોમાં કામગીરી માટે એકસમાન સૂચનાઓ હોવી જોઈએ. હાલની સ્‍થિતિમાં એક વિધાનસભામાં દસ્‍તાવેજો જમા થઈ ગયા હોય તેમને નોટિસ આપવાની જરૂર નથી, જ્‍યારે બીજી વિધાનસભાઓમાં ફરજિયાત નોટિસ આપી હાજર રાખવાની સૂચના અપાઈ છે.ડેટા અપલોડ કરવાની પ્રક્રિયામાં પણ તફાવત છે. કયાંક માત્ર અભિપ્રાય આપવાનો હોય છે, તો કયાંક વાલીઓના દસ્‍તાવેજો ફરજિયાત અપલોડ કરવાના નિયમો લાદવામાં આવ્‍યા છે.વધુમાં, નોટિસની તારીખ મોડી હોવા છતાં કામગીરી એક જ દિવસમાં પૂર્ણ કરવા દબાણ કરવામાં આવે છે, જ્‍યારે અમુક વિસ્‍તારોમાં તો હજુ પૂરતું સાહિત્‍ય પણ પહોંચ્‍યું નથી. 

શિક્ષકોની મુખ્‍ય માંગણી છે કે  મતદારો એકવાર દસ્‍તાવેજો આપી ચૂકયા હોવાથી, ફરીથી BLO દ્વારા દસ્‍તાવેજોની માંગણી કરવામાં આવે ત્‍યારે તેમણે મતદારોના રોષનો ભોગ બનવું પડે છે. આથી BLOને હિયરિંગ પ્રક્રિયામાંથી બાકાત રાખવાની માંગ કરવામાં આવી છે. ઉપલી કચેરી દ્વારા પડતી મુશ્‍કેલીઓ નિવારવા કોઈ મીટિંગ કે માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું નથી, જે તાત્‍કાલિક શરૂ કરવું જોઈએ. 

અન્‍ય વિભાગના કર્મચારીઓને પણ આ કામગીરીમાં સમાન રીતે સામેલ કરવામાં આવે, જેથી શિક્ષણ કાર્યમાં આવતી મુશ્‍કેલીઓ નિવારી શકાય અને વધુ સમયથી કામ કરતા શિક્ષકોને મુક્‍તિ મળે તેમ આવેદનમાં માંગણી કરાઇ હતી.

(4:39 PM IST)