<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

દાણાપીઠમાં બુકાનીધારી ત્રાટક્‍યાઃ બે દૂકાનમાંથી તેલ, ઘી, ગોળ, ખજૂર, રોકડ ચોરીઃ ચોર સકંજામાં: જુઓ વિડિયો

સીસીટીવીમાં ચોર કેદ થયાઃ નિમેષભાઇ કોટકની દુકાનમાંથી ૬૦,૮૦૦ની રવિભાઇ કોટકની દુકાનમાંથી ૨૮,૨૦૦ની માલમત્તાની ચોરીઃ એ-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરીઃ બે શકમંદ ભાવનગર એલસીબીના હાથે ઝડપાતાં રાજકોટની ચોરી કબુલી

રાજકોટ તા. ૬: શહેરની દાણાપીઠમાં વધુ એક વખત તસ્‍કરોએ પગલા પાડયા છે.  જેમાં બે દુકાનને બે  બુકાનીધારી તસ્‍કરોએ નિશાન બનાવી છે. દાણાપીઠ સ્‍વામિનારાયણ શેરીમાં આવેલી જલારામ ટ્રેડર્સ નામની દુકાનના તાળા તોડી તસ્‍કરો ગોળ, ખજુર, રોકડની ચોરી કરી ગયા છે. જ્‍યારે નવાબ મસ્‍જીદની બાજુમાં આવેલી નિમેષ ટ્રેડર્સ નામની અનાજ કરીયાણાની દુકાનમાંથી પણ તસ્‍કરો શટર ઉંચકાવી કપાસીયા તેલના ડબ્‍બા, સીંગતેલના ડબ્‍બા, તેલના પાઉચ, ઘી તેમજ રોકડ ચોરી ગયા છે. બંને દુકાનમાં મળી રૂા. ૮૯૦૦૦ની ચોરી થતાં એ-ડિવીઝન પોલીસે અલગ અલગ ગુના દાખલ કરી તપાસ શરૂ કરી છે. દરમિયાન ભાવનગર એલસીબીએ બે શકમંદને દબોચતા ભેદ ખુલવાની આશા છે.

જાણવા મળ્‍યા મુજબ જંકશન પ્‍લોટ કો-ઓપરેટીવ સોસાયટી શેરી નં. ૪ પોપટપરા નાલા સામે રહેતાં નિમેષભાઈ રાજેન્‍દ્રભાઈ કોટક (ઉ.વ.૫૦) નામના વેપારીની દાણાપીઠમાં નવાબ મસ્‍જીદ સામે આવેલી નિમેષ ટ્રેડર્સ નામની દુકાનમાં  તસ્‍કરો દુકાનનું તાળું તોડી શટર ઉંચકી અંદર ઘુસી ગયા હતાં અને ચોરી કરી ગયા હતાં. નિમેષભાઇએ સવારે દુકાન ખોલતા માલસામાન વેરવિખેર હાલતમાં હતો. તપાસ કરતા જાણવા મળ્‍યું હતું કે દુકાનમાંથી રાણી, ધારા અને અમળત કંપનીના સીંગતેલ, કપાસીયા તેલના ૭ ડબ્‍બા, ૨૪ નંગ પાઉચ, ઘીના ૧૬ ડબ્‍બા અને ગલ્લામાં રાખેલા રૂા. ૩૭,૦૦૦ રોકડા મળી કુલ રૂા. ૬૦,૮૦૦ ની મત્તા ચોરાઈ ગયાની ખબર પડી હતી. ચોરીનો આ બનાવ તા.૨ના રાતના નવથી તા. ૨ના સવાર સુધીમાં બન્‍યો હતો.

જ્‍યારે બીજા બનાવમાં દાણાપીઠ સ્‍વામીનારાયણ શેરીમાં આવેલી સાધુ વાસવાણી રોડ અજંતા પાર્ક-૩ના રહેવાસી લોહાણા વેપારી રવિભાઇ હર્ષદભાઈ કોટક (ઉ.વ.૩૪)ની જલારામ ટ્રેડર્સ નામની દુકાનને તસ્‍કરોએ નિશાન બનાવી હતી. રવિભાઇ તા. ૦૩/૦૧/૨૦૨૬ના રોજ રાત્રે દુકાન બંધ કરીને ગયા હતા, ત્‍યારબાદ રવિવારની રજા હોવાથી તેઓ સોમવારે સવારે દુકાને આવ્‍યા ત્‍યારે ચોરી થયાની ખબર પડી હતી. અહીં પણ તસ્‍કરોએ શટરનું તાળું તોડી અંદરથી સંતકળપા ગોળના ૧૭ કાર્ટૂન રૂા. ૧૬,૮૩૦ના, ૧૦ કિલો છૂટક ખજૂર કિંમત રૂા. ૧,૫૦૦, વેપારની રોકડ રકમ રૂા. ૯,૮૭૦ એમ કુલ ૨૮,૨૦૦ ના મુદ્દામાલની ચોરી કરી હતી.

તસ્‍કરો તાળા તોડીને સાથે લઇ ગયા હતાં. શટરમાં નકુચા લટકતા જોવા મળ્‍યા હતાં. સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્રણ બુકાની બાંધેલા તસ્‍કરો રાત્રે ચોરી કરી ગયાનું જણાયું હતું. તસ્‍કરો રિક્ષામાં ભાગ્‍યા હોવાની માહિતી મળતાં તેના આધારે પણ તપાસ થઇ રહી છે. પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં હેડકોન્‍સ. કે. આર. જોળીયા અને વાય. એમ. ગોહિલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. અગાઉ પણ બજારમાં આ રીતે તસ્‍કરો હાથફેરો કરી ચુક્‍યા છે. અગાઉ લાગલગાટ આઠથી વધુ દુકાનોમાં ચોરી અને ચોરીનો પ્રયાસ થયો હતો. ત્‍યાં વધુ બે દુકાનમાં ચોરી થતાં વેપારીઓએ તસ્‍કરોને તાકીદે પકડી લેવાની માંગણી કરી હતી. દરમિયાન બે શકમંદ તસ્‍કરને ભાવનગર એલસીબી પોલીસે સકંજામાં લેતાં તેણે રાજકોટ દાણાપીઠમાં પણ ચોરી કર્યાનું રટણ કરતાં વિશેષ પુછતાછ થઇ રહી છે. 

(2:55 PM IST)