News of Thursday, 8th January 2026
એક-બે દિવસ માટે જરૂર છે કહી પુત્ર પાસેથી કાર લઇ જઇ પિતાએ કહ્યું-હવે નથી દેવી થાય તે કરી લે!
નાના મવા શાષાીનગર પાસે રહેતાં વિરાજ મહેતાની ફરિયાદ પરથી અલગ રહેતાં તેના પિતા વિપુલભાઇ મહેતા વિરૂધ્ધ તાલુકા પોલીસે ૬.૪૧ લાખની કાર લઇ જઇ વિશ્વાસઘાત કર્યાનો ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૮: નાના મવા રોડ પર રહેતાં ઇન્વેસ્ટમેન્ટનો વેપાર કરતાં યુવાન પાસેથી તેના પિતા એક-બે દિવસ જરૂર છે કહીને ૬.૪૧ લાખની કાર લઇ ગયા બાદ આ કાર પોતે વેંચીને પૈસા આપી દેશે તેવું કહ્યા પછી ‘મારે તારી પાસે પૈસા લેવાના બાકી જ છે, તને હવે કાર પાછી આપવાની થતી નથી, તારે જે કરવું હોય એ કરી લે' તેમ કહી દેતાં યુવાને પિતા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
આ બનાવમાં તાલુકા પોલીસે નાના મવા શાષાીનગર પાસે સ્વસ્તિક-૧ એપાર્ટમેન્ટમાં રહેતાં વેપારી યુવાન વિરાજભાઇ વિપુલભાઇ મહેતા (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી તેના જ પિતા રૈયા રોડ ગ્રીનસીટી પાસે શ્રીહરિ એપાર્ટમેન્ટમાં રહેતાં વિપુલભાઇ બકુલભાઇ મહેતા વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે. વિરાજભાઇ તેમના દાદા-દાદી સાથે રહે છે અને વીર ઇન્વેસ્ટમેન્ટ નામે વ્યવસાય કરે છે. ગત તા. ૨૦/૦૬ના રોજ બપોરના સમયે તેમના પિતા વિપુલભાઈ બકુલભાઈ મહેતા ઘરે આવ્યા હતા. તેમણે જરૂરીયાત હોવાનું કહી વિરાજભાઈના નામની વોક્સવેગન પોલો કાર નંબર જીજે૧૦ડીઇ- ૮૮૫૦ એક-બે દિવસ માટે માંગી હતી. કાર લઈ ગયા બાદ પિતાએ પુત્રને ફોન પર જણાવ્યું હતું કે તારી પાસે ઘણા લોકો પૈસા માંગે છે, કોઈ તારી કાર લઈ જશે તેના કરતા કાર મારી પાસે ભલે રહી, હું તેને વેચીને તારા પૈસા તને પરત આપી દઈશ.ૅ
જે તે વખતે વિરાજભાઇએ પિતા પર વિશ્વાસ મુકયો હતો. પરંતુ લાંબો સમય વીતવા છતાં પિતાએ કાર વેચી ન હતી. જ્યારે વિરાજભાઈએ પોતાની કાર પરત માંગી ત્યારે પિતાએ તેને-હવે કાર હું મારી રીતે વેચીશ અને તને એક પણ રૂપિયો આપવાનો નથી, તારે જે કરવું હોય તે કરી લે તેમ કહી દીધુ હતું. વિરાજભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર તેમણે ડિસેમ્બર ૨૦૨૪માં રૂ. ૬,૪૧,૦૦૦ માં ખરીદી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે મારા મમ્મી સાથે પિતાએ છુટાછેડા લઇ બીજા મેરેજ કાર્ય છે. પણ નવા મમ્મી સાથે મારે બનતું ન હોઇ થોડો સમય હું અલગ અમદાવાદ રહ્યા બાદ હાલ દાદી-દાદી સાથે રહુ છું. મને દર મહિને મારા પિતા છથી આઠ હજાર રૂપિયા આપતાં હતાં. પણ એકાદ વર્ષથી પૈસા આપવાનું બંધ કરી દીધુ હતું. પિતા સાથે છેલ્લા એકાદ વર્ષથી નાણાકીય બાબતે અણબનાવ હોવાથી પોતે ઇન્વેસ્ટમેન્ટનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. ફરિયાદ પરથી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્સ. ભોજભાઇ મોભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(4:38 PM IST)










