<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ભારતીય પરંપરા અને સંશોધનથી ઉદ્‌ભવેલી ‘પદ્મભૂષણ' પંડિત વિશ્વમોહનજીની મોહન વીણાએ શ્રોતાઓને કર્યા સંમોહીતઃ ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત મિટીંગ ય ધ રીવર ધૂન સંભળાવી શ્રોતાઓને ધન્‍ય કર્યા

ડો.ભાવિક માંકડની ગાયકી એ સંગીતરસિકોને રાગરસના સુક્ષ્મ રંગોમાં ભીંજવ્‍યા

રાજકોટઃ સપ્તસંગીતિના છઠ્ઠા દિવસે ભારતીય શાસ્‍ત્રીય વીણાના તત્ત્વો અને ગિટારની અભિવ્‍યક્‍તિનું સુમેળભર્યું સંયોજન ધરાવતી પંડિત વિશ્વમોહન ભટ્ટની મોહન વીણામાંથી નીકળતા સુરોમાં પરંપરાની ગંભીરતા સાથે સંશોધનનો નવીન સ્‍પર્શ અનુભવાયો.  જ્‍યારે બીજી તરફ રાજકોટના કલાકાર ડો. ભાવિક માંકડના શાષીય ગાયનને શ્રોતાઓની વાહવાહી પ્રાપ્ત થઈ હતી. પરંપરા, અભ્‍યાસ અને કલાત્‍મક સંવેદનાના આ બે અલગ છતાં એકસૂત્રે બંધાયેલા કાર્યક્રમોએ સંગીતરસિકોને અવિસ્‍મરણીય સંગીતાનુભૂતિ આપી હતી. કાર્યક્રમની શરુઆત છઠ્ઠા દિવસના પેટ્રન ઓરબિટ બેરિગ્‍સ ઇન્‍ડિયા પ્રા. લિ. ના  વિનેશભાઈ પટેલ અને પરિવારના હસ્‍તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રથમ ચરણની શરુઆત ડો. ભાવિક માંકડે પ્રથમ રાગ કામોદમાં વિલંબિત ઝુમરા તાલમાં માતી માલનીયા બંદીશ રજૂ કરી હતી, જ્‍યારે દ્રુત એકતાલમાં લાગી રે મોરી નઇ લગન ખુબ સુંદર રીતે પ્રસ્‍તુત કરી હતી. બીજી પેશકશમાં રાગ પરજ કાલિગડા માં મધ્‍યલય તીનતાલમાં બાલમ હે પ્રસ્‍તુત કરી હતી જે શ્રોતાઓ એ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. તેમની ગાયકીમાં પરંપરાગત તાલીમ, શાષીય શિસ્‍ત અને ભાવસભર અભિવ્‍યક્‍તિનું સુમેળ સ્‍પષ્ટપણે ઝલકતું હતું. તેમની રજૂઆતમાં રાગના આલાપથી લઈને વિસ્‍તૃત બંદિશ અને તાનના સંયમિત પ્રયોગથી તેમની એક પરિપક્‍વ કલાકારની ઓળખ અનુભવી શકાતી હતી. તેમની સાથે તબલામાં આકાશ ત્રિવેદીનું વાદન ગાયનને મજબૂત આધાર પૂરો પાડયો હતો. તાલની સ્‍પષ્ટતા, સૂક્ષ્મ બોલોની રચના અને સંવેદનશીલ સંગતે સમગ્ર પ્રસ્‍તુતિને ગતિ આપી હતી. હાર્મોનિયમ પર અકુલ પાંચાલની સંગત ગાયન સાથે સહજ રીતે વણાયેલી હતી. આ સમગ્ર પ્રસ્‍તુતિ રાજકોટની માટીમાં પાંગરેલા પ્રતિભાશાળી કલાકારનો શાષીય સંગીતપ્રત્‍યેનો સમર્પણભાવ દર્શાવતી હતી.

બીજા ચરણમાં વિશ્વ મોહન ભટ્ટ જેવા વિરલ સંગીત સાધકની મોહન વીણા સાથેનું સંગીત સ્‍વયંમાં જ એક ઐતિહાસિક અનુભૂતિ બની રહે છે. આ સંગીત સંધ્‍યાની શરૂઆત પંડિતજીના પ્રિય રાગ શ્‍યામ કલ્‍યાણ આલાપ - જોડ -જાલા સાથે વિલંબત તાલ તીનતાલમાં થઈ હતી. તેમની પ્રસ્‍તુતિમાં એક જ સ્‍ટ્રોક માં મંદ્ર, મધ્‍ય અને તાર એમ ત્રણેય સપ્તક ના સૂરોને વણીને અનોખી અને નાવીન્‍યસભર પ્રસ્‍તુતિ કરી હતી. જ્‍યાં મોહન વીણાના ઘન, ગંભીર અને ઝંકારભર્યો નાદ શ્રોતાઓને રાગમય લોકની અનુભુતી કરાવતો હતો. અલાપમાં વિશ્વ મોહન ભટ્ટજી રાગની આત્‍માને અત્‍યંત સૂક્ષ્મતા અને ઊંડાણ સાથે પ્રગટ કરતું હતું. મીંડ, ગમક અને ઝાલાની સુમેળભરેલી અભિવ્‍યક્‍તિ દ્વારા મોહન વીણાનો સ્‍વર ક્‍યારેક સિતાર જેવી ચમક આપતી  તો ક્‍યારેક સરોદ જેવી ગંભીરતા શ્રુતીમાન થતી હતી. મધ્‍યલયમાં પ્રવેશતા જ તાલની ગતિને નવી દિશા મળે છે. અહીં પં. અભિષેક મિશ્રાનું તબલા વાદન તબલાની બોલબંધી, સ્‍પષ્ટ લયકારી અને સંવેદનશીલ સંગત મોહન વીણાના સ્‍વરો સાથે સંવાદ સ્‍થાપે છે. દ્રુત લયમાં ઝાલા અને તબલાની તેજ લયથી શ્રોતાઓ રોમાંચિત થયા હતા. પંડિતજીની પાઠશાળામાં શ્રોતાગણ બન્‍યો વિદ્યાર્થીગણ, પંડિતજીએ ગુરુ બની શ્રોતાઓને સરગમ અને ગવડાવી અને પ્રશંસા કરતા કહ્યું કે આજ સુધી મેં આટલું સુરીલું ઓડિયન્‍સ ક્‍યાંય નથી સાંભળ્‍યું.

 ત્‍યારબાદ ફરમાઈશ ઉપર રાગ બસંત ઉપર આધારીત ફગવા બ્રીજ દેખન બંદીશ મોહન વિણામાં કોયલની કુહ સાથે સંભળાવી. જે ધૂનની રચના થકી પંડિતજીને ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત થયો છે તે મિટીંગ બાય ધ રીવર ધૂન સંભળાવી સૌને અભિભૂત કરી દીધા હતા. સભાના અંતે રાગ દેશમાં વંદે માતરમ અને સભાનું સમાપન મોહન વિણાના તાર ઉપર રાષ્ટ્રગીત પરોવીને કર્યું હતું. અત્રે ઉલ્‍લેખનિય છે કે પં. વિશ્વ મોહન ભટ્ટને તેમના આ અભૂતપૂર્વ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મ ભૂષણ જેવા સન્‍માનો એનાયત કરવામાં આવ્‍યા છે જ્‍યારે વૈશ્વિક ફલક ઉપર તેમને ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્‍યો જે ભારત માટે યશકલગી સમાન છે. આ કાર્યક્રમ માત્ર એક સંગીત પ્રસ્‍તુતિ નહીં, પરંતુ ભારતીય શાષીય સંગીતની સર્જનાત્‍મક શક્‍તિ, નવીનતા અને વૈશ્વિક માન્‍યતાનું જીવંત ઉદાહરણ બની રહ્યું હતું.

સપ્તસંગીતિના મંચ ઉપર શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્‍સ હાઈસ્‍કૂલની બાળાઓએ કથ્‍થક નૃત્‍ય પ્રસ્‍તુત કર્યું: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્‍સ હાઈસ્‍કૂલ ખાતે નિઓરાજકોટ ફાઉન્‍ડેશન દ્વારા સંચાલિત નિઃશુલ્‍ક સંગીત વર્ગો હેઠળ કથ્‍થકની તાલીમ લઈ રહેલ આઠ વિદ્યાર્થીનીઓ દ્વારા સપ્ત સંગીતિ ૨૦૨૬ માં ઙ્કજય જય જગ જનની દેવીઙ્ઘ સ્‍તુતિ પર કથ્‍થક નૃત્‍ય ની રજૂઆત કરવામાં આવી હતી. તેમની સુંદર પ્રસ્‍તુતિ ને બિરદાવવા તમામ બાળાઓને સપ્ત સંગીતિ પરિવાર દ્વારા મહાનુભાવોના હસ્‍તે શુભેચ્‍છા પુરસ્‍કાર આપીને પ્રોત્‍સાહિત કરવામાં આવી હતી.

સપ્તસંગીતિ દિવસઃ આજે અને કાલના કલાકારોનો પરિચય

રાજકોટઃ સેશન ૦૧: યશવંત વૈષ્‍ણવ (તબલા સોલો પ્રસ્‍તુતી): યશવંત વૈષ્‍ણવ યુવા પેઢીમાં આજના સમયમાં ખૂબ પ્રચલિત અને લોકપ્રિય વાદકોમાંના એક  કલાકાર છે.  તેઓ પંડિત યોગેશ શમશીજીના વરિષ્ઠ શિષ્‍ય છે.  તેમણે પંડિત મુકુંદ ભાલેજી પાસે પણ તબલા ની તાલીમ લીધી છે. તેમણે પંડિત અજય ચક્રવર્તીજી,  સુશ્રી. કૌશિકી ચક્રવર્તીજી જેવા અનેક ગુણી કલાકારો સાથે તબલા સંગત કરી છે. આ ઉપરાંત અનેક વાદ્ય કલાકારો સાથે પણ તબલા સંગત કરી છે. તેઓ સ્‍વતંત્ર તબલા વાદનના અનેક કાર્યક્રમો દેશ વિદેશમાં આપી રહ્યા છે. કલ્‍પતરુ ઠાકરે (હાર્મોનિયમ) કલ્‍પતરુ ઠાકરે કોબીઓ અભી ના કલાકાર છે. તેઓ હાલમાં શ્રી મિલિદ કુલકર્ણી પાસે તાલીમ લઈ રહ્યા છે. તેમજ અનેક સંમેલનમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી છે.

સેશન ૦૨: સુ.શ્રી. કૌશિકી ચક્રબર્તી (ગાયન) પટિયાલા ઘરાનાની સુ.શ્રિ.કૌશિકી ચક્રવર્તી એ આજના સમયની ખુબ જ પ્રખ્‍યાત શાસ્‍ત્રીય કંઠય સંગીત ની દુનિયામાં નામના ધરાવતુ વ્‍યક્‍તિત્‍વ છે. તેઓ શાષીય સંગીતમાં મુઠી ઉંચેરુ સ્‍થાન ધરાવતા શ્રી અજય ચક્રવર્તેના પુત્રી છે. સુ.શ્રિ.કૌશિકી એ પતિયાલા ઘરાનામાં તાલિમ પામેલા અને ખયાલ તથા ઠુમરી ગાયકી માં સારુ પ્રભુત્‍વ ધરાવે છે. તેમનુ ઘડતર જ સંગીત રિસર્ચ એકેડમીમાં થયુ કે જ્‍યા તેમના પિતા એક શિક્ષક હતા. કૌશિકીજીને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્‍કારો દ્વારા સન્‍માન પ્રાપ્ત થયેલ છે. જેમાં બીબીસી અવોર્ડ, ઉસ્‍તાદ બિસ્‍મીલા ખાન એવોર્ડ તથા આદિત્‍યા કલાકિરણ જેવા અનેક પુરસ્‍કારો સામેલ છે. કૌશિકી ચક્રવર્તી તેમની પેઢીના સૌથી પ્રભાવશાળી ગાયિકાઓમાંના એક છે અને આજે ભારતીય શાસ્‍ત્રીય સંગીતમાં એક વ્‍યાખ્‍યાયિત શક્‍તિ છે. તેમણે વિશ્વભરમાં ભારતીય સંગીતનો પ્રચાર અને પ્રસાર કર્યો છે અને અઢળક પ્રશંસા અને નામના પ્રાપ્ત કરી છે. ઉસ્‍તાદ મુરાદ અલી ખાન (સારંગી) ભારત દેશના મુર્ધન્‍ય સારંગી વાદક તરીકે ઉસ્‍તાદ મુરાદ અલી ખાન સાહેબ નામના ધરાવે છે. તેમણે ગીરજાદેવી, રાસીદ ખાન સાહેબ, અજય ચક્રવર્તીજી, કૌશિકી ચક્રવર્તી અને આવનારી પેઢી ના યુવા કલાકારો  સાથે સારંગી વાદન માં સંગત કરી તેઓને પ્રેરિત કરી રહ્યા છે. સારંગી વાદન ના સ્‍વતંત્ર કાર્યક્રમો પણ આપ્‍યા છે અને દેશ વિદેશમાં ભારતીય સાથે સંગીતનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. યશવંત વૈષ્‍ણવ (તબલા) યશવંત વૈષ્‍ણવ યુવા પેઢીમાં આજના સમયમાં ખૂબ પ્રચલિત અને લોકપ્રિય વાદકોમાંના એક  કલાકાર છે.  તેઓ પંડિત યોગેશ શમશીજીના વરિષ્ઠ શિષ્‍ય છે.  તેમણે પંડિત મુકુંદ ભાલેજી પાસે પણ તબલા ની તાલીમ લીધી છે. તેમણે પંડિત અજય ચક્રવર્તીજી,  સુશ્રી. કૌશિકી ચક્રવર્તીજી જેવા અનેક ગુણી કલાકારો સાથે તબલા સંગત કરી છે. મિલીંદ કુલકર્ણી (હાર્મોનિયમ) મિલીંદ કુલકર્ણી યુવા હાર્મોનિયમવાદક છે. તેઓ અનેક કલાકારો સાથે હાર્મોનિયમ સંગત કરી ચૂક્‍યા છે અને સોલો પરફોર્મન્‍સ પણ આપી રહ્યા છે.

(3:10 PM IST)