News of Thursday, 8th January 2026
વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ સંદર્ભે રાજકોટ શહેરના તમામ વિસ્તારો ‘નો ડ્રોન ફલાય ઝોન' જાહેર કરાયા

રાજકોટ તા. ૮: શહેર ખાતે આગામી તા. ૧૧ અને ૧૨ના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ સમિટ-૨૦૨૬ યોજાનાર છે. જે સંદર્ભે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય-રાજ્યના મંત્રીઓ, વિશ્વ-રાજ્યના ટોચના ઉદ્યોગપતિઓ, દેશ-વિદેશની કંપનીઓના સી.ઇ.ઓ. રાજકોટ શહેરમાં પધારશે અને રાત્રી રોકાણ કરશે. આ સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદી અને અસામાજિક તત્વો, માનવરહિત રીમોટ સંચાલીત વિમાન જેવા સાધનો, માનવ સંચાલિત નાના કદના વિમાન જેવા સંસાધનો અથવા એરો-સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણોના ગેરલાભ લઈ મહાનુભાવો, જાહેર જનતા તેમજ કાયદો અને વ્યવસ્થાને હાનિ પહોંચાડે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.
આ કારણે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ રાજકોટ શહેરના તમામ વિસ્તારોને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યા છે. જેમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરડાફટ, હેંગ ગ્લાઇડર/પેરાગ્લાઇડર, પેરા મોટર, હોટ એર બલુન, પેરા જમ્પીંગ ચલાવવાની/કરવાની મનાઇ ફરમાવી છે. પોલીસ વિભાગ, સુરક્ષા બળો અને રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનને ઉપરોક્ત સંસાધનોના ઉપયોગ કરવા માટે મુક્તિ આપવામાં આવી છે. આ હુકમ પોલીસ કમિશનરેટ એરીાયમાં તા. ૯/થી ૧૨/૧ સુધી રાત્રીના ૧૨ સુધી અમલમાં રહેશે. ભંગ કરનારા સામે કાર્યવાહી થશે.
(3:21 PM IST)










