News of Thursday, 8th January 2026
રાજકોટનો સૌ પ્રથમ આજી ફિલ્ટર પ્લાન્ટ અદ્યતન બનશે : કેપેસીટી પણ વધશે
વર્ષ ૧૯પ૮માં નિર્મિત પ્લાન્ટ જર્જરીત બનતા નિર્ણય સેન્ટ્રલ ઝોનના વિવિધ વિસ્તારોમાં પાણીનો ફોર્સ વધશે અને વધુ ચોખ્ખા પાણીનું વિતરણ થશે

રાજકોટ, તા., ૮ : શહેરમાં પીવાના પાણીની જરૂરીયાત સામે વર્ષ ૧૯પ૮માં નિર્મિત આજી ખાતેનો પ્રથમ ફિલ્ટર પ્લાન્ટ હાલ જર્જરીત અને ઓછી ક્ષમતા ધરાવતો હોવાથી તેના સ્થાને ૭પ એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે રૂા. પ૯ કરોડના ખર્ચની દરખાસ્ત આજે સ્ટેન્ડીંગ સમીતીમાં મંજુર કરવામાં આવેલ છે.
આ કામ માટે ૪ એજન્સીઓએ રસ દાખવ્યો હતો. જેમાંથી એલ-૧ એજન્સીએ ૬.૦૯ ટકા વધુ ભાવ આપેલ. જો કે તંત્રએ વાટાઘાટો કરતા એજન્સીએ ૩.૦૯ ટકા વધુ ભાવથી કામ કરવાની સહમતી આપતા રૂા. ૬૦ કરોડના ખર્ચે આજી ડેમનો પ્રથમ ફિલ્ટર પ્લાન્ટ અદ્યતન બનશે. જેથી લોકોને પુરા ફોર્સથી પુરતુ પાણી મળી રહેશે.
હાલમાં આજી હેડ વર્કસ ખાતે ફિલ્ટર પ્લાન્ટ-૧, નું નિર્માણ ઈ.સ. ૧૯૫૮ માં થયેલ હોય જેની કેપેસિટી ૨૭.૨૭MLD તથા ફિલ્ટર પ્લાન્ટ-૨ નું નિર્માણ ઈ.સ ૧૯૮૪ માં થયેલ હોય જેની કેપેસિટી ૧૧.૩૫ MLD હોય તેમજ ફિલ્ટર પ્લાન્ટ-૩ નું નિર્માણ ઈ.સ ૨૦૦૪ માં થયેલ જેની કેપીસિટી ૬૫.૪૫ MLD છે.હાલમાં રાજકોટ શહેરમાં પાણીની જરૂરિયાત તથા હયાત ફિલ્ટર પ્લાન્ટ -૧ ખુબ જ જુનો તથા જર્જરિત હોય તેમજ આજી હેડ વર્કસ ખાતે રો-વોટર ફિલ્ટર કરવા માટે ફિલ્ટર પ્લાન્ટ ની કેપેસિટી વધારવાની જરૂરિયાત હોય, આજી હેડ વર્કસ ખાતે નવો ૭૫ MLD ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે GST સહિત કુલ રૂા.૫૯,૦૩,૦૦,૦૦૦.૦૦/-અંદાજપત્ર મંજુર કરવામાં આવેલ છે. આ કામે મહત્વના ભાગો જેવા કે WTP ના તમામ સ્ટ્રક્ચર યુનિટ તથા અન્ય સીવીલ, મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન, સ્કાડા તથા સ્ટાફ ક્વાટર, ઓફીસ બિલ્ડીંગ અને એરિયા ડેવલપિંગ સાથે તેનાં ૫ (પાંચ) વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથેનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કામે GST સિવાયની રકમ રૂા. ૫૦,૩૩,૨૭,૧૩૩/- માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ.
(4:27 PM IST)










