News of Friday, 9th January 2026
૧ર જાન્યુ. : સોમવારે સ્વામી વિવેકાનંદની ૧૬૩મી જન્મજયંતિ

સ્વામી વિવેકાનંદનો જન્મ ૧ર જાન્યુઆરી, ૧૮૬૩ ના રોજ કલકત્તા ખાતે સિમલાપાલ્લીમાં થયો હતો. સ્વામી વિવેકાનંદનું બચપનનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. શ્રીરામ કૃષ્ણ પરમહંસ તેમના ગુરૂ હતા. તેમના ગુરૂ શ્રીરામકૃષ્ણ પરમહંસ એવું દ્રઢપણે માનતા કે, બધા ધર્મ એક જ છે. જીવ જ શિવ છે અને માનવસેવા એજ સાચી પ્રભુ સેવા છે.
સ્વામી વિવેકાનંદ ૧૮૭૧માં ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા હતા અને ૧૮૭૯માં પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. સ્વામી વિવેકાનંદ વિજ્ઞાન, ઇતિહાસ જેવા અનેક વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા. તેમણે વેદ, ઉપનિષદ, ભગવદ્દ ગીતા, રામચરણ અને અન્ય પુરાણોનો ઉંડો અભ્યાસ કર્યો હતો. તેમણે યોગ અને ધ્યાનનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ કલાકો સુધી ધ્યાનમાં બેસતા હતા. સ્વામી વિવેકાનંદે ૧૮૯૩ ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્વામી વિવેકાનંદે હિન્દુ ધર્મનો અને યોગનો પ્રચાર-પ્રસાર કરવામાં સિંહફાળો આપ્યો હતો. સને ૧૮૯૭ માં તેમણે રામકૃષ્ણમઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.
‘‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો.'' એ તેમનો ખૂબજ લોકપ્રિય સુવિચાર હતો. તેઓ મનની અપાર શકિત અને લક્ષનિર્ધારણ પર ખૂબ જ ભાર આપતા અને આત્મવિશ્વાસ જીવન માટે અનિવાર્ય હોવનું દ્રઢપણે માનતા. તેઓ કહેતા કે, જેમને પોતાના પર વિશ્વાસ ન હોય તો તે નાસ્તિક છે. યુવાન દ્રઢ સંકલ્પ કરે તો તેમના માટે કંઇપણ અશક્ય નથી. સંગઠનની શકિત શ્રેષ્ઠ શકિત છે. સ્વામી વિવેકાનંદના વિચારો અને કાર્યો અનેક વિદ્વાનો દ્વારા પ્રશંસા પામ્યા છે. ૪ જુલાઇ ૧૯૦ર ના રોજ માત્ર ૩૯ વરસ જેવી નાની ઉંમરમાં તેમનું અવસાન થયું હતું. છતાં આટલા વર્ષો પછી આજે પણ તેમના વિચારો, સિદ્ધાંતો એટલા જ જીવનમાં ઉપયોગી થાય એવા છે.
સ્વામી વિવેકાનંદની ૧૬૩ મી જન્મ જયંતિ પર તેમને કોટી કોટી વંદન....!
ખોડીદાસ એન.સોમૈયા
રાજકોટ
મો. ૯૮ર૪૮૦૦૯૭૦
(2:37 PM IST)










