તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th January 2026
ડીસીબી અને ભક્તિનગરના ઠગાઇના ગુનામાં ફરાર શખ્સો અમદાવાદ-ગાંધીનગરથી પકડાયા
તોૈફિક ઉર્ફ પંકજ ઉર્ફ ભાઉ અને વિનોદ કાસુન્દ્રાને પેરોલ ફરલોના પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ તેરૈયાની ટીમે પકડી લીધા

રાજકોટ તા. ૯: એક વર્ષ પહેલા ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પેઢીના નામે કાવતરૂ ઘડી જીએસટીના બોગસ દસ્તાવેજો ઉભા કરવાના ગુનામાં ફરાર શખ્સને પેરોલ ફરલો સ્ક્વોડે ઝડપી લીધો છે. તેમજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં ફરાર શખ્સને ગાંધીનગરથી પકડી લેવાયો છે.
અમદાવાદ દાણી લીમડા મદીના હોટલ સામે અલ મહમદી સોસાયટી જેનલ રેસીડેન્સી-૪૦૩ ખાતે રહેતાં તોૈફિક ઉર્ફ પંકજ ઉર્ફે ભાઉ રફીકભાઇ રંગરેજ (ઉ.વ.૩૬) વિરૂધ્ધ વર્ષ ૨૦૨૪માં ડીસીબી પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજો ઉભા કરી ઠગાઇ કરવાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તે સતત ફરાર હોઇ હાલમાં અમદાવાદ આવ્યાની માહિતી મળતાં ત્યાંથી પકડી ડીસીબી પોલીસ સ્ટેશનને સોંપાયો છે.
જ્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે કાવત્રુ ઘડી છેતરપીંડી-વિશ્વાસઘાત કરવાનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં મુળ જામનગરના ધ્રોલના તુલસી પાર્કનો અને હાલ ગાંધીનગર સર્કલ-૨, ઘ-રોડ ઘર નં. ૮૭૩ ખાતે રહેતાં વિનોદ છગનભાઇ કાસુન્દ્રાને ગાંધીનગરથી પકડી લઇ ભક્તિનગર પોલીસને સોંપાયો છે.
ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિનોદભાઇ બેરડીયા, હેડકોન્સ. સીરાજભાઇ ચાનીયા, કોન્સ. દિનેશભાઇ વાળા, જયદિપસિંહ બોરાણા, તેજનભાઇ ચાવડા,ડ્રા.કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.
(3:25 PM IST)










