તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th January 2026
લક્ષ્મીવાડીમાં દંપતિ ઉપર ખૂની હુમલો કરવા અંગે પકડાયેલ બે આરોપીઓને ૧ર વર્ષની સજાઃ અન્ય આરોપીનો છૂટકારો

રાજકોટઃ તા ૯, શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં વર્ષ-૨૦૧૮ માં શ્વાનના મામલે થયેલી બોલાચાલીનો ખાર રાખી મહિલા અને દંપતી પર છરી અને ધોકા વડે પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ કરેલા ખૂની હુમલાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે બે મિત્રોને ૧૨ વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.જેમાં દંડની રકમ ઈજાગ્રસ્ત સાહેદને ચૂકવી આપવા આદેશ કર્યો છે. જ્યારે એક આરોપીને છોડી મુકવાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા શારદાબેન રવજીભાઈ સીંશાગીયા નામની મહિલાએ પાડોશમાં રહેતો હાર્દિક મગનભાઈ ખેરડીયા, તેજસ દિવ્યેશ રાઠોડ અને દિવ્યેશ ઉર્ફે કાનો માવજીભાઈ રાઠોડ સહિત ત્રણ શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કર્યાની ભક્તિનગર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાની કોશીષ સહિતની કલમ હેઠળ ગુનો નોંઘ્યો હતો.પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે શારદાબેન શ્વાનને રોટલી નાખવા મુદ્દે પાડોશી હાર્દિક ખેરડીયા અને તેનો મિત્ર તેજસ રાઠોડ તેના પિતા દિવ્યેશ રાઠોડે હુમલો કર્યો હતો. જેમાં શારદાબેનને બચાવવા વચ્ચે પડેલા ભત્રીજો દિપક અને તેની પત્નિ તન્વીબેનને પણ માર માર્યો હતો. પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
આ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં સરકારપક્ષે ૧૬ સાહેદો અને ૫૫ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ફરીયાદી, ઈજાપામનાર, નજરેજોનાર, તપાસનીસ, તબીબ અને એફએસએલના અધિકારીઓની જુબાની લેવામાં આવી હતી બન્ને પક્ષોની રજૂઆત બાદ ફરીયાદી અને સરકારપક્ષે ધારદાર દલીલો કરી અને હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ટાંકેલા ચૂકાદાઓને ઘ્યાને લઈ અધિક સેશ.જજ વિ.કે.ભટ્ટે હાર્દિક ખેરડીયા અને તેજસ દિવ્યેશ રાઠોડને કલમ ૩૦૭ માં ૧૨ વર્ષની સજા , ૫૦ હજારનો દંડ, ૩૨૬ માં ૭ વર્ષની સજા , ૧૦ હજારનો દંડ તેમજ ૪૪૮ માં ૩ માસની સજાનો હુકમ કર્યો છે. જ્યારે સાહેદ દિપકભાઈને દંડની રકમમાંથી વળતર ચૂકવવા હુકમ કર્યો છે. જ્યારે દિવ્યેશ ઉર્ફે કાનો માવજી રાઠોડને છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકારપક્ષે એ.પી.પી.તરીકે પરાગ શાહ અને મૂળ ફરીયાદી તરફે એડવોકેટ તરીકે જયેન્દ્ર ગોંડલીયા રોકાયા હતા
(3:28 PM IST)










