News of Friday, 9th January 2026
નેપાળથી આવી રહેલા યુવાનનું જયપુર પાસે હાર્ટએટેકથી મોત, આઘાતમાં મોટા ભાઇનું પણ રાજકોટમાં મોત
વામ્બે આવાસમાં રહેતાં ૩૩ વર્ષના રાજુભાઇ ટમટા અને ૩૦ વર્ષના જોગીયાભાઇ ટમટાની એક સાથે અંતિમયાત્રાઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૯: હાર્ટએટેકના બે બનાવમાં નેપાળી પરિવારના બે સગા ભાઇઓના મૃત્યુ થયા છે. કાલાવડ રોડ વામ્બે આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં બે નેપાળી ભાઇઓમાંથી નાનો ૩૦ વર્ષનો ભાઇ નેપાળ ગયો હોઇ ત્યાંથી પરત રાજકોટ આવતી વખતે જયપુર પાસે તેનું હૃદય રોગના હુમલાથી મોત થતાં રાજકોટ ખાતે ૩૩ વર્ષના મોટા ભાઇને પણ આઘાતમાં હાર્ટએટેક આવી જતાં તેનું પણ મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. સાંજે વામ્બે આવાસ ખાતેથી બંને ભાઇઓની એક સાથે અંતિમયાત્રા નીકળી હતી. જાણવા મળ્યા મુજબ વામ્બે આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં મોટા ભાઇ રાજુભાઇ કૃષ્ણભાઇ ટમટા (ઉ.વ.૩૩)ની સાથે રહેતો તેનો નાનો ભાઇ જોગીયાભાઇ કૃષ્ણભાઇ ટમટા (ઉ.વ.૩૦) વતન નેપાળ ગયો હતો. ત્યાંથી તે રાજકોટ આવી રહ્યો હતો તે વખતે રાજસ્થાન જયપુર પાસે છાતીમાં દુઃખાવો ઉપડતાં જયપુર સારવાર માટે લઇ જવાયો હતો. પરંતુ તેનું મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ રાજકોટ ખાતે મોટા ભાઇ રાજુભાઇ ટમટાને થતાં તેને પણ છાતીમાં દુઃખાવો થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ મૃત્યુ થયું હતું. નાના ભાઇના મોતના આઘાતમાં મોટા ભાઇનું પણ હૃદય બેસી ગયું હતું. તાલુકા પોલીસ સ્ટેશનને જાણ થતાં પીએસઆઇ એમ. એચ. મહારાજે જરૂરી કાર્યવાહી કરી હતી. બંને ભાઇઓના મોત થતાં પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. જોગીયાભાઇનો મૃતદેહ રાજસ્થાનથી રાજકોટ લાવવામાં આવ્યા બાદ સાંજે બંને ભાઇઓની અંતિમયાત્રા નીકળશે. તેમ નેપાળી સમાજના આગેવાન સંજયભાઇ કાલકીએ જણાવ્યું હતું. ગઇકાલે બોમ્બે હાઉસીંગ સોસાયટી પાસે પણ નેપાળી આધેડ જગતભાઇ પ્રેમસિંગ ઠાકુરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. આમ નેપાળી સમાજ પર વજ્રઘાત થયો હતો.
(4:43 PM IST)










