તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
વેરાવળનો સાગર દેવળીયા રાજકોટમાં સીએમસી કંપનીમાં નોકરીએ જોડાયાના ૨૦માં દિવસે ૧૦ લાખ બઠ્ઠાવી ગાયબ!
બેંકોમાંથી નાણા લઇ એટીએમમાં લોડ કરવાનું અને લોડ થયેલી રકમ બેંકોમાં પહોંચાડવાનું કામ કરતી કંપનીની એરપોર્ટ ફાટક પાસે આવેલી ઓફિસના મેનેજર ગોપાલસિંહ ઝાલાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદઃ કસ્ટોડીયલ તરીકે એટીએમમાં જમા કરેલી રકમમાંથી સાગરે બચી ગયેલા ૧.૧ કરોડ કંપનીમાં પરત કરવાને બદલે ૯૧ લાખ જ જમા કરાવ્યાઃ બીજા દિવસે ગણતરીમાં ભાંડો ફુટયો

રાજકોટ તા. ૧૦: બેંકોના એટીએમમાં રૂપિયા લોડ કરવાનું અને લોડ થયેલા રૂપિયા ઉપાડી બેંકમાં જમા કરાવવાનું કામ કરતી સીએમસી ઇન્ફો સીસ્ટમ નામની કંપનીમાં ૨૦ દિવસ પહેલા જ કસ્ટોડીયલ તરીકે નોકરીમાં જોડાયેલો હાલ રાજકોટ ઓમનગરમાં મામા સાથે રહેતો મુળ સોમનાથ વેરાવળનો શખ્સ પોતાની ફરજ દરમિયાન કંપનીના વાહનમાં ૧,૩૦,૦૦,૦૦૦ લઇ એટીએમ ખાતે જઇ ૨૯ લાખ જમા કરાવી બાકીના ૧,૧૦,૦૦,૦૦૦ પરત કંપનીમાં જમા કરાવવાને બદલે તેમાંથી ૧૦ લાખ બારોબાર ઓળવી જઇ ગાયબ થઇ જતાં પોલીસને જાણ કરવામાં આવી છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટી-૫માં રહેતાં ગોપાલસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી મવડી ઓમનગર શેરી નં. ૬ ખોડલ હોટલ પાસે પોતાના મામા કાંતિભાઇ ભનાભાઇ માલવીયાના મકાનમાં રહેતાં મુળ વેરાવળ સોમનાથના રામ મંદિર પાછળ રહેતાં સાગર પરષોત્તમભાઇ દેવળીયા વિરૂધ્ધ રૂા. ૧૦ લાખની ઠગાઇ-ઉચાપતનો ગુનો નોંધ્યો છે.
ગોપાલસિંહ પરિવાર સાથે રહે છે અને સીએમસી ઇન્ફો સિસ્ટમ કંપનીમાં મેનેજર તરીકે ૧૫/૧૨/૨૫થી નોકરી કરે છે. આ પહેલા પોતે એસઆઇએસ કંપનીમાં બ્રાંચ મેનેજર હતાં. અમારી કંપનીનું કામ દરેક સરકારી અને ખાનગી બેંકોમાંથી રૂપિયા લઇ જે તે બેંકના એટીએમ મશીનમાં લોડ કરવાનું તથા એટીએમમાં લોડ થયેલા રૂપિયા જમા કરી બેંકમાં પહોંચાડવાનું છે. અમારી કંપનીની ઓફિસ એરપોર્ટ ફાટક પાસે બીઓબી સોસાયટીમાં જૈન દેરાસરની બાજુમાં આવેલી છે. અમારી ઓફિસમાં ૯૦ લોકોનો સ્ટાફ છે. જેમાં ડ્રાઇવરથી માંડી ગનમેન કસ્ટોડીયલ પણ સામેલ છે.
અમારી કંપનીમાં સાગર દેવળીયા વીસ દિવસથી અને સાહિલ જયેશભાઇ ઘાચી છ મહિનાથી મહેસાણા બ્રાંચમાં કસ્ટોડીયલ તરીકે નોકરી કરે છે. હવે અમારી ઓફિસે ૨/૧/૨૬ના રોજ જોડાયેલ છે. જેનો માસ્કિ પગાર ૧૧૫૦૦ છે. તા. ૨/૧ના રોજ એસબીઆઇ બેંક મેઇન બ્રાંચમાંથી રૂા. ૪ કરોડ આશરે પોણા ચારેક વાગ્યે મેળવેલ હતાં. ત્યારે એસબીઆઇ બેંકમાં નાણા સ્વીકારનારા પૃથ્વીરાજ હમસુખભાઇ બારોટ અને સાહીલ જયેશભાઇ ઘાંચીની સહી કરી હતી. બાદમાં એસબીઆઇના પાર્કિંગમાં રૂપિયાના ભાગ પાડયા હતાં. જેમાં એક ભાગના રૂપિયા આ બંને લઇ એસબીઆઇના અલગ અલગ એટીએમમાં લોડ કરવા નીકળ્યા હતાં. પહેલા રૂટમાં રૂ. ૨ કરોડ ૭૦ લાખ હતાં.
જેમાં પાંચ વ્યક્તિઓવાહન નં. જીજે૦૧એલટી-૦૭૯૮માં ડ્રાઇવર હિતેન્દ્રસિંહ બચુભા જાડેજા, ગનમેન સુરેશભાઇ જગાભાઇ બાવળીયા તથા કસ્ટોડીયન તરીકે પૃથ્વીરાજ હસમુખભાઇ બારોટ, કમલેશ વલ્લભભાઇ એત્રાદી અને રવિ મલાભાઇ પરમાર સાથે હતાં. તા. ૨/૧/૨૬ના રોજ ક્રિસ્ટલ મોલ ખાતેના એટીએમમાં ૯ લાખ જમા કરાવી બાકીના ૨ કરોડ ૬૧ લાખ પરત અમારી સીએમસી કંપની ખાતે જમા કરાવ્યા હતાં. બીજા રૂટમાં ૧ કરોડ ૩૦ લાખ અલગ અલગ એટીએમમાં લોડ કરવાના હતાં. જેમાં બોલેરો ગાડી જીજે૦૩એવી-૯૫૬૫માં ચાર લોકો ડ્રાઇવર પાર્થ અતુલભાઇ નિમાવત, સિક્યુરીટી ગાર્ડ રાજેન્દ્રસિંહ હરિસિંહ રાઠોડ, કસ્ટોડીયન તરીકે સાગર પરષોત્તમભાઇ દેવળીયા અને સાહીલ જયેશભાઇ ઘાંચી હતાં. આ વાહનમાં ગીયરમાં પ્રોબ્લેમ આવતાં બરાબર ચાલતું ન હોઇ રૂપિયા ભરેલી ગાડી સાથે બધા ઓફિસે આવ્યા હતાં.
આ વખતે ડ્રાઇવરના સુપરવાઇઝર આરીફભાઇ પરમારને ગાડી બદલી આપવા કહેતાં તેણે બીજી ટાટા યોધ્ધા ગાડી જીજે૦૧અજેટી-૫૭૨૬ આપી હતી. ખરાબ ગાડી અમારી ઓફિસ પાસે જ પાર્ક કરી હતી. આ વાહનમાં કસ્ટોડીયન તરીકે રહેલા સાગર દેવળીયા અને સાહિલ ઘાંચીની જવાબદારી એક વાહનમાંથી બીજા વાહનમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની હતી. બાદમાં બીજી ગાડી લઇ આ લોકો એસબીઆઇની યાદી મુજબના ૧૪ એટીએમમાં રૂપિયા જમા કરવા ગયા હતાં. જંકશન પ્લોટમાં રેલ્વે ગાર્ડ રેસ્ટ રૂમ સામે એટીએમમાં ૧૩ લાખ અને ૧૬ લાખ મળી કુલ ૨૯ લાખ લોડ કર્યા હતાં. બાદમાં આ વાહનમાં બાકી રહેલા ૧ કરોડ ૯૧ લાખ રૂપિયા સાગર દેવાળીયાએ અમારી ઓફિસમાં જમા કરાવ્યા હતાં. બાકીના ૧૦ લાખ જમા કરાવ્યા નહોતાં.
બીજા દિવસે તા. ૩ના રોજ ઓફિસમાં ગણતરી વખતે રૂા. ૧૦ લાખની ઘટ આવી હોઇ તપાસ કરતાં સાગર દેવળીયાએ રકમ ઓછી જમા કરાવી ૧૦ લાખ પોતે ઓળવી ગયાનું ધ્યાને આવ્યું હતું. આથી કંપનીએ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં ગોપાલસિંહ ઝાલાએ જણાવતાં ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્સ. એમ. જી. જાડેજાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(11:55 AM IST)










