તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
કુવાડવામાં દાળ-પકવાનના પૈસા માંગતા યુવાનને ત્રિપુટીએ તારી પાસે ધંધો કરવાનું લાયસન્સ નથી કહી માર માર્યો
સણોસરાના પાટીયે બનાવઃ આઠ દિવસથી યુવાને ભત્રીજાની કરિયાણાની દુકાન પાસે લારી ચાલુ કરી હોઇ છ દિવસથી ત્રણ શખ્સો મફત ખાઇ જતાં હતાં: પૈસા માંગતા ઉશ્કેરાઇ ગયા : મુળ રાજસ્થાનના યુવાન ફતેહસિંહને ખુરશીથી ફટકારી લોહીલુહાણ કર્યોઃ ખુરશીઓમાં તોડફોડઃ તેના ભાઇ-ભત્રીજાને પણ ઇજાઃ લાયસન્સ વગર ધંધો કરવો નહિ કરી ખૂનની ધમકી દીધીઃ વસીમ, સલીમ અને હાર્દિક સામે કુવાડવા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૦: કુવાડવામાં સણોસરાના પાટીયા પાસે પોતાના ભત્રીજાની કરીયાણાની દુકાન પાસે આઠેક દિવસથી દાળ-પકવાનની લારી ચાલુ કરનારા મુળ રાજસ્થાનના યુવાનની લારીએ ત્રણ શખ્સો છએક દિવસથી નાસ્તો કર્યા બાદ પૈસા દીધા વગર જતાં રહેતાં હોઇ ફરી નાસ્તો કરવા આવતાં આ યુવાને પૈસા માંગતા ત્રણેયએ તારી પાસે અહિ ધંધો કરવાનું લાયસન્સ છે? તું વગર લાયસન્સે ધંધો કરતો નહિ તેમ કહી ત્રણેયએ ખુરશીઓમાં તોડફોડ કરી, ખુરશીથી માર મારી તેને લોહીલુહાણ કરી નાંખ્યો હતો. વચ્ચે પડેલા તના ભાઇ-ભત્રીજાને પણ માર મારી ખૂનની ધમકી દીધી હતી.
કુવાડવા ગામ શ્રીનાથજી પાર્કમાં રહેતાં મુળ રાજસ્થાનના વતની ફતેહસિંહ ગોમસિંહ રાવત (ઉ.વ.૪૦) લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે તેની ફરિયાદ પરથી વસીમ, સલીમ અને હાર્દિક સામે ગુનો નોંધ્યો છે. ફતેહસિંહ કુવાડવામાં રહે છે અને રાજકોટ વાંકાનેર હાઇવે પર સણોસરા ગામના પાટીયા પાસે મહાવીર જનરલ સ્ટોરની બાજમુાં દાળ-પકવાન નાસ્તાની રેંકડી રાખી ધંધો કરે છે. તેની રેંકડીની બાજુમાં તેના સગા ભત્રીજાની કરીયાણાની દુકાન છે. ફતેહસિંહે જણાવ્યું છે કે આઠેક દિવસ પહેલા મેં નાસ્તાની રેંકડી ચાલુ કરી છે. ત્યારથી ત્રણ જણા રેંકડીએ નસ્તો કરવા આવતાં અને નાસ્તો કરી પૈસા દીધા વગર જતાં રહેતાં હતાં. મેં આજુ બાજુવાળા બીજા ધંધાર્થીઓને પુછતાં આ શખ્સોમાં એકનું નામ સલીમ, બીજાનું વસીમ અને ત્રીજાનું હાર્દિક હોવાનું જાણવા મળ્યું હતું. જો કે કોઇને પુરા નામ સરનામાની ખબર નહોતી.
શુક્રવારે સાડા ત્રણેક વાગ્યે ફરીથી આ ત્રણેય જણા મારી રેંકડીએ નાસ્તો કરવા આવ્યા હતાં અને પૈસા માંગતા આપ્યા નહોતાં. તેમજ એક શખ્સે કહેલું કે-તારી પાસે અહિ વેપાર કરવાનું લાયસન્સ છે તો દેખાડ, બાકી તારે વગર લાયસન્સે ધંધો કરવો નહિ. તેમ કહી ત્રણેયએ મારી સાથે ઝઘડો કરી ગાળો દીધી હતી. બાદમાં પ્લાસ્ટીકની ખુરશી પડી હોઇ તે ઉપાડીને ઘા કરવા માંડયા હતાં. જેથી મેં તેને આવુ ન કરો મને નુકસાન થશે તેમ કહેતાં તેણે ખુરશી ઉપાડી મારા પર હુમલો કરી મને માથા, શરીરે ખુરશીના ઘા ફટકારતાં માથામાં લોહી નીકળવા માંડયા હતાં. દેકારો થતો મારો ભાઇ ભગવાન ગોમસિંહ મને બચાવવા દોડી આવ્યો હતો. તેને પણ આ લોકોએ મુંઢ માર માર્યો હતો. ભત્રીજા દલપતસિંહ વચ્ચે પડતાં તેને પણ આ શખ્સોએ ઢીકાપાટુ માર્યા હતાં.
બાદમાં મારા ભત્રીજાએ પોલીસને અને ૧૦૮ને જાણ કરતાં આ શખ્સો ભાગી ગયા હતાં મને ઇજાઓ થઇ હોઇ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ શખ્સોએ જતાં જતાં એવી ધમકી પણ આપી હતી કે જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખશું. આ શખ્સો છ-સાત દિવસ સુધી મફતમાં નાસ્તો કરી જતાં હોઇ અને શુક્રવારે પણ નાસ્તો કરી પૈસા દીધા વગર જતાં હોઇ મેં પૈસા માંગતા તારી પાસે ધંધો કરવાનું લાયસન્સ નથી, વગર લાયસન્સે અહિ ધંધો ન કરવો કહી ગાળો દઇ ખુરશીઓમાં તોડફોડ કરી, મને ખુરશીથી માર મારમારી તેમજ વચ્ચે પડેલા મારા ભાઇ અને ભત્રીજાને પણ મારકુટ કરી ગાળો દઇ ધમકી આપી ત્રણેય ભાગી ગયા હતાં. તેમ વધુમાં ફતેહસિંહે કહેતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં હેડકોન્સ. લક્ષમણભાઇ મહાજને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:25 PM IST)










