<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

રિજનલ સમિટના સ્‍થળે સિવિલ હોસ્‍પિટલ દ્વારા ઉભી કરાઇ ૬ બેડની ‘મીની હોસ્‍પિટલ'

એક વેન્‍ટીલેટર બેડઃ તબિબો, નર્સિંગ સ્‍ટાફ, સર્વન્‍ટ મળી ૫૦નો કાફલો, એમ્‍બ્‍યુલન્‍સ ખડેપગે રહેશે

રાજકોટઃ વાઇબ્રન્‍ટ ગુજરાત સૌરાષ્‍ટ્ર રિજનલ સમિટનો આવતી કાલે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા શુભારંભ થશે.  રાજકોટ મોરબી હાઇવે પર આવેલ મારવાડી યુનિવર્સીટી ખાતે ૫૫ એકર જેટલી વિશાળ જગ્‍યામાં ૬ એક્‍ઝિબિશન ડોમ અને ૧ મુખ્‍ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્‍યો છે કે જ્‍યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્‍ટ્ર કચ્‍છ રિજનલ વાઇબ્રન્‍ટ સમિટને ખુલ્લો મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે. આ સમિટમાં ૩૫૦ જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ ૫૦૦૦થી વધુ ઉદ્યોગકારો પણ ભાગ લેવાના હોઇ તડામાર તૈયારીઓ થઇ ચુકી છે. ત્‍યારે અહિ જો સમીટમાં હાજર કોઇને પણ કોઇપણ પ્રકારની સારવારની જરૂરીયાત ઉભી થાય તો તેના માટે પણ ખાસ વ્‍યવસ્‍થા પીડીયુ સિવિલ હોસ્‍પિટલ દ્વારા કરવામાં આવી છે. તે અંતર્ગત ‘મીની હોસ્‍પિટલ' ઉભી કરી દેવામાં આવી છે. જેમાં તબિબો સહિત ૫૦નો સ્‍ટાફ ખડેપગે રહેશે.

આવતી કાલે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી સોમનાથ થઇને હેલિકોપ્‍ટર મારફત બેડી માર્કેટીંગ યાર્ડમાં બનાવાયેલા હેલીપેડ પર આવી પહોંચશે. ત્‍યાંથી સીધા મારવાડી યુનિવર્સિટી પહોંચશે. પીએમના હસ્‍તે રિજનલ સમિટનું ઉદઘાટન કરવામાં આવશે.બાદમાં તેઓ વિદેશી ડેલિગેટ્‍સ અને ગુજરાત તેમજ ભારતભરના ઉદ્યોગકારોને સંબોધન કરશે. અહિયાંથી લાખો કરોડોની કિંમતના એમઓયુ થવાનો પણ અંદાજ છે. આ સમિટ દરમિયાન જો કોઇને ઇમર્જન્‍સી સારવાર લેવાની જરૂરીયાત ઉભી થાય તો તેના માટે સિવિલ હોસ્‍પિટલ તંત્ર દ્વારા ખાસ સુવિધા ઉભી કરાઇ છે.

જાણવા મળ્‍યા મુજબ સિવિલ હોસ્‍પિટલ દ્વારા રિજનલ સમિટના સ્‍થળે ૬ બેડની મીની હોસ્‍પિટલ ઉભી કરાઇ છે. જેમાં એક વેન્‍ટીલેટર બેડ રખાયો છે. ડ્રેસીંગ કરવા માટેના ત્રણ ટેબલોની વ્‍યવસ્‍થા છે અને ત્રણ એમ્‍બ્‍યુલન્‍સ પણ રાખવામાં આવી છે. ફીઝીયોથેરાપીસ્‍ટ, સર્જન, ઓર્થોપેડીક, મેડીકલ ઓફિસર સહિત ૨૫ ડોક્‍ટરોની ટીમ, ૧૦ નર્સિંગ સ્‍ટાફ, ૧૦ સર્વન્‍ટ મળી ૫૦નો કાફલો આ મીની હોસ્‍પિટલ ખાતે તૈનાત રાખવામાં આવ્‍યો છે. તેમ સિવિલ હોસ્‍પિટલના સુત્રોએ જણાવ્‍યું હતું.

(3:08 PM IST)