<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

સરકારી કાર્યક્રમો માટે એસ.ટી. બસો ફાળવી દેવાતા મુસાફરો રઝળી પડે તેવી સ્‍થિતિ

૨૦૦૦ બસો પાછી ખેંચાઇ : ૫૫૦૦ મુસાફરો રામ ભરોસે : મુસાફર હિતરક્ષક સમિતિના સવાલો

 

 

રાજકોટ તા. ૧૦ : ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાનાં પ્રતિનિધિ ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ વાગડિયા, હિરપરા જયંતીભાઈ, પ્રદિપસિંહ જાડેજા, પ્રતાપભાઈ વાળાની સંયુક્‍ત યાદીમાં જણાવેલ છે કે સરકારી કાર્યક્રમોને ધ્‍યાને લઇ દરેક ડિવિઝનોમાંથી મળીને અંદાજે ૨૦૦૦ જેટલી બસો ફાળવી દેવામાં આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્‍યો છે.

કડકડતી ઠંડીમાં ટ્રીપ કેન્‍સલ કરવામાં આવતા મહિલા મુસાફરો, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ, નાના બાળકોની હાલત કફોળી બની છે. અનેબે દિવસ નવી નકોર બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવી દઇને ભંગાર અને ખખડધજ બસો મુસાફરોની સેવામાં મુકાતા  મુસાફરોમાં ભારે કચવાટ જોવા મળ્‍યો છે.

ચૂંટણી સમયે જે રીતે ખાનગી વાહનો કબજે કરે છે તે પ્રકારે ખાનગી બસો અને પેસેન્‍જર વ્‍હીકલ ડીટેઇન લઈ ભાડું ચૂકવી દેવું જોઈએ. સરકાર એસ.ટી.નું ભાડું સમયસર ચૂકવતી નથી. રાજ્‍ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે સરકારી ઉત્‍સવમાં ૫૦૦ કરોડનો ધુમાડો કરી ૬૦ હજાર જેટલી બસોની સુવિધા ઝુંટવી લીધી છે.

જુદા જુદા ડિવિઝનોમાંથી બસો કબજે લેવાતા અંદાજે ૨૦૦ થી ૩૦૦ કિલોમીટરથી વધુ દૂરથી બસ ખાલી આવશે અને ખાલી પરત જશે બિનજરૂરી ડીઝલનો વ્‍યય થશે. નાણાં અને પ્રદૂષણનો ધુમાડો થશે. એક બાજુ સરકાર કરકસરયુક્‍ત વહીવટની વાતો કરે છે, ત્‍યારે સરકારી તાયફામાં આ પ્રકારે એસ.ટી.નો દુરુપયોગ અટકાવવો જોઈએ. તેમ અંતમાં ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ (૯૪૨૬૨૨૯૩૯૬)ના આગેવાનોએ જણાવ્‍યું છે.

(3:15 PM IST)