તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Saturday, 10th January 2026
ભક્તિનગર પોલીસની ટીમે તપાસ કરેલા વધુ એક કેસમાં સજા પડી
હત્યાની કોશિષના ગુનામાં બે શખ્સને ૧૨-૧૨ વર્ષની સજાઃ પીઆઇ વી. કે. ગઢવી, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયાની ટીમે કરી હતી તપાસ

રાજકોટ તા. ૧૦: ભકિતનગર પોલીસ સ્ટેશન હેઠળના લક્ષ્મીવાડી-૭/૧૫માં વર્ષ-૨૦૧૮ના વર્ષમાં બનેલ ખુનની કોશીષના ગુન્હામાં બે- આરોપીઓને ૧૨-૧૨ વર્ષની સખત કેદની સજા સેસન્સ કોર્ટએ ફટકારી છે. વધુ એક વખત ભક્તિનગર પોલીસની ટીમે તપાસ કરેલા કેસમાં સજા પડી છે.
આ ગુન્હાના ફરીયાદી શારદાબેન રવજીભાઇ શીંશાગીયાએ પોતાની ફરીયાદમાં જણાવેલ હતુ કે શેરી માં જ રહેતો આરોપી હાર્દિકએ તું કેમ શેરીમાં કુતરાને રોટલી નાખી અને કુતરા અમને કરડાવે છે' તેમ કહી ભુંડા બોલી ગાળો આપી હતી અને આરોપી હાર્દિક સાથે અન્ય આરોપી તેજશ તથા દિવ્યેશ ઉર્ફે કાના માવજી સહીતએ ફરીયાદીના ઘરમાં ગેર કાયદેસર પ્રવેશ કરી છરી તથા લાકડાના ધાકા વતી ફરીયાદીના ડાબા હાથે તથા જમણાં પડખામાં તથા બેઠકના ભાગે માર મારી ગંભીર ઇજાઓ કરી તેમજ સાહેદ દીપકભાઇ રસીકભાઇ ભટ્ટી રહે.મવડી વાળા શારદાબેનને ત્યા નાનીમાંની ખબર કાઢવા આવેલ હોય તેઓને પણ આરોપીઓએ પીઠના ભાગે તથા બેઠકના ભાગે છરીના ઘા મારી ગંભીર ઇજા કરી ફરીયાદીની આંગળીનું ટેરવુ કાપી નાખી બંનેને ગંભીર ઇજાઓ કરી મારી નાખવાની કોશીષ કરતા ઉપરોકત ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હતો.
આ કામે તપાસ દરમ્યાન ત્રણ આરોપીઆ હાર્દીક મગનભાઇ ખેરડીયા રહે. લક્ષ્મીવાડી શેરી નં.૧૩, તેજશ દિવ્યેશભાઇ રાઠોડ રહે.લક્ષ્મીવાડી શેરી નં.૧૬ તથા દિવ્યેશ ઉર્ફે કાનો માવજીભાઈ રાઠોડ રહે.લક્ષ્મીવાડી શેરી નં.૧૬ને અટક કરી આરોપીઓ વિરૂધ્ધ સચોટ પુરાવા એકઠા કરી તપાસના અંતે ચાર્જશીટ કરવામાં આવેલ હતુ. જે કેસ સેસન્સ કોર્ટમાં કમીટ થતા સેસન્સ કેસ નંબર અપાયો હતો. આ ગુનાની તપાસ તે સમયના ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી. કે. ગઢવી તથા પીઆઇ રાઇટર એએસઆઇ નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા સહિતે કરી હતી.
આ કોર્ટમાં ચાલતા આ સરકારી વકીલ પરાગભાઇ શાહ દ્વારા કેસ ચલાવી અન્ય સરકાર પક્ષે મહત્વના પુરાવાઓ તપાસી ધારદાર દલીલો કરતા ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓને આ કેસ માં દોષીત ઠરાવવામાં આવેલ છે. એકનો છુટકારો થયો હતો. ૯માં એડીશનલ સેસન્સ જજશ્રીએ બન્ને આરોપીઓને આઇપીસી ૩૦૭ની કલમમાં ૧૨-૧૨ વર્ષ તથા રૂ.૫૦ હજાર દંડ, આઇપીસી૩૨૬ની કલમમાં ૭-૭ વર્ષ તથા રૂ.૧૦ હજાર દંડ, આઇપીસીકલમ ૩૪૮ તથા ૧૧૪ માં ૩ માસની સખત કેદ તેમજ આરોપીના દંડની રકમ ફરીયાદી તથા ઇજા પામનાર ને રૂ.૫૦-૫૦ હજાર વળતર તરીકે ચુકવવાનો હુકમ નામદાર કોર્ટએ કર્યો હતો. (૧૪.૧૧)
(3:30 PM IST)










