<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

લોહીની ઉલ્‍ટી થવાથી ગબ્‍બરભાઇનું, બેભાન હાલતમાં જીજ્ઞેશભાઇનું મોત

માંડા ડુંગર અને ગુલાબનગરના પરિવારજનોમાં શોકઃ રૂખડીયાપરાની ૧૨ વર્ષની શેરબાનુનું બેભાન હાલતમાં મૃત્‍યુ

રાજકોટ તા. ૧૨: લોહીની ઉલ્‍ટી થવાથી અને બેભાન થઇ જવાથી બે લોકોના મોત થયા છે. જ્‍યારે એક ૧૨ વર્ષની બાળાનું બેભાન હાલતમાં મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે ભીમરાવનગર નાગબાઇ ચોકમાં રહેતાં ગબ્‍બરભાઇ હારીલાલ સક્‍શેના (ઉ.વ.૪૬) સવારે સાડા ચારેક વાગ્‍યે ઘરે હતાં ત્‍યારે એકાએક લોહીની ઉલ્‍ટીઓ કરવા માંડતાં અને બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર ગબ્‍બરભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. પોતે મુળ યુપીના વતની હતાં અને કારખાનામાં ભઠ્ઠીનું કામ કરતાં હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં હસનવાડી રોડ ગુલાબનગર-૫માં રહેતાં જીજ્ઞેશભાઇ રમેશભાઇ ધનાણી (ઉ.વ.૪૦) રાતે સાડા  અગીયારેક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત થયું હતું. તે બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં દસ વર્ષની એક દિકરી છે. પોતે કડીયા કામની સાઇટ પર સુપરવાઇઝર તરીકે કામ કરતાં હતાં. ટીબી અને કીડનીમાં રસી થઇ જવાની બિમારી હોવાનું સગાએ કહ્યું હતું.

ત્રીજા બનાવમાં રૂખડીયાપરા રેલ્‍વે ફાટક પાસે રહેતાં સિરાજભાઇ શાહમદારની દિકરી શેરબાનુ (ઉ.વ.૧૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતું અહિ મૃત્‍યુ થયું હતું. શેરબાનુને ટીબીની બિમારી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(11:06 AM IST)