News of Monday, 12th January 2026
કાલાવડ રોડ ગોકુલમ સોસાયટીમાં બુકાનીધારી ત્રાટક્યા : જ્યોત્સનાબેન બગડાના ઘરમાંથી ૯.૩૪ લાખની ચોરી
પરિવારજનો જુનાગઢ ગયા હોઇ રેઢા મકાનમાંથી તસ્કરો હાથફેરો કરી ગયા : બાજુની સોસાયટીમાં મોહિતભાઇ કોરીયાને ત્યાંથી ૧૫ હજાર ગયાઃ રેખાબેન રાઠોડના ઘરમાં ચોરીનો પ્રયાસઃ તાલુકા પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૨ ટીમે તપાસ શરૂ કરીઃ જ્યોત્સનાબેનના દસ વર્ષના દિકરાનું છ દિવસ પહેલા જ અવસાન થયું હતું

રાજકોટ તા. ૧૨: શહેરના કાલાવડ રોડ પર સાંઝા ચુલ્હા પાછળ આવેલી બે સોસાયટીમાં ત્રણ મકાનને બુકાનીધારી તસ્કરો નિશાન બનાવી ૯ાા લાખની માલમત્તા ચોરી ગયા છે. જેમાં એક મકાનમાંથી ૯,૩૪,૦૦૦ની રોકડ-દાગીના સહિતની મત્તા, એક ઘરમાંથી ૧૫ હજારની રોકડ ગઇ હતી. તો એક મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો. જ્યાં લાખોની મત્તાની ચોરી થઇ એ પરિવારના દસ વર્ષના દિકરાનું છ દિવસ પહેલા જ અવસાન થયું હતું. પરિવારજનો જુનાગઢ હતાં ત્યારે રેઢા ઘરને તસ્કરો નિશાન બનાવી ગયા હતાં.
આ બનાવમાં તાલુકા પોલીસે કાલાવડ રોડ સાંઝા ચુલ્હા પાછછળ આવેલ ગોકુલમ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી વીંગ ફલેટ નં. સી-૨૦૨માં રહેતાં જ્યોત્સનાબેન લાલજીભાઇ બગડા (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યોત્સનાબેને જણાવ્યું છે કે હું પતિ, પરિવાર સાથે રહુ છું. મારા દિકરા નિરાંત (ઉ.વ.૧૦)નું ગત ૫/૧ના રોજ અવસાન થયું છે. તા. ૧૦/૧ના સવારે દસેક વાગ્યે અમે જુનાગઢ ખાતે મારા માવતરના ઘરે ગયા હતાં. રવિવારે સવારે સાડા આઠેક વાગ્યે અમે જુનાગઢ હતાં ત્યારે પાડોશી પ્રવિણભાઇ કોરીયાનો મારા પતિને ફોન આવ્યો હતો કે રાત્રીના તમારા ઘરના તાળા તુટયા છે. આથી અમે તુર જ જુનાગઢથી રાજકોટ આવવા નીકળી ગયા હતાં.
અમે ઘરે પહોંચીને તપાસ કરતાં લોખંડના કબાટનો લોક તૂટેલો હતો અને સામાન વેરવિખેર પડયો હતો. કબાટમાં તિજોરીનો લોક પણ તૂટેલો હતો. તિજોરી ચેક કરતાં તેમાંથી રૂા. ૧,૨૫,૦૦૦ રોકડા, સોના-ચાંદીના દાગીના, સોનાના હારનો સેટ રૂા. ૪,૫૦,૦૦૦ તથા કાનની સર રૂા. ૧,૨૫,૦૦૦ની તેમજ લેડીઝ વીંટી ૭૦ હજારની, સોનાના પાટલા ૧,૨૦,૦૦૦ના તથા ચાંદીની બંગડી, ચાંદીના સાંકળા મળી કુલ રૂા. ૯,૩૪,૦૦૦ની માલમત્તા ગાયબ હતી.
આ પછી અમે તપાસ કરતાં ખબર પડી હતી કે અમારી બાજુની એકલવ્ય સોસાયટીમાં જી-૩૦૬માં રહેતાં મોહિતભાઇ ખીમજીભાઇ લાડવા રાતે નોકરી પરથી ઘરે આવતાં તેના ઘરમાંથી પણ રૂા. ૧૫૦૦૦ની ચોરી થયાનું અને અમારી સોસાયટીમાં જ બી-૨૦૪માં રહેતાં રેખાબેન રાજેશભાઇ રાઠોડના ઘરના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરાયાનું જાણવા મળ્યું હતું. જેથી અમે ફરિયાદ નોંધાવી હતી. તસ્કરો મારા ઘરમાંથી રોકડ-દાગીના અને પાડોશીના ઘરમાંથી ૧૫ હજાર મળી કુલ ૯,૪૯,૦૦૦ની ચોરી કરી ગયા છે. પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં એએસઆઇ ડી. સી. જોષીએ ગુનો દાખલ કર્યો છે. ચોરીનો ભેદ ઉકેલવા ડી. સ્ટાફની ટીમ, ક્રાઇમ બ્રાંચ અને એલસીબી ઝોન-૨ ટીમ પણ કામે લાગ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજમાં ત્રણ ચોર જોવા મળ્યા છે. જેમાંથી બે ચોરે મોઢે બુકાની બાંધી હતી. ફૂટેજને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. (૧૪.૫)
(3:03 PM IST)










