News of Monday, 12th January 2026
સવારે પતંગની મોજ.. બપોરથી ઈન્ડીયા-ન્યુઝીલેન્ડ મેચ
બુધવાર લાવશે રાજકોટીયનો માટે ડબલ ખુશીરાજકોટના નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે દોઢ વર્ષ બાદ મેન્સ આંતરરાષ્ટ્રીય વન-ડે યોજાશે સવારે કાપ્યો છે... સાંજે આઉટ-આઉટની બુમો સંભળાશે

રાજકોટ, તા.૧૨: રંગીલા રાજકોટીયનો દરેક તહેવાર ઉત્સાહથી ઉજવવા માટે પ્રખ્યાત છે. તેમાં પણ બુધવારે તા.૧૪ના રોજ ઉત્તરાયણનો તહેવાર નાના-મોટા સહુ અગાસીએ જઈ પતંગ ઉડાડવાની સાથે ચીકી, લાડવા, શેરડી, ઝીંઝરાની સાથે બપોરના ભોજનમાં ઉંધીયુ-ખીચડો સહીતની વાનગીઓ આરોગે છે. ઉપરાંત સાંજે યુવાનો સ્પીકર ઉપર ડાંડીયાના તાલે ઝુમે છે.
ઉપરાંત આ વખતે રાજકોટીયનોની મજા બેવડી થવાની છે, સવારે પતંગની મોજ અને બપોરથી ઈન્ડીયા-ન્યુઝીલેન્ડની મેચ. ભારતના પ્રવાસે આવેલી ન્યુઝીલેન્ડની ટીમ ૩ વન-ડે મેચની સીરીઝનો પ્રથમ મેચ ગઈ કાલે રવિવારે વડોદરા ખાતે ૪ વિકેટથી મેચ હારી ચૂકી છે, ત્યારે બુધવારે રાજકોટના નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે બીજો વન-ડે જીતી શ્રેણી બચાવવા ટીમ ઈન્ડીયા સામે ઉતરનાર છે.
રાજકોટમાં પતંગ સાથે ક્રિકેટનો પણ માહોલ છવાયો છે. તમામ ટીકીટો ચપોચપ વેંચાઈ ગઈ છે, ત્યારે ક્રિકેટ પ્રેમીઓ બુધવારે બપોરથી જામનગર રોડ સ્થિત નિરંજન શાહ સ્ટેડીયમની વાટ પકડશે. સવારે કાપ્યો છે અને સાંજે આઉટ-આઉટની બુમોથી રાજકોટીયનો વાતાવરણ ગુંજવી મુકનાર છે.
રાજકોટમાં છેલ્લે મેન્સ વન-ડે મેચ ૨૦૨૩માં યોજાયો હતો. જેમાં પ્રવાસી ઓસ્ટ્રેલીયાએ ટીમ ઈન્ડીયાને ૬૬ રનથી હરાવ્યું હતું. જો કે ન્યુઝીલેન્ડ સામેની હાલની સીરીઝમાં ટીમ ઈન્ડીયા ફોર્મમાં છે અને એક મેચ જીતી ચૂકી છે, ત્યારે બુધવારનો રાજકોટમાં રમાનાર મેચ જીતી સીરીઝ ઉપર પણ કબ્જો જમાવવા મેદાનમાં ઉતરશે.
આમ રાજકોટવાસીઓએ ઋતુચક્રનો બેવડો માર સહન કર્યા બાદ ઉત્સાહ અને આનંદની કીલકારીયો મારવા પતંગ પ્રેમીઓ અને ક્રિકેટ ચાહકોમાં તા.૧૪ને બુધવારની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
(3:47 PM IST)










