તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 13th January 2026
રાજકોટના હેર સલુન સંચાલકને લોન અપાવવાના નામે ૩૨ લાખની ઠગાઈ
પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી : સુરતના રસીક ઉર્ફે આર કે સહિતે લોન અપાવવાનું કહીને નાણાં પડાવ્યા

સુરત,તા.૧૩: રાજકોટ શહેરમાં કરોડો રૂપિયાની લોન સસ્તા વ્યાજે અપાવવાની લાલચ આપી એક યુવાન સાથે લાખોની છેતરપિડી થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. લોન અપાવવામાં મોટાવરાછાના રસીક ઉર્ફે આર કે સહિતે નાણા પડાવતા ઉત્રાણ પોલીસે ગુનો નોંધ્યો છે.
ઉત્રાણ પોલીસના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે ક્રાંતિવીર ટાઉનશીપમાં રહેતા ભવ્ય મનસુખભાઈ વિઠલાપરા (ઉ.૨૪) આકાશદીપ મેઈન રોડ ઉમિયા ચોક પાસે જુલી હેર સલુનની દુકાન ચલાવે છે. તેમની દુકાને આવતા કાર્તિક હસમુખભાઈ બાવીશી સાથે ઓળખાણ થઈ હતી. ભવ્યને કાર્તિકે જમીન મકાનની દલાલી કામ કરુ છું. તમે મોટું સાહસ કરો, હું તમને કાર્તિકે કરોડો રૂપિયાની લોન સસ્તા વ્યાજે અપાવવાની વાત કરી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. લોન પ્રક્રિયા માટે તેમને સુરત માટે કાર્તિકે તેમને સુરત શહેરના મોટાવરાછા સ્થિત પાટીદાર ચોકમાં રહેતા રસિક ઉર્ફે આર કે પાસે કાર લઈને મળવા લઈ ગયો હતો.
બાદમાં મુંબઇમાં રહેતા શોએબ અને આયુષ અગ્રવાલ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ લોકોએ સાત કરોડની લોન માત્ર ૪ ટકાના દરે અપાવવાનું નક્કી કર્યુ હતુ. જેમાં વકીલ ફી, ટ્રાન્સફોર્ટેશન ચાર્જ, બોર્ડ ચાર્જ સહિતના બહાને જુદા જુદા રૂપિયાની માંગણી કરી હતી.
રાજકોટના ભવ્ય વિઠલપરાએ આંગડીયા પેઢી તેમજ ઓનલાઇન ટ્રાન્જેકશન મારફતે વારંવાર રકમ ચુકવી હતી. જેમાં તેની કાર પણ ગીરવે મુકી દીધી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ કાર્તિક બાવીશીને રૂ.૨.૬૦, રસીક ઉર્ફે આર.કે.ને રૂ.૪.૩૦ લાખ અને શોયેબ અને આયુષ અગ્રવાલને કુલ રૂ.૨૫.૫૫ લાખ ચુકવ્યા હતા. આમ કુલ રૂ.૩૨.૪૫ લાખની રકમ લોન પેટે ચુકવ્યા હતા. સમયાંતરે લોન અંગે પુછપરછ કરતાં કોઇ પ્રત્યુતર નહીં આપતા અંતે ભવ્યએ ઉત્રાણ પોલીસ મથકમાં કાર્તિક હસમુખભાઈ બાવીશી, રસીક ઉર્ફે આર.કે. વિનુભાઈ ખેની અને શોયેબ, આયુષ અગ્રવાસ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
મોટાવરાછાના આર.કે.એ બ્લેકના નાણાં વ્યાજે મળશે એમ કહીને છેતરપિંડી આચરી
રાજકોટના ભવ્ય વિઠલપરાને મોટું સાહસ કરવા માટે સસ્તા વ્યાજ દરે કરોડો રૂપિયા લોન પેટે આપવાનું કહીને કાર્તિક બાવીશીએ મોટાવરાછાના આર.કે. નામના શખ્સ સાથે મેળાપ કરાવ્યો હતો. જેમાં આર.કે.એ મુંબઇની હોટલમાં લઇ જઇને સાંસદ અશોકકુમાર યાદવના પી.એ.શોયેબ અને આયુષ અગ્રવાલ પાસે બ્લેકના નાણા પડયા છે. જે નાણા લોન પેટે આપવાનું કહીને ભવ્ય પાસેથી કુલ રૂ.૩૨.૪૫ લાખની રકમ પડાવી હતી.
(10:16 AM IST)










