હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'હોટેલમાં કુટણખાનુ ચાલે છે' તેવા સોશિયલ મિડીયામાં આવેલા ન્યુઝ મામલે હોટેલ કર્મી પર હોકી-પાઇપના ઘા
બસ સ્ટેશન પાછળ હોટેલ ચલાવતાં ભાવેશભાઇ ગોવા ફરવા ગયા હોઇ મીલપરાની હોટેલના ન્યુઝ છપાયા હતાં: ન્યુઝ છાપનારો ભાવેશભાઇનો મિત્ર હોઇ તેણે છપાવ્યાની શંકાએ મીલપરાની હોટેલવાળા હિરેને તેને ફોન કરી વાત કરતાં ભાવેશભાઇએ કર્મચારી વિજયને ખુલાસો કરવા મોકલતાં માથાકુટ થઇ : એ-ડિવીઝન પોલીસે હિરેન પ્રજાપતિ, તેના ભાઇ મયુર અને વિશાલ નેપાળી વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૩: બસ સ્ટેશન પાછળ હોટેલ ચલાવતાં સંચાલક હાલ ગોવા ફરવા ગયા હોઇ મિલપરામાં આવેલી એક હોટેલમાં કુટણખાનુ ચાલે છે તેવા ન્યુઝ સોશિયલ મિડીયા પેજ પર છપાતાં આ ન્યુઝ ચલાવનારો શખ્સ હાલ ગોવા ગયેલા હોટેલ સંચાલકનો મિત્ર હોઇ જેથી જેના વિશે ન્યુઝ છપાયા તે હોટેલ સંચાલકે તેને ગોવા ફોન કરી આ વિશે વાત કરતાં તેણે રાજકોટની પોતાની હોટેલના કર્મચારીને જાણ કરી પોતે આવા કોઇ ન્યુઝ છપાવ્યા નથી એ અંગેનો ખુલાસો કરી આવવાનું કહેતાં કર્મચારી મીલપરામાં આવેલી હોટેલ ખાતે શેઠે કહ્યા મુજબ ખુલાસો કરવા જતાં બોલાચાલી થતાં તે ત્યાંથી ભાગી નીકળ્યા બાદ તેને મિલપરાની હોટેલના સંચાલક બે ભાઇઓ અને એક નેપાળી શખ્સે મળી બસ સ્ટેશન પાછળની ખોડિયાર હોટેલ પાસે આંતરી હોકી અને લોખંડના પાઇપથી બેફામ માર મારતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે એસ ટી બસ સ્ટેશન પાછળ હોટેલ મૂન ખાતે રહેતાં મુળ દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તાબેના પ્રેમસર ગામના રહેવાસી વિજય કરસનભાઇ ગોજીયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી એચ.આર. કિંગ હોટેલવાળા હિરેન પ્રજાપતિ, મયુર પ્રજાપતિ અને વિશાલ નેપાળી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. વિજય ગોજીયા પર હુમલો થયો હોઇ તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલના બીછાનેથી ફરિયાદ નોંધાવતાં તેણે જણાવ્યું છે કે હું દોઢેક વર્ષથી હોટેલ મૂન ખાતે રહી ત્યાં નોકરી કરુ છું. ૧૨મીએ સવારથી હું નોકરીએ હતો અને મારા શેઠ ભાવેશભાઇ ગવવા ફરવા ગયા છે. હાલ હોટેલનું કામકાજ હું અને મેનેજર ગોૈરાંગભાઇ સંભાળીએ છીએ. ૧૧મીએ એક સોશિયલ મીડિયા પેજ ઉપર એચ. આર. કિંગ હોટલ મીલપરા ખાતે કુટણખાનું ચાલે છે તેવા ન્યુઝ પ્રસારીત થયા હતા અને આ ન્યુઝવાળા વિશ્વજીતભાઈ મારા શેઠ ભાવેશભાઈના મિત્ર છે. તેથી એચ. આર. કિંગ હોટલવાળા હિરેનભાઈ પ્રજાપતિએ કોઈ રીતે ભાવેશભાઇને જણાવેલ કે તમોએ તમારા મિત્ર વિશ્વજીતભાઈના ન્યુઝમાં અમારી હોટેલ એચ.આર. કિંગમાં કુટણખાનું ચાલે છે તેવું છપાવેલ છે.
જેથી શેઠ ભાવેશભાઈનો મને ગોવાથી ફોન આવેલ અને વાત કરેલ કે તું એચ.આર. કિંગ હોટલવાળા હિરેનભાઈ પ્રજાપતિ ને જણાવ કે મેં તેમની હોટલ વિશે ન્યૂઝમાં કોઈ માહિતી આપેલ નથી. આથી રાતે નવેક વાગ્યાની આસપાસ હું હિરેનભાઈની હોટેલ જે મિલપરમાં છે ત્યાં હું ગયો હતો અને હિરેનભાઇને કહેલું કે મારા શેઠ ભાવેશભાઈએ તમારી હોટલ વિશે ક્યાય ન્યુઝમાં અપાવેલ નથી. આ સાંભળી હિરેનભાઈ તથા તેમના ભાઈ મયુરભાઈ મારી સાથે બોલાચાલી કરવા લાગતાં હું ત્યાંથી ભાગી ગયો હતો અને પેલેસ રોડ ખાતે ખેતલાઆપા ટી સ્ટોલે જતો રહ્યો હતો. બાદમાં રાત્રિના દસેક વાગ્યાની આસપાસ મને અમારી હોટેલના મેનેજર ગૌરાંગભાઈનો ફોન આવેલ અને વાત કરેલ કે ત્રણ અજાણ્યા માણસો હોટલે આવેલ છે અને તમને બોલાવે છે. જેથી હું દસેક વાગ્યાની આસપાસ હોટલ મૂન ખાતે જતો હતો તેવામાં ખોડીયાર હોટલ વાળી શેરી પર પહોંચતા હિરેનભાઈપ્રજાપતિ તથા તેમના ભાઈ મયુરભાઈ પ્રજાપતિ તથા વિશાલ નેપાળી પોતાના હાથમાં હોકી તથા લોખંડના પાઇપ જેવા હથિયાર સાથે ત્યાં ઉભેલા જોવા મળ્યા હતાં.
હું આ બધાની નજીક પહોંચતા જ મારા પરે હોકી તથા લોખંડના પાઈપથી ત્રણેય તૂટી પડ્યા હતાં અને આડેધડ માર મારવા માંડ્યા હતાં. હિરેનભાઇએે મને માથામાં પાઇપ મારી દીધેલ અને મયુરભાઈ તથા વિશાલે હોકીથી માર માર્યો હતો. મને માથામાંથી લોહી નીકળવા લાગેલ અને ત્યાં મારા શેઠ ભાવેશભાઈના ભાઈ નિકુંજભાઈ બરાળીયા તથા મયુદીનભાઈ મેમણ તથા બીજા અજાણ્યા લોકો આવી જતાં આ ત્રણેય ભાગી ગયા હતાં.
મને લોહી લુહાણ હાલતમાં નિકુંજભાઇ ગુંદાવાડી હોસ્પિટલમાં, ત્યાંથી સિવિલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. મને માથામાં સાત ટાકા આવેલ છે. આ ઝઘડો થવાનું કારણ એ છે કે ન્યુઝમાં સોશિયલ મીડિયા પેજ ઉપર એચ.આર. કિંગ હોટલમાં કુટણખાનું ચાલે છે તેવા ન્યુઝ આવ્યા હોઇ આ ન્યુઝ મારા શેઠ ભાવેશભાઇએ છપાવ્યા છે તેવી શંકા કરી હિેરનભાઇએ મારા શેઠ ભાવેશભાઇ ગોવા હોઇ તેને ફોન કરી પુછતાં શેઠના કહેવાથી હું આ વાતનો ખુલાસો કરવા હિરેનભાઇ પાસે ગયો હતો. એ પછી હું ત્યાંથી નીકળી જતાં ખાર રાખી હિરેનભાઇ, તેના ભાઇ મયુરભાઇ અને વિશાલ નેપાળીએ મળી મારા પર હોકી, પાઇપથી હુમલો કર્યો હતો. તેમ વધુમાં વિજયએ જણાવતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ ડી. વાય. મહંતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૬)










