News of Tuesday, 13th January 2026
બે વર્ષથી ફરાર રિક્ષાગેંગનો સુત્રધાર ઘંટેશ્વર ૨૫ વારીયાનો નટુ ઝડપાયો
ચાર ગુનામાં ફરાર હતોઃ અગાઉ લૂંટ-ચોરીઓના ગુનામાં સંડોવણી ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં એલસીબી ઝોન-૨ નાસતા ફરતા સ્કવોડના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે પકડી લીધો

રાજકોટ તા. ૧૩: ઓટો રિક્ષામાં મુસાફરોને બેસાડી સોનાની બંગડીઓ, મોબાઇલ ફોન અને રોકડ ચોરી લેતી ટોળકીનો મુખ્ય સુત્રધાર બે વર્ષથી ફરાર હતો. તેને એલસીબી ઝોન-૨ નાસતા ફરતાં સ્કવોડની ટીમે ઝડપી લીધો છે. આ ટોળકીના બે સાગ્રીતો અગાઉ ઝડપાઇ ગયા હતાં. ચાર ગુનામાં આ શખ્સને પકડવાનો બાકી હતો.
જાણવા મળ્યા મુજબ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રિક્ષાગેંગનો સુત્રધાર એવો જામનગર રોડ ઘંટેશ્વર ૨૫ વારીયામાં રેહતો નટુ દીનેશભાઇ કુંવરીયા રાજકોટ આવ્યો છે. તેના આધારે તેને સકજામાં લઇ લીધો હતો. નટુ અને તેના બે સાગ્રીતો વિરૂધ્ધ અગાઉ રાજકોટ તાલુકા પોલીસ અને આજીડેમ પોલીસમાં ચાર ગુના નોંધાયા હતાં. આ શખ્સો મુસાફરોને રિક્ષામાં બેસાડી ધક્કામુક્કી કરી નજર ચુકવી મુસાફર પાસેની રોકડ, મોબાઇલ કે દાગીના ચોરી લઇ બાદમાં બહારનુ કરી મુસાફરને અધવચ્ચે ઉતારી ભાગી જવાની ટેવ ધરાવે છે. રિક્ષામાં પંચર પડયું છે તમે ઉતરી જાવ તેમ કહી જે તે મુસાફરને ઉતારી ભાગી જતાં હતાં.
ચાર ગુનામાં બે શખ્સ અગાઉ પકડાઇ ગયા હતાં. નટુ બે વર્ષથી ફરાર હોઇ તે હવે હાથમાાં આવતાં તેની પુછતાછ થઇ રહી છે. નટુ અગાઉ પણ રાજકોટ રેલ્વે પોલીસમાં લૂંટના ગુનામાં, ગોંડલ સીટીમાં ચોરીના ગુનામાં અને રાજકોટ તાલુકામાં ચોરીના ગુનામાં પકડાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇની રાહબરી-સુચના અનુસાર પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા, કોન્સ. અમીનભાઇ ભલુર અને પ્રશાંતભાઇ ગજેરાએ આ કામગીરી કરી હતી.
(2:52 PM IST)










