News of Tuesday, 13th January 2026
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેના કાલના વન-ડે ક્રિકેટ મેચમાં લોખંડી પોલીસ બંદોબસ્તઃ પ્રેક્ષકો માટે માર્ગદર્શિકા જાહેર
રૂરલ એસ.પી.વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ૭૦૦નો પોલીસ કાફલો તૈનાતઃ અનઅધિકૃત પાર્કીંગના કારણે ટ્રાફીક જામ થશે તો કાર્યવાહી થશે

તસ્વીરમાં રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર મેચના બંદોબસ્તની માહીતી આપતા નજરે પડે છે. બાજુમાં ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલા, ધોરાજી ડીવાયએસપી સિમરન ભારદ્વાજ, જસદણ એએસપી નવીન ચક્રવર્તી, પ્રોબેશ્નર આઇપીએસ પ્રખર કુમાર દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ૧૩ : રાજકોટની ભાગોળે આવેલ ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમમાં આવતીકાલે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર વન-ડે ક્રિકેટ મેચમાં રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ અંગે પત્રકાર પરીષદમાં માહીતી આપતા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આવતીકાલે યોજાનાર વન-ડે મેચ શાંતિપુર્વક રમાઇ અને કોઇ ખલેલ ન પહોંચે તે માટે સ્ટેડીયમમાં માં ૩ એએસપી, ૪ ડીવાયએસપી, ૧૪ પીઆઇ, ૪ર પીએસઆઇ, ૭૦૦ પોલીસ કર્મચારી, ૩૮ ટ્રાફીક પોલીસ, ટીઆરબી તથા જીઆરડીના ૪૦૦ અને ૧૦૦ પોલીસ બોર્ડીવોર કેમેરા સાથે સહિત કુલ ૧૩૦૦ નો પોલીસ કાફલો ખડેપગે તૈનાત રહેશે. સ્ટેડીયમમાં બીડીડીએસની ટીમ ડોગ સ્કવોડ સાથે સતત ચેકીંગ કરશે. ૩ વોચ ટાવર તથા સીસીટીવી સર્વેલન્સ ટીમ સતત કાર્યરત રહેશે. કોઇ પણ અપરાધીક પ્રવૃતિ જણાઇ આવ્યે પોલીસ તુર્ત જ કાર્યવાહી કરશે. મેચ દરમ્યાન ગ્રાઉન્ડની અંદર અનઅધિકૃત રીતે પ્રવેશ કરનાર, તેમજ મેચ દરમ્યાન કોઇ પણ રીતે વિક્ષેપ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મેચમાં પ્રવેશ મેળવનાર પ્રેક્ષકોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. તથા બ્રેથ એનેલાઇઝર દ્વારા ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. પાર્કીગ સિવાય રોડ ઉપર કે હોટેલ કે અન્ય કોઇ ખાનગી જગ્યામાં વાહનો પાર્ક કરવા નહિ. જો કોઇ જગ્યાએ આવી રીતે અનઅધિકૃત પાર્કીગના કારણે રોડ ઉપર ટ્રાફીક જામ થશે તો તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સ્ટેડીયમની અંદર બેગ, ટીફીન, બીડી-માચીસ, લાઇટર, કેમેરો, વિડીયો કેમેરા, લાકડી, હથીયાર જેવી કોઇ પણ વસ્તુ અંદર લઇ જઇ શકાશે નહી. કોઇ વ્યકિત સ્ટેડીયમમાંથી ગ્રાઉન્ડમાં પદાર્થ ફેંકતા પકડાશે તો કાર્યવાહી કરવામાં આવશે. સ્ટેડીયમમાં એક વાર પ્રવેશ કર્યા બાદ બહાર નિકળશો તો ફરી પ્રવેશી શકાશે નહી. મેચ દરમ્યાન પ્રેક્ષકોને કોઇ તકલીફ પડે તો મેઇન એન્ટ્રી ગેઇટ ખાતે પોલીસ સહાયતા કેન્દ્ર ખોલવામાં આવેલ છે. જયાંથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. તેમ અંતમાં રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું. (૪.૧૨)
વનડે મેચ માટે પાર્કિંગ વ્યવસ્થા
મેચ દરમ્યાન પેક્ષકોને વાહન પાર્ક કરવા માટે કુલ-૭ પાર્કિંગની વ્યવસ્થા ખંઢેરી ગ્રામપંચાયત સાથે સમન્વય કરી રાખવામાં આવેલ છે. જે પાર્કિંગમાં ૫૦૦૦ ફોર-વ્હીલ તથા ૫૦૦૦ ટુ-વ્હિલ પાર્ક થાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી પ્રેક્ષકોને સુચન કરવામાં આવે છે કે આપના વાહન ઉપરોકત પાર્કિંગમાં જ પાર્ક કરવા. જે લોકોને સાઉથ એન્ટ્રી ગેટમાં કાર પાર્કિંગનો પાસ મળેલ છે તેઓએ મેઇન એન્ટ્રી ગેઇટ-૧ ઉપર થી પ્રવેશ મેળવી અને સ્ટેડીયમ પાસેથી ડાબી બાજુ વળી ત્યાંના પાર્કિંગમાં વાહન પાર્ક કરવાનુ જે લોકોને ઇસ્ટ પાકિર્ંંગનો પાસ મળેલ છે તેઓએ શિવ શકિત હોટલથી યુ-ટર્ન લઇ આઉટર મિડીયા ગેઇટ નં.-૩ થી પ્રવેશ મેળવી સ્ટેડીયમ પાસેથી ડાબી બાજુ વળી ત્યાંના પાર્કીંગમાં વાહન પાર્ક કરવાનું રહેશે. (૪.૧૩)
રાજકોટ-જામનગર વચ્ચે આવતા-જતા વાહનો માટે વૈકલ્પીક ડાઇવર્ઝન
ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ નજીકથી રાજકોટ જામનગર હાઇવે રોડ પસાર થતો હોય અને ક્રિકેટ મેચ ના કારણે ટ્રાફીક જામ થવાની સંભાવના હોય જેથી ટ્રાફીક નિયમન માટે તા.૧૪/૦૧/૨૦૨૬ ના કલાક ૧૦/૦૦ થી તા.૧૪/૦૧/૨૦૨૬ ના ક.૨૪/૦૦ વાગ્યા સુધી જામનગર થી રાજકોટ તરફ આવતા ભારે વાહનોને પડધરી મોવૈયા સર્કલ થી ડાયવર્જન આપી, જે વાહનોને પડધરી- નેકનામ - મિતાણા થઇ રાજકોટ તરફ આવવા માટે ડ્રાઇવર્ટ કરવામાં આવેલ છે.
રાજકોટથી જામનગર જતા વાહનોને રાજકોટ માધાપર ચોકડી થી મોરબી રોડ-મિતાણા, ટંકારા થઇ જામનગર, ધ્રોલ તરફ ડાઇવર્ટ કરવા સારૂ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજકોટ દ્રારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવેલ છે. જેની તમામ વાહન ચાલકોએ નોંધ લેવી.
(3:46 PM IST)










